મીરા-ભાઈંદરમાં પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનાર લોકોનાં નામ જાહેર સ્થળોએ મુકાશે

08 March, 2020 05:59 PM IST  |  Mumbai Desk

મીરા-ભાઈંદરમાં પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનાર લોકોનાં નામ જાહેર સ્થળોએ મુકાશે

પ્રતીકાત્મક તસવીર

આર્થિક વર્ષ પૂરું થવાને માત્ર ત્રણ અઠવાડિયાં બાકી હોવા છતાં મીરા-ભાઈંદરમાં પ્રૉપર્ટી ટૅક્સનું કલેક્શન ધાર્યા કરતાં ઘણું ઓછું થયું હોવાથી પાલિકા દ્વારા ડિફૉલ્ટરોનાં નામ જાહેર સ્થળોએ મૂકીને તેમને શરમાવવાનો નિર્ણય લીધો છે. મીરા-ભાઈંદરમાં રહેણાક, ઇન્ડસ્ટ્રિયલ અને કમર્શિયલ મળીને કુલ ૩,૪૮,૪૭૭ યુનિટ છે. આ તમામ યુનિટના વાર્ષિક ૧૮૧ કરોડ રૂપિયા ટૅક્સનો લક્ષ્યાંક રખાયો છે, પરંતુ અત્યાર સુધી માત્ર ૧૨૧ કરોડ જ ટૅક્સ પ્રાપ્ત થયો છે.

લોકો પ્રૉપર્ટી ટૅક્સ ન ભરતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાન્ત ડાંગેએ લોકો પાસેથી ટૅક્સ વસૂલ કરવા માટે બાંયો ચડાવી છે. ૨૦૧૯-’૨૦નું આર્થિક વર્ષ પૂરું થવાને ત્રણ અઠવાડિયાં બાકી છે ત્યારે ૧૮૧ કરોડ રૂપિયાના ટૅક્સ-લક્ષ્યાંક સામે માત્ર ૧૨૧ કરોડ જ ટૅક્સ લોકોએ ભર્યો છે.

કુલ યુનિટધારકોમાંથી ૮૯૯ એવા છે જેમનો ૧ લાખથી વધુ રૂપિયાનો ટૅક્સ ભરવાનો બાકી છે, જે ૨૪ કરોડ રૂપિયા થાય છે. આ ડિફૉલ્ટરોને અનેક વખત ટૅક્સ ભરવાની નોટિસ અપાયા બાદ પણ તેઓ ભરતા ન હોવાથી તેમનાં નામ જાહેર સ્થળોએ મૂકવાની સાથે તેમનાં પાણીનાં કનેક્શન કાપી નાખવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. આ સિવાય ઢોલ-નગારાં વગાડીને પણ ડિફૉલ્ટરોને શરમાવવાની યોજના છે.

ચંદ્રકાન્ત ડાંગેએ કહ્યું હતું કે ‘કોઈ પણ મહાનગરપાલિકામાં પ્રૉપર્ટી ટૅક્સ આવકનો મૂળ સ્રોત હોય છે. મોટા પ્રમાણમાં લોકો ટૅક્સ ભરતા ન હોય તો વિકાસનાં કામ અટકી પડવાથી જેઓ નિયમિત ટૅક્સ ભરે છે તેમને અન્યાય થાય છે. આથી અમે જેમનો ૧ લાખ રૂપિયાથી વધુનો ટૅક્સ બાકી છે તેમનાં નામ જાહેર સ્થળોએ બૅનર પર લખવાનો નિર્ણય લીધો છે. શરમને લીધે આવા લોકો ટૅક્સ ભરશે.’

brihanmumbai municipal corporation mumbai news mumbai mira road bhayander