એનસીપીને વિશ્વાસઘાતી ગણાવવાની નાના પટોળેની ટિપ્પણી હાસ્યાસ્પદ : અજિત પવાર

13 May, 2022 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના પટોળે પર પલટવાર કરતાં અજિત પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે નાના પટોળેએ ૨૦૧૮માં કૉન્ગ્રેસમાં જોડાવા માટે ભગવા પક્ષ સાથે છેડો ફાડ્યો હતો તો શું બીજેપીએ પણ તેમના પર આવો જ આક્ષેપ કરવો જોઈએ?

અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યના કૉન્ગ્રેસ પ્રમુખ નાના પટોળેએ તાજેતરમાં એનસીપીને અનુલક્ષીને કરેલી વિશ્વાસઘાતની ટિપ્પણીને ગુરુવારે હાસ્યાસ્પદ ગણાવી હતી.

નાના પટોળે પર પલટવાર કરતાં અજિત પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે નાના પટોળેએ ૨૦૧૮માં કૉન્ગ્રેસમાં જોડાવા માટે ભગવા પક્ષ સાથે છેડો ફાડ્યો હતો તો શું બીજેપીએ પણ તેમના પર આવો જ આક્ષેપ કરવો જોઈએ?

પત્રકારો સાથે વાત કરતાં એનસીપીના નેતાએ કહ્યું હતું કે જવાબદાર નેતાઓએ તેમનાં નિવેદનોનું ખોટું અર્થઘટન ન થાય એની તકેદારી રાખવી જોઈએ. એની સાથે જ તેમણે કહ્યું હતું કે રાજ્યની સ્થિતિ જોતાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ જો સાથે હશે તો જ તેઓ ૨૮૮ બેઠકની મહારાષ્ટ્ર વિધાનસભામાં ૧૪૫નો જાદુઈ આંકડો પાર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે એનસીપીએ ગોંદિયા જિલ્લા પરિષદની ચૂંટણીમાં કૉન્ગ્રેસથી અળગા રહીને હરીફ પક્ષ બીજેપી સાથે હાથ મિલાવ્યાના બીજા દિવસે નાના પટોળેએ સાથી પક્ષ એનસીપી પર વિશ્વાસઘાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

mumbai mumbai news ajit pawar