22 May, 2025 09:56 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
બસ-ડ્રાઇવરનો કૉલર પકડીને લાફો મારતી મહિલાનો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોનો ગ્રૅબ.
નાશિકમાં મંગળવારે સાંજે જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો હતો ત્યારે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. એક મહિલા તેના પુત્ર સાથે બસની રાહ જોઈને ઊભી હતી ત્યારે એક સિટી લિન્ક બસ આવતી હોવાનું જોઈને મહિલાએ બસને રોકવા માટે હાથ દેખાડ્યો હતો. બસના ડ્રાઇવરે મહિલાને જાણે જોઈ જ ન હોય એવી રીતે બસ ઊભી રાખવાને બદલે દોડાવી દીધી હતી. મહિલા બસની પાછળ તેના પુત્ર સાથે થોડે દૂર સુધી દોડી હોવા છતાં બસ ઊભી નહોતી રહી. આથી ડ્રાઇવરને પાઠ ભણાવવા મહિલાએ નિમાણી બસ-સ્ટૅન્ડથી નાશિક રોડ સુધી ૧૧ કિલોમીટર રિક્ષામાં બેસીને બસનો પીછો કર્યો હતો.
નાશિકના એક બસ-સ્ટૉપ પર બસ ઊભી રહી હતી ત્યારે મહિલા રિક્ષામાંથી ઊતરીને બસમાં ચડી ગઈ હતી અને ડ્રાઇવરને કૉલર પકડીને નીચે ઉતાર્યો હતો અને ઉપરાઉપરી ચાર-પાંચ લાફા મારી દીધા હતા. લોકોએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો પણ એ એટલીબધી ગુસ્સામાં હતી કે તેણે ડ્રાઇવરનો કૉલર છોડ્યો નહોતો. મહિલાનો રુદ્રાવતાર જોઈને લોકો ચોંકી ગયા હતા. મહિલાએ ડ્રાઇવરને પૂછ્યું હતું કે વરસાદ ચાલુ હતો ત્યારે લોકોને પ્રવાસ કરવા માટે બસની જરૂર હતી ત્યારે બસ ઊભી ન રહે તો આવી બસનો શું ઉપયોગ? મહિલાની વાત પર સ્થાનિક પ્રશાસને આ વિશે વિચારવું જોઈએ એવું એકઠા થયેલા લોકોએ કહ્યું હતું. બધાએ ખૂબ સમજાવ્યા બાદ મહિલા શાંત થઈ હતી.