સ્મશાનને મોદી નડશે, નડશે અને નડશે જ

08 October, 2014 03:25 AM IST  | 

સ્મશાનને મોદી નડશે, નડશે અને નડશે જ




રોહિત પરીખ


આવતી કાલે નરેન્દ્ર મોદીની ઘાટકોપરના સોમૈયા ગ્રાઉન્ડમાં થનારી પ્રચાર-રૅલી માટે વડા પ્રધાનને ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિના રસ્તા પરથી પ્રવેશ આપવાના પ્લાનને લોકોના ઊહાપોહ અને ગઈ કાલે ‘મિડ-ડે’માં આવેલા સમાચારને પગલે રદ કરવામાં આવ્યો હતો. એને બદલે મોદીનો પ્રવેશ સ્મશાનભૂમિની બાજુમાં આવેલા રસ્તા પરથી થશે. જોકે સ્મશાનભૂમિના જ રસ્તા પરથી પબ્લિકનો અને VIPનો પ્રવેશ થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. એથી સ્મશાનભૂમિમાં અંતિમક્રિયા માટે આવનારા લોકોને મુસીબત ઊભી થશે એ વાત નક્કી છે.

ગઈ કાલે ‘મિડ-ડે’માં મોદીના સ્મશાનભૂમિમાંથી થનારા પ્રવેશને કારણે અંતિમયાત્રા માટે સ્મશાનભૂમિમાં આવનારા લોકો હેરાન થશે એવો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેને BJP ઘાટકોપર (ઈસ્ટ) મંડળના અધ્યક્ષ રમેશ મોરબિયાએ ફોન પર રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનના પ્રવેશ માટે અલગ રસ્તો છે. એ જ સમયે તેમના જ ફોન પરથી વાતચીત કરી રહેલા ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક ભાલચંદ્ર શિરસાટને જ્યારે આ વાતને લેખિતમાં આપવા ‘મિડ-ડે’એ કહ્યું ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દ સાથે ‘મિડ-ડે’ જેવા હજારો પેપર છે એમ કહીને ફોન મૂકી દીધો હતો. રમેશ મોરબિયાનું આખી ચર્ચા દરમ્યાન એમ કહેવાનું હતું કે આ રસ્તાનો ઉપયોગ કરવાથી સ્મશાનભૂમિમાં જનારી પબ્લિકને કોઈ જ તકલીફ નહીં પડે.

ફોટો પાડવામાં વિઘ્ન

તેમની આ વાત ખોટી છે એનો અનુભવ ‘મિડ-ડે’ના રિપોર્ટરને ગઈ કાલે સાંજે થઈ ગયો હતો. બપોરના બાર વાગ્યે થયેલી આ વાતચીત પછી ‘મિડ-ડે’એ  સ્મશાનભૂમિના રસ્તા પર ડેકોરેશન અને મંડપ બાંધવાની પુરજોશમાં ચાલતી તૈયારીને કૅમેરામાં કેદ કરી હતી, એ પણ પોલીસ-બંદોબસ્તની હાજરીમાં. ‘મિડ-ડે’ના રિપોર્ટર મયૂર સચદેએ જેવી આ તસવીર લીધી કે તરત જ ત્યાં હાજર રહેલી પોલીસે અહીં ફોટો લેવાની મનાઈ છે એમ કહીને ફોટોગ્રાફ્સ ડિલીટ કરવા માટે વિવાદ કયોર્ હતો. અંતમાં મયૂરને ફોટો લેવા દેવાની છૂટ આપી હતી.

અનેક સવાલો ચર્ચામાં

સ્મશાનભૂમિના રસ્તા પર બંધાઈ રહેલા મંડપ અને ડેકોરેશનની તૈયારીના જે ફોટોગ્રાફ્સ લેવા સામે પોલીસને તકલીફ હતી એ રસ્તા પર આવતી કાલે મોદીની રૅલી સમયે પોલીસ લોકોને કેવી રીતે છૂટ આપશે એ સવાલ આ બનાવથી ઊભો થાય છે. આવતી કાલે સ્મશાનભૂમિના રસ્તા પરથી હજારો લોકો અને સેંકડો VIP રૅલીમાં હાજરી આપવા પસાર થશે. એ સમયે અંતિમયાત્રામાં આવનારા લોકો અને તેમનાં વાહનો આ રસ્તા પરથી કેવી રીતે જઈ શકશે એનો જવાબ પોલીસ અને રૅલીના આયોજકો પાસે ઘાટકોપરની પ્રજા માગી રહી છે. એ સમયે અંતિમયાત્રામાં જનારા લોકોની થનારી હેરાનગતિ માટે જવાબદાર કોણ? પોલીસ કે આયોજકો? એ સમયે અપશબ્દો બોલનાર આયોજક મૃત્યુનો મલાજો કેવી રીતે પાળશે એ પણ સવાલ છે. સ્મશાનભૂમિના રસ્તાનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી? ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિના ટ્રસ્ટીઓએ? તેમણે કોના દબાણ હેઠળ પરવાનગી આપી એ સવાલ પણ અત્યારે ઘાટકોપરમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.

ટ્રસ્ટીઓ અંધારામાં

ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિના એક ટ્રસ્ટીએ નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં પોલીસ-અધિકારીઓ આવીને સ્મશાનભૂમિના રસ્તાના ફોટોગ્રાફ્સ પાડી ગયા હતા. સોમવારે જે દીવાલ તોડી નાખવામાં આવી એ શેના માટે તોડી એનો અમને સહેજ પણ અણસાર કે ખ્યાલ નથી. આ દીવાલ તોડવા માટે તેમણે અમારી કોઈ જ પરવાનગી નથી લીધી. એના માટે કદાચ સોમૈયા ટ્રસ્ટમાંથી પરવાનગી મેળવી હોય. સોમવારે જ પોલીસે અમારા કર્મચારીઓના ફોટા પાડ્યા હતા. આ સિવાય અમને કશી જ ખબર નથી. આમ છતાં અમે સ્મશાનભૂમિ કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થવા દઈએ.’