વૉટ્સઍપ પર આવશે મોદી?

12 October, 2014 04:43 AM IST  | 

વૉટ્સઍપ પર આવશે મોદી?




રશ્મિન શાહ

જ્યારે કોઈ ઇન્ડિયન પૉલિટિશ્યન ફેસબુક અને ટ્વિટર પર ધ્યાન પણ નહોતું આપતું ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદ પર બેસીને એ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સનો બેનિફિટ લીધો હતો. 3-D જાહેર સભા પણ દેશમાં લઈ આવવાનું કામ નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું અને ગુજરાત વિધાનસભા તથા દેશની લોકસભાની ચૂંટણી દરમ્યાન એક હજારથી વધુ 3-D જાહેર સભા પણ તેમણે સંબોધીને હરીફ તમામ પૉલિટિશ્યનને હાઈ-ટેક માત આપી હતી. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દિશામાં આગળ વધી રહ્યા છે એ દિશામાં જો તેઓ સફળ રહ્યા તો માત્ર ભારત જ નહીં પણ દુનિયાના પહેલા એવા વડા પ્રધાન બનશે જે દેશના દરેકેદરેક મોબાઇલ-યુઝર સાથે ડાયરેક્ટ્લી જોડાયેલા હશે. મોદીનો આ નવો રસ્તો છે વૉટ્સઍપ પર આવવાનો. ‘પીએમ ઑન વૉટ્સઍપ’ નામના આ મિશન માટે અત્યારે નરેન્દ્ર મોદીની ટેક-ટીમ રાતદિવસ કામ કરી રહી છે.

શું છે પીએમ ઑન વૉટ્સઍપ?

એક મોબાઇલ નંબરથી નરેન્દ્ર મોદીનું વડા પ્રધાન કાર્યાલય વૉટ્સઍપ વાપરતા તમામ કસ્ટમર સુધી પહોંચવાની ઇચ્છા રાખે છે. નરેન્દ્ર મોદીના નંબરને મોબાઇલના કૉન્ટૅક્ટ્સમાં ઍડ કરી દેવાથી દેશનો કોઈ પણ નાગરિક ડાયરેક્ટ્લી તેમને પોતાનો મેસેજ કે પોતાની તકલીફ મોકલી શકશે. સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી એ મેસેજ જોવાના નથી પણ તેમના વતી એ મેસેજ જોવાનું કામ તેમની આઇટીની ટીમ કરશે અને એ આઇટી ટીમ લાગતા-વળગતા વિભાગને એ સૂચના, એ સંદેશ કે એ વ્યક્તિની ફરિયાદને પાસ કરશે જેથી મેસેજ મોકલનારી વ્યક્તિના કામનું કે તકલીફનું નિરાકરણ થાય.

નરેન્દ્ર મોદી વૉટ્સઍપ પર હોય તો દેખીતી વાત છે કે તેમને દિવસમાં હજારો અને લાખો મેસેજ આવે, જેને સ્ક્રૂટિનાઇઝ કરવા માટે એક ખાસ ટીમ પણ જોઈએ અને એ માટે ખાસ સર્વર પણ જોઈએ જેના પર એ મેસેજ સ્ટોર થઈ શકે. આ માટે ઑલરેડી વૉટ્સઍપના મૅનેજમેન્ટ સાથે મોદીની ટીમે કમ્યુનિકેશન પણ શરૂ કર્યું છે.

એક વિચાર ચૅટ-ઍપ્લિકેશનનો

પ્રાઇમ મિનિસ્ટર દેશના નાગરિક સાથે સીધા જોડાયેલા હોય એવું આ અગાઉ બન્યું નથી. આ દિશામાં આગળ વધવા માટે મોદીની ટીમે મોબાઇલની ચૅટ-ઍપ્લિકેશનનો પણ વિચાર કર્યો છે, જે ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાથી એમાં નરેન્દ્ર મોદીને મેસેજ મોકલવાથી માંડીને તેમની સામે ફરિયાદ સુધ્ધાં થઈ શકે જોકે એ ઍપ્લિકેશન કરતાં પણ મોદીને વૉટ્સઍપનો વિચાર વધુ પસંદ છે. એની પાછળનું કારણ એ છે કે ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું અને એને ઍક્ટિવેટ કરવાનું કામ થોડું કડાકૂટવાળું છે; જ્યારે એક જ નંબર મોબાઇલમાં સેવ કરીને પ્રાઇમ મિનિસ્ટર સાથે કનેક્ટ થવાનું કામ પ્રમાણમાં બહુ સરળ હોવાથી તેમની ટીમ વૉટ્સઍપને પ્રાધાન્ય આપી રહી છે.

આ માટે વૉટ્સઍપની ટેક્નિકલ ટીમની પણ હેલ્પ લેવામાં આવી રહી છે.