07 August, 2025 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ઘણસોલીના સિમ્પ્લેક્સ વિસ્તારમાં ડ્યુટી પર હાજર એક પોલીસ અધિકારીનું કરતૂત સામે આવ્યું છે. ડ્યુટી પર હાજર હોવા છતાં દારૂના નશામાં પોલીસની જ ગાડી ચલાવી રહેલા આ અધિકારીએ સ્કૂટરને ટક્કર મારી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થયેલી આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચલાવનાર બૅલૅન્સ ચૂકે છે અને રોડના ડિવાઇડરની બાજુમાં જતા સ્કૂટરને અથડાઈને ગાડી સડસડાટ આગળ નીકળી જાય છે. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતાં CCTV કૅમેરાના ફુટેજના આધારે ગાડીની ઓળખ કરીને કાર જપ્ત કરવામાં આવી હતી. એમાંથી દારૂની ખાલી અને ભરેલી બૉટલ્સ મળી આવી હતી અને પોલીસ-અધિકારી ફરજ પર હાજર હોવાનું પણ જણાયું હતું. જોકે આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાથી લોકોએ પોલીસ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. જો પોલીસ જ આવું વર્તન કરશે તો પ્રજાને ન્યાય કેવી રીતે મળશે એવી કમેન્ટ પણ અમુક લોકોએ કરી હતી.