ઘાટકોપર : સ્વચ્છતા મિશનમાં મોદી ને પવારની તસવીરોવાળાં પોસ્ટરોથી વિવાદ

18 November, 2014 05:21 AM IST  | 

ઘાટકોપર : સ્વચ્છતા મિશનમાં મોદી ને પવારની તસવીરોવાળાં પોસ્ટરોથી વિવાદ




રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરમાં શનિવારે યોજાયેલા સ્વચ્છતા અભિયાનનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના નેતા શરદ પવારના બૅનર પર એકસાથે છપાયેલા ફોટોગ્રાફ્સે ઘાટકોપર (વેસ્ટ) BJPમાં ખળભળાટ મચાવી દીધો છે. જોકે જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશનના હોદ્દેદારોએ આ વિશે કહ્યું હતું કે ‘અમે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને અમારા વિભાગની NCPની નગરસેવિકા પ્રતીક્ષા ઘુગેને સાથે રાખીને સફળ કરવા માગતા હતા. એમાં કોઈ રાજકારણ નહીં, પણ સામાજિક ઉદ્દેશ હતો. એને રાજકીય રંગ ન આપવો જોઈએ.’

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે BJPના ઉપરીઓ NCP સાથે જોડાણની વાત સ્વીકારવામાં સંકોચાઈને રોજ અવનવાં સ્ટેટમેન્ટ બહાર પાડે છે, પણ ઘાટકોપરની અંદર લોકસભાના ઇલેક્શનથી જ NCPના નગરસેવકો બહારથી BJPને ટેકો આપી રહ્યા હોવાની વાતો ખુલ્લેઆમ ચર્ચાઈ રહી છે. ભલે આ વાતને બન્ને પક્ષોના લીડરો છુપાવી રહ્યા છે, પણ મહારાષ્ટ્રમાં સરકાર રચાય એ સમયે જ જગડુશાનગરમાં એક રોડના નૂતનીકરણના ભૂમિપૂજનમાં વૉર્ડ-નંબર ૧૨૧ની BJPની નગરસેવિકા રિતુ તાવડે અને NCPની નગરસેવિકા પ્રતીક્ષા ઘુગેએ સાથે મળીને શ્રીફળ વધેર્યા હતાં. એ દિવસથી જ BJPના સિનિયર કાર્યકરોમાં આ વાતની ચડભડ શરૂ થઈ હતી. જોકે તેમની આ વાતને મુંબઈ અને મહારાષ્ટ્રના ઉપરીઓએ નજરઅંદાજ કરી દીધી હતી.

આ વાત વીસરાઈ જાય એ પહેલાં જ સુધરાઈ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશને બન્ને પક્ષ જગડુશાનગરનાં વિકાસકાયોર્માં સહાય કરે એ હેતુથી નરેન્દ્ર મોદીની સાથે શરદ પવાર અને પ્રતીક્ષા ઘુગે તેમ જ NCPના ઘાટકોપર તાલુકા અધ્યક્ષ રાજુ ઘુગેની તસવીરવાળાં બૅનરો આ વિસ્તારમાં લગાડીને વિવાદ સરજ્યો હતો.

આ વાતની સ્પષ્ટતા કરતાં જગડુશાનગર પ્લૉટ ઓનર્સ અસોસિએશનના અધ્યક્ષ મહેન્દ્ર ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા વિસ્તારના બેઉ નગરસેવકો NCPનાં પ્રતીક્ષા ઘુગે તથા BJPના નૉમિનેટેડ નગરસેવક અશ્વિન વ્યાસને સાથે રાખીને જગડુશાનગરનો વિકાસ કરવા ઇચ્છીએ છીએ. અમારી ઘણા સમયથી સ્વચ્છતા અભિયાન કરવાની ઇચ્છા હતી એમાં મોદીએ એની જાહેરાત કરી. સુધરાઈએ આ અભિયાન માટે અમારો સહકાર માગ્યો હતો. એ જ સમયે અમને પ્રતીક્ષા ઘુગેએ બૅનર પર બન્ને પક્ષના લીડરના ફોટોગ્રાફ્સ આવે એવી માગણી કરી હતી. અમને એમાં કાંઈ વાંધાજનક ન લાગતાં અમે મોદી અને પવારના ફોટોવાળાં બૅનરો લગાડ્યાં હતાં. એમાં કોઈ રાજકીય ભાવ નહોતો.’

આમ છતાં આ વિસ્તારના BJPના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે, જેનો ખુલાસો કરતાં BJPના સિનિયર કાર્યકરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા નરેન્દ્ર મોદીની સાથે જેનું ભ્રષ્ટાચારમાં નામ સંકળાયેલું છે એવા શરદ પવારનો ફોટો સાથે બૅનર પર મૂકીને મોદીની પ્રતિભા ખરડવામાં આવી છે. આ રીતનાં બૅનર બનાવતાં પહેલાં અસોસિએશને અમારી પાર્ટીના ઉપરીઓની પરવાનગી લેવી જોઈતી હતી, પણ એમ થયું નથી.’

સ્વચ્છતા અભિયાન સામે સવાલ

આ સિવાય આ અભિયાન સામે બીજો પણ વિવાદ સર્જાયો છે. જગડુશાનગરના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ગ્રાઉન્ડમાં શનિવારે સ્વચ્છતા અભિયાન દરમ્યાન કચરાના ઢગલા સાફ થઈ રહ્યા હતા એ આવ્યા ક્યાંથી? અમારે ત્યાં તો ગ્રાઉન્ડ સાફ કરવા માટે કાયમી પગારદાર માણસ રાખવામાં આવ્યો છે. તો આટલો બધો કચરો જમા થયો ક્યાંથી? કે પછી પહેલાં કચરાના ઢગલા કરવામાં આવ્યા, પછી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું. આ અભિયાનમાં જે કાંઈ સફાઈ કરવામાં આવી એ સુધરાઈના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.’

બાકી તો ફોટો-સેશન થયું છે એમ પણ આ રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતની સખત ટીકા પણ થઈ રહી છે.