આતા તુલા કાના ખાલી વાઝવણાર

12 February, 2021 07:58 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

આતા તુલા કાના ખાલી વાઝવણાર

આ ગુજરાતી મહિલા રિક્ષા-ડ્રાઇવર સાથે મારપીટ થઈ હતી. આમ છતાં હિંમત રાખીને તેઓ રિક્ષા ચલાવી રહ્યાં છે

નાલાસોપારા (વેસ્ટ)ના લોઢા પાર્કમાં ભાડાના ઘરમાં રહેતાં ૫૦ વર્ષનાં ગુજરાતી મહિલા ભાવના જોગડિયા પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે. જોકે તાજેતરમાં તેઓ પૅસેન્જરને નાલાસોપારામાં જ આવેલા કળંબ બીચ પર લઈ ગયાં હતાં ત્યારે જે અનુભવ થયો એ કાચીપોચી વ્યક્તિને થાય તો રિક્ષા ચલાવવાનું તો દૂર રહ્યું, તે એ વિસ્તાર છોડીને જ જતી રહે.

ભાવના જોગડિયા નાલાસોપારા સ્ટેશનથી બે પ્રવાસીઓને બેસાડીને કળંબ બીચ પર લઈ ગયાં ત્યારે તેમણે ત્યાંના રિક્ષાવાળાઓેની એવી દાદાગીરીનો સામનો કરવો પડ્યો કે કારણ વગર માર ખાવાની સાથે તેમનાં કપડાં ફાડીને ગાળો આપવામાં આવી હતી. જેમ-તેમ પોતાનો જીવ બચાવીને તેઓ ત્યાંથી નીકળી ગયાં અને એ પછી ઘરમાં જ રહ્યા બાદ પોતાને હિંમત આપીને અર્નાળા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે અને પોલીસ સિવિલ ડ્રેસમાં આરોપીઓને પકડવા જાય છે છતાં તેઓ નાસીપાસ થઈ જાય છે.

નાલાસોપારા (વેસ્ટ)માં સ્ટેશન પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસેથી ભાવના જોગડિયા તેમની રિક્ષામાં બે પ્રવાસીઓને બેસાડીને ત્યાંથી આઠથી નવ કિલોમીટર દૂર આવેલા કળંબ બીચ પર લઈ ગયાં હતાં. બીચ પાસે ત્યાંના સ્થાનિક રિક્ષાવાળાઓ એકસાથે પોતાની રિક્ષા પાર્ક કરીને રાખે છે. આ વિશે વધુ માહિતી આપતાં ભાવના જોગડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિક્ષાવાળાઓ રિક્ષા પાર્ક કરે છે એની પાસે ઝૂંપડા જેવું બનાવેલું છે. ત્યાં બેસીને તેઓ પત્તાં રમતા હોય છે. મને રિક્ષામાં પ્રવાસીઓને બીચ પર લાવતી જોઈને એમાંથી એક રિક્ષાવાળો અપશબ્દો બોલવા લાગ્યો. મેં રિક્ષા સાઇડ લગાવીને પ્રવાસીઓને નીચે ઉતાર્યા અને હજી હું રિક્ષામાંથી ઊતરું એટલી વારમાં ફરી તેઓ એલફેલ બોલવા લાગ્યા. મેં એમાંથી એકને કહ્યું કે કેમ ગાળો આપો છો? એટલે તેણે કહ્યું કે અહીંથી રિક્ષા ભરીને લઈ જતી નહીં, આ અમારું ગામ છે, અમે જ લઈ જઈશું.’

તેમણે કરેલી દાદાગીરી બાબતે આ ગુજરાતી રિક્ષા-ડ્રાઇવરે ત્યાર બાદ કહ્યું હતું કે ‘બીચ પાસે આવેલા ડેપો પરથી આ રિક્ષાવાળાઓ પ્રવાસીને લઈ-મૂકી પણ જાય છે. અન્ય કોઈએ પ્રવાસીઓને અહીંથી લઈને જવું નહીં એવી તેમની મનમાની છે. મારી સાથે બોલાચાલી થવા લાગી એટલે મેં ફક્ત એટલું કહ્યું કે એક મહિલા સાથે આવી ભાષામાં બોલી રહ્યા છો? તો તેમણે કહ્યું કે તું રિક્ષાવાળી છે એટલે અમે તારી સાથે આ રીતે બોલીએ છીએ. દરમ્યાન એક વૃદ્ધ રિક્ષાવાળો આવ્યો અને મરાઠીમાં કહેવા લાગ્યો કે આતા તુલા કાના ખાલી વાઝવણાર (હવે તને કાનની નીચે મારીશ). એમ કહીને તે ખરાબ વર્તન કરવા લાગ્યો. બોલાચાલીને કારણે આજુબાજુ ટ્રાફિક જૅમ થઈ ગયો અને લોકો જમા થઈ ગયા. બધા આવીને કહેવા લાગ્યા કે હમણાં અહીંથી જતાં રહો, આ લોકોનું મોટું ટોળું છે એટલે કંઈ પણ કરશે. એથી હું આગળ નીકળી ગઈ, પરંતુ રિક્ષાવાળાઓએ બીચ પર ખાણી-પીણીના સ્ટૉલ્સવાળી મહિલાઓને બોલાવી. ત્યાંથી પાંચ મહિલાઓએ આવીને મને પકડી રાખી અને અન્ય ત્રણ જણમાંથી એક જણે મને તમાચો માર્યો. એક પુરુષ અને તેના દીકરાએ મારાં કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો. તેમના આખા ગ્રુપ સામે હું એકલી હતી. મેં વિડિયો લેવાની કોશિશ કરતાં તેમણે મોબાઇલ, પર્સ અને રિક્ષાની ચાવી લઈ લીધી. બધા આવીને મને કહેવા લાગ્યા કે તમે જતાં રહો, આ લોકોનો ભરોસો નથી. અન્ય લોકોએ મને મારો મોબાઇલ અને ચાવી લાવી આપ્યાં હતાં, પરંતુ પૈસા મળ્યા નહીં. રોજીરોટી કમાવા માટે રસ્તા પર હિંમત રાખીને રિક્ષા ચલાવું છું, પણ આ બનાવ બાદ મનમાં ડર બેસી ગયો હતો એટલે ઘરની બહાર નીકળી નહીં. જોકે આમ કેટલો સમય બેસી રહીશ એમ વિચારીને મેં મારી જાતને હિંમત આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપી જલદી પકડાય તો સારું જેથી અન્ય કોઈ સાથે તે લોકો આવું કરે નહીં.’

પોલીસનું શું કહેવું છે?

અર્નાળા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અધ્યાનરાવ સાલગરેએ આ બનાવ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિલા રિક્ષા-ડ્રાઇવરની ફરિયાદના આધારે કેસ નોંધીને તેમનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. મેડિકલ રિપોર્ટમાં તેમના શરીર પર મારવાનાં નિશાન દેખાઈ આવ્યાં છે. અમે એક મહિલા અને બે પુરુષ સામે કેસ નોંધ્યો છે. અમે બે વખત સિવિલ ડ્રેસમાં આરોપીઓને પકડવા ગયા હતા, પરંતુ તેમને અમે આવવા પહેલાં જ જાણકારી મળી જતી હોવાથી તે લોકો ભાગી જતા હોય છે. આમ છતાં અમે આરોપીઓને જલદી પકડી પાડીશું.’

mumbai mumbai news nalasopara preeti khuman-thakur