04 November, 2026 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓપરેશન બાદ ટૂથબ્રશ કાઢ્યું
પેણ-ખોપોલી રોડ પર આવેલા શિરવલી-વાવોશી ગામમાં રહેતા ૫૩ વર્ષના રિક્ષા-ડ્રાઇવર રાજેન્દ્ર માલુસરે માટે ૨૯ સપ્ટેમ્બરની સવાર જીવલેણ મુસીબતમાં ફેરવાઈ ગઈ હતી. સવારે ઊઠીને બ્રશ કરતી વખતે તે ટૂથબ્રશ વડે જીભ સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક હાથમાંથી બ્રશ લપસીને ગળાની અંદર ઊતરી ગયું હતું.
રાજેન્દ્ર માલુસરેએ જણાવ્યું હતું કે ‘હું બ્રશ વડે જીભ સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક એ લપસીને ગળામાં ઊતરી ગયું. મેં એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ મેળ ન પડ્યો. મેં બૂમ પાડવાની કોશિશ કરી, અવાજ માંડ નીકળ્યો છતાં મારી દીકરી દોડી આવી. મેં ઇશારાથી સમજાવ્યું એટલે દીકરીએ મોંમાં હાથ નાખીને બ્રશ કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ ન થઈ.’
ગભરાયેલા પરિવારે પાડોશીની મદદ લીધી હતી. સ્થાનિક ક્લિનિકમાં ઉપચાર ન થતાં આખરે તેને નવી મુંબઈ ખાતે આવેલી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના આશરે ત્રણથી ૪ કલાક બાદ દરદી હળવા પેટના દુખાવા સાથે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો.
મેડિકવર હૉસ્પિટલના ડૉ. રાવસાહેબ રાઠોડે જણાવ્યું હતું કે આ ઘટના અસામાન્ય હોવાથી તાત્કાલિક એન્ડોસ્કોપી કરવામાં આવી હતી, જેમાં ૧૯ સેન્ટિમીટર (આશરે ૭ ઇંચ) લાંબું ટૂથબ્રશ દરદીના પેટમાં આડું પડેલું જોવા મળ્યું હતું.
દરદીને શૉર્ટ જનરલ ઍનેસ્થેસિયા આપીને ૩૦ મિનિટ ચાલેલી જટિલ એન્ડોસ્કોપિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટૂથબ્રશ કઠણ અને સીધું હોવાથી એને પાચનમાર્ગના વળાંકોમાંથી બહાર કાઢવું પડકારજનક હતું. એન્ડોસ્કોપના છેડે હૂડ લગાવીને બ્રશનો એક છેડો પકડીને ધીમે-ધીમે ખેંચવામાં આવ્યું હતું. પેટ અને અન્નનળીના જોડાણ તેમ જ ગળાના ઉપરના ભાગમાં બ્રશ અટકી ગયું હતું, પરંતુ દરદીની પોઝિશન બદલીને અને ઝીણવટભર્યા પ્રયાસો બાદ આખરે મોં વાટે આખેઆખું બ્રશ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ડૉક્ટરોને સફળતા મળી હતી.
- સુબાહુ પરીખ