છતે ઘરે થશે બેઘર

28 November, 2022 09:41 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સર્વોચ્ચ અદાલતે પણ અરજી ઠુકરાવી દેતાં નવી મુંબઈના ૧૬૦ પરિવારો પર આભ તૂટી પડ્યું : છ મહિનામાં ખાલી કરવી પડશે જગ્યા

નવી મુંબઈના નેરુળના સેક્ટર-૧૬માં આવેલા ક્રિષ્ણા કૉમ્પ્લેક્સ

નવી મુંબઈના નેરુળના સેક્ટર-૧૬માં આવેલા ક્રિષ્ણા કૉમ્પ્લેક્સ અને એની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ પાર્કનાં મકાનો બગીચાના પ્લૉટ પર બંધાયાં હોવાનું કહી એનએમએમસી અને રહેવાસીઓ વચ્ચે ચાલેલી કાનૂની જંગના અંતે ૧૬૦ પરિવારોએ છતે ઘરે બેઘર થવાનો વારો આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પણ બૉમ્બે હાઈ કોર્ટના આદેશને આખરી માનીને એ ૧૬૦ પરિવારોને ૬ મહિનામાં જગ્યા ખાલી કરવા જણાવ્યું છે. રહેવાસીઓનું કહેવું છે કે અમે એનએમએમસીને કહ્યું કે અમે મધ્યમવર્ગી પરિવારો છીએ, જે કંઈ નૉમિનલ ચાર્જ લઈને અમને એ જગ્યા તમે અમારા નામે કરી આપો તો એના માટે એનએમએમસી તૈયાર નથી.

આ લડત ચલાવવામાં રહેવાસીઓ તરફથી કોર્ટમાં અરજી કરનાર જયેશ કામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ બગીચાના પ્લૉટ પર જ્યારે મકાન ચણાતાં હતાં. પાંચ માળ ચણાઈ ગયા ત્યાં સુધી શું એનએમએમસીના અધિકારીઓ સૂતા હતા? આજે ૧૨ વર્ષ પછી એ લોકો અમારી સાથે આવું કરે છે એ તો બહુ મોટો અન્યાય કહેવાય. અમે કંઈ પૈસાદાર લોકો નથી, અમે બધા મિડલક્લાસ પરિવારો છીએ. કઈ રીતે અમે પૈસા કાઢી-કાઢીને આ ઘર લીધું છે એ અમે જ જાણીએ છીએ. પહેલાં એ લોકોએ એ જોવાની જરૂર છે કે એમનાથી શું ભૂલ થઈ. જો એ બનતું હતું ત્યારે જ સ્ટૉપ કર્યું હોત તો અમને પણ તકલીફ ન પડી હોત. હવે કોર્ટે ૬ દિવસમાં લેટર આપવા કહ્યું છે અને ૬ મહિનામાં ઘર ખાલી કરવા કહ્યું છે. અમને ખબર નથી પડી રહી કે અમે શું કરીએ? એનએમએમસી અને સિડકોને શરમ નથી. તમે બિલ્ડરની ઇન્ક્વાયરી કરોને? તેણે એ કઈ રીતે બનાવ્યું? સિડકો અને એનએમએમસી તો મેઇન હતાં. લોકોએ બહુ મહેનત પછી આ ઘર બનાવ્યું છે અને હવે તેમને ઘરની બહાર કાઢો છો? આ રિડિક્યુલસ છે. અમે હાલ તો રોજ એક જ દિવસ જીવીએ છીએ, ખબર નથી આવતી કાલે શું થવાનું છે. અમારે તો ફ્લૅટ ખાલી જ કરવાનો છે. અનેક લોકો હવે સિનિયર સિટિઝન થઈ ગયા છે. એ લોકોએ સોનું વેચીને, વાસણ વેચીને આ ઘરના પૈસા ચૂકવ્યા છે. તેમની કેવી ખરાબ હાલત થશે? આ સરકારી લોકોને શરમ નથી. એ લોકો અમારી પરિસ્થિતિ સમજતા જ નથી. તેઓ તો કહે છે ગેટઆઉટ, આમ કહી દેવું બહુ આસાન છે. તમારે ગેટઆઉટ થવું જોઈએ. જ્યારે એક નહીં, બે નહીં, પાંચ-પાંચ માળ ચણાઈ ગયા ત્યાં સુધી તમે તેમને રોક્યા કેમ નહીં? શું તમને મકાન ચણાયાની ખબર જ ન પડી? આ બધું શંકાસ્પદ લાગી રહ્યું છે. અમે આટલાં વર્ષોથી રહીએ છીએ. અમારા ફ્લૅટ રજિસ્ટર્ડ પણ કરાયેલા છે. મને સિડકોએ રજિસ્ટર્ડ કરી આપ્યું છે, સિડકોનો સ્ટૅમ્પ છે મારા રજિસ્ટ્રેશન પર. આટલું બધું હોવા છતાં પણ તેઓ આવું કરે છે એ સમજી નથી શકાતું.’

આ જ બિલ્ડિંગમાં રહેતા કિરણ ધનધ્રુતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ગાવઠણ એરિયા હોવાથી નૅશનલાઇઝ બૅન્ક તરફથી લોન નહોતી મળતી. કેટલાય લોકોએ પર્સનલ લોન લઈ, સોનું ગિરવે મૂકીને લોન લઈ હપ્તા ભરીને ઘર લીધું. આજે ૧૨ વર્ષ પછી અમને કહે છે ઘર ખાલી કરો. અમારી હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે. કોર્ટે આવું વન સાઇડ ડિસિઝન કેમ આપ્યું એ સમજાતું નથી. એનએમએમસી અને અધિકારીઓ પર કોઈ ઍક્શન નહીં અને અમને જ શિક્ષા?’ 

આ સંદર્ભે ‘મિડ-ડે’એ એનએમએમસીના વૉર્ડ-ઑફિસર સુનીલ પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો, તેમણે મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો.

mumbai mumbai news navi mumbai bakulesh trivedi