સળગતી મમ્મીને બચાવવા ૩ વર્ષનો દીકરો ભેટી પડ્યો

10 November, 2014 03:50 AM IST  | 

સળગતી મમ્મીને બચાવવા ૩ વર્ષનો દીકરો ભેટી પડ્યો




પ્રીતિ ખુમાણ ઠાકુર

નાલાસોપારા (ઈસ્ટ)માં તુલિંજ રોડ પર આવેલા ગુજરાતીઓની બહુમતી ધરાવતા ૧૮ ફ્લૅટના વર્ધમાન અપાર્ટમેન્ટમાં રહેતી મેઘવાળ સમાજની ૨૮ વર્ષની જ્યોત્સ્ના કોળીએ ત્રીજી નવેમ્બરના રોજ બપોરે અચાનક પોતાને સળગાવી દીધી હતી.

જોકે આત્મહત્યા કરવા માટે પોતાને સળગાવી દીધા બાદ વેદના સહન ન થતાં બચાવ માટે તેને બૂમો પાડી રહેલી જોઈને તેનો ત્રણ વર્ષનો દીકરો મમ્મીને બચાવવા તેને ભેટી પડ્યો હતો. એમાં દીકરો દાઝી જતાં તેનું એ જ દિવસે રાતે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે મહિલાનું પણ અઠવાડિયા બાદ ગઈ કાલે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

જ્યોત્સ્ના તેના સસરાના નામે જે ઘર છે એમાં ત્રણ વર્ષના દીકરા ઉમંગ અને પતિ દાનજી સાથે રહેતી હતી. દાનજી મીરા-ભાઈંદર સુધરાઈમાં સફાઈ-કર્મચારી છે, જ્યારે જ્યોત્સ્નાના પિતા અશોક બોરીચા નાલાસોપારા (વેસ્ટ)માં રહે છે અને મુંબઈ સુધરાઈમાં કામ કરે છે.

દાઝી ગયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જ્યોત્સ્નાએ કહ્યું હતું કે ‘મારો પતિ ખૂબ દારૂ પીતો હતો અને ઘર ચલાવવા પૈસા આપતો નહોતો. અમારા બાળકને ખવડાવવા માટે પણ પૈસા આપતો નહોતો એટલે કંટાળીને મેં આ પગલું લીધું હતું.’

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં નાલાસોપારા પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારી હરિ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ઇન્ફેક્શન વધી જતાં જ્યોત્સ્નાનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. જ્યોત્સ્ના તેના પરિવારની આર્થિક પરિસ્થિતિથી કંટાળી ગઈ હતી. તેનો પતિ ખૂબ જ દારૂ પીતો હોવાથી તેને ઘર ચલાવવા પૈસા આપતો નહોતો. અમે એ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ. તેના પતિ સહિત સગાંસંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવશે અને ત્યાર બાદ આગળ પગલાં લેવામાં આવશે.’

બિલ્ડિંગના એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અમને મળેલી માહિતી અનુસાર દાનજીના પિતાના નામે રહેલું આ ઘર તેના જ એક ભાઈએ પૂછ્યા વગર જ કોઈને વેચી નાખ્યું હતું એટલે તે માણસ સતત ઘરનું પઝેશન લેવા આવતો હતો. ત્યાર બાદ ખૂબ જ ઝઘડા થતા હતા.’

દાનજી કોળીને ચાર ભાઈ અને બે બહેનો છે અને બધાનાં લગ્ન થઈ ગયાં છે.

જ્યોત્સ્નાને સળગતી જોઈને બાળક બેહોશ

પૂરા બનાવથી હતપ્રભ થઈ ગયેલા જ્યોત્સ્નાના બિલ્ડિંગના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બનતાં અમારી પાસે તો બોલવા માટે શબ્દો જ નથી. જ્યોત્સ્નાને સળગતી અને બૂમો પાડતી જોઈને ઘરમાં જ રહેલો તેનો ત્રણ વર્ષનો દીકરો તેને બચાવવા દોડી ગયો હતો જેમાં તે પણ દાઝી ગયો હતો. સળગતી હાલતમાં જ્યોત્સ્ના ઘરની બહાર દોડી આવીને પાણી નાખો, પાણી નાખો એવી મદદની બૂમો પાડી રહી હતી અને તેણે એક ઘરનો દરવાજો પણ મદદ માટે ખખડાવ્યો હતો. ત્યારે એ ઘરમાં રહેલા એક નાના બાળકે દરવાજો ખોલીને તેને જોતાં તે બેહોશ થઈ ગયો હતો અને હજી સુધી તે આઘાતમાં જ છે. જ્યોત્સ્ના સળગતા બિલ્ડિંગની સીડીઓ ઊતરીને બૂમો પાડી રહી હતી ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓને એની જાણ થતાં બધા દોડી ગયા હતા અને તેના પર પાણી નાખીને આગ બુઝાવી હતી.’

તસવીર : પ્રીતિ ખુમાણ ઠાકુર