પોતાનો જ માણસ નીકળ્યો પિસ્તાચોર

10 March, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપીએમસીની મસાલા માર્કેટના વેપારીએ બાજુની દુકાનના સીસીટીવી કૅમેરાની મદદથી પકડી પાડ્યો

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં એપીએમસીની મસાલા માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સના વેપારીને રાતે તેની દુકાન ખોલીને માલની ચોરી થઈ હોવાની શંકા જતાં તેણે બાજુની દુકાનમાં લગાવેલા સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચેક કરતાં પોતાની પાસે જ કામ કરતો માણસ રાતે ડુપ્લિકેટ ચાવીની મદદથી દુકાન ખોલીને અંદર રાખેલા આશરે ૧.૨૫ લાખ રૂપિયાના પિસ્તા ચોરી કરતો હોવાનું દેખાઈ આવ્યું હતું. ચોરીની આ ફરિયાદ એપીએમસી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

મુંબઈના નાનાચોકમાં તાડદેવ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને એપીએમસીની મસાલા માર્કેટમાં ડીડી ઇન્ટરનૅશનલના નામે ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરતા બાવન વર્ષના દર્શન કાપડિયાએ કરેલી ફરિયાદ અનુસાર તેમની પાસે કામ કરવા માટે ૧૬ માણસો છે. થોડા વખત પહેલાં શંકા જતાં તેમણે બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસતાં ૨૮ ફેબ્રુઆરીએ રાતે સાડાદસ વાગ્યે તેમની પાસે જ કામ કરતો ભાવિક સોલંકી બીજી ચાવીનો ઉપયોગ કરી દુકાન ખોલીને પિસ્તાનાં પાંચ બૉક્સ તેની સફેદ કલરની કારમાં મૂકતો જોવા મળ્યો હતો. પિસ્તાની પાંચ પેટીની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા થતી હોવાથી આ ચોરીની ફરિયાદ એપીએમસી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસમાં પ્રાથમિક માહિતી અનુસાર અમે નોકર ​વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

apmc market navi mumbai mumbai mumbai news Crime News mumbai crime news mumbai police