નાશિકના લંપટ કૅપ્ટન અશોક ખરાત કેસની તપાસ SITને સોંપાઈ

20 March, 2026 11:17 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

અશ્લીલ ફોટો અને વિડિયો લઈને કરોડો રૂપિયાની ખંડણી માગવાનો આરોપ, મુખ્ય પ્રધાને બે અઠવાડિયાં અગાઉ જ તપાસનો આદેશ આપ્યો હતો

આરોપી કૅપ્ટન અશોક ખરાતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને કોર્ટમાં હાજર કર્યો હતો.

નાશિકના કૅપ્ટન અશોક ખરાતનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે અને રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. અશ્લીલ ફોટો અને વિડિયોની ધમકીઓ અને કરોડો રૂપિયાની ખંડણીના આરોપોને કારણે કેસનો વ્યાપ વધ્યો હોવાથી તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે અઠવાડિયાં પહેલાં જ આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને કાર્યવાહી શરૂ કરી હતી અને તેમના નિર્દેશો મુજબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જણાયું છે.

રાજ્ય સરકારે બનાવેલી SITના વડા તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર તેજસ્વિની સાતપુતેને નિયુક્ત કરવામાં આવ્યાં છે.

બળાત્કારની ફરિયાદને પગલે નાશિકની ક્રાઇમ બ્રાન્ચે બુધવારે અશોક ખરાતની ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૨૪ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધો છે. એવું જાણવા મળ્યું છે કે કૅનેડા કૉર્નરમાં આવેલી તેની ઑફિસમાંથી જપ્ત કરાયેલી પેન-ડ્રાઇવમાં ૫૮ વિડિયો મળી આવ્યા હતા અને આ ડિજિટલ પુરાવાએ તપાસને વધુ ગંભીર બનાવી છે.

ધાર્મિક શ્રદ્ધા અને દૈવી શક્તિના નામે મહિલાઓને ગુલામ બનાવવાના અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો તથા બ્લૅકમેઇલિંગ અને ખંડણીના ગંભીર આરોપો સાથે આ કેસમાં એક મોટા રૅકેટનો પર્દાફાશ થવાની અપેક્ષા છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra sexual crime Crime News nashik