ઍર ઇન્ડિયા બિલ્ડિંગ હવે નહીં રહે?

13 October, 2012 04:08 AM IST  | 

ઍર ઇન્ડિયા બિલ્ડિંગ હવે નહીં રહે?




(વરુણ સિંહ)

મુંબઈ, તા.૧૩

ઍર ઇન્ડિયા બિલ્ડિંગની બાદબાકી કરીએ તો નરીમાન પૉઇન્ટની કલ્પના થઈ શકે ખરી? વળી આપણી રાષ્ટ્રીય ઍરલાઇન્સના ૨૩ માળના કૉર્પોરેટ હેડક્વાર્ટર્સમાં આવકારવા માટે મહારાજા નહીં હોય તો? મરીન ડ્રાઇવ પર આવેલી આ લૅન્ડમાર્કસમી ઇમારતને જોવા માટે લોકો બે ઘડી ઊભા રહી જતા હોય છે, પરંતુ જો કેટલાક રાજકારણીઓ તેમ જ એવિયેશન ઇન્ડસ્ટ્રીના લોકોની વાતને માનીએ તો દેશના અગ્રણી વ્યાપારિક કેન્દ્રમાં આવેલી આ ઇમારતને રિયલ એસ્ટેટ ડેવલપર્સને વેચી મારવામાં આવશે.

મરીન ડ્રાઇવ પર ટ્રાઇડન્ટ હોટેલની બાજુમાં ઍર ઇન્ડિયાનું બિલ્ડિંગ આવેલું છે. નરીમાન પૉઇન્ટ પર એ એક આઇકન બિલ્ડિંગ છે. ગ્રાઉન્ડ પ્લસ બાવીસ માળની આ ઇમારતમાં એના મહારાજાનો આવકાર આપતો લોગો છે, જે અંદાજિત બે લાખ સ્ક્વેરફૂટ વિસ્તારમાં ફેલાયલું છે. કલેક્ટર દ્વારા ઍર ઇન્ડિયાની આ જગ્યા લીઝ પર આપવામાં આવી હતી.

એવિયેશન ઇન્ડસ્ટ્રીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઍર ઇન્ડિયાની ઑફિસને મુંબઈમાંથી દિલ્હી ખસેડવામાં આવશે એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. એવિયેશન મિનિસ્ટર અજિત સિંહ દ્વારા જ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ બિલ્ડિંગનો ઘણો હિસ્સો ખાલી હોવા ઉપરાંત એનો કોઈ વિશેષ ઉપયોગ પણ થતો નથી. વિધાનપરિષદમાં વિપક્ષના નેતા વિનોદ તાવડેએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘ડેવલપરને આ બિલ્ડિંગ વેચી દઈ કૉન્ગ્રેસના નેતૃત્વવાળી સરકાર એમાંથી ઘણો નફો કરવા માગે છે. મુંબઈને કમજોર બનાવવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે, તેથી જ એ ઍર ઇન્ડિયાની ઑફિસને અહીંથી ખસેડી રહી છે. ધીરે-ધીરે અન્ય ગવર્નમેન્ટ ઑફિસોને પણ અહીંથી ખસેડવામાં આવશે. વિપક્ષ તરીકે અમે એમ નહીં થવા દઈએ. અમે મુંબઈના ભોગે દિલ્હીને શક્તિશાળી બનાવવાના કૉન્ગ્રેસના પ્રયત્નોને સફળ નહીં થવા દઈએ.’