દૂષિત પાણી પીવાને લીધે સોસાયટીના ૩૪ રહેવાસીઓ બીમારીના ભરડામાં

08 December, 2012 08:30 AM IST  | 

દૂષિત પાણી પીવાને લીધે સોસાયટીના ૩૪ રહેવાસીઓ બીમારીના ભરડામાં



રોગનું ઘર : નાલાસોપારા (ઈસ્ટ)માં આવેલા સાંઈદર્શન બિલ્ડિંગમાં રહેતા આ બાળકને પણ ગઈ
કાલે દૂષિત પાણી પીવાથી ઊલટીઓ થઈ રહી હતી. તસવીર : હનીફ પટેલ



નાલાસોપારાની એક સોસાયટીના ૩૪ રહેવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી ઊલટી-ઝાડા તેમ જ તાવની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. સોસાયટીનું દૂષિત પાણી પીવાથી આ સમસ્યા થઈ છે એવું રહેવાસીઓનું કહેવું છે. જોકે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ આ વિશે દુર્લક્ષ સેવીને હાથ ઉપર કરી રહ્યા છે. 

નાલાસોપારા (ઈસ્ટ)ના સંયુક્તનગરમાં ૧૫ વર્ષ જૂનું બે વિંગ ધરાવતું સાંઈદર્શન નામનું ૨૪ ફ્લૅટનું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં ૧૨૦ રહેવાસીઓ રહે છે અને એમાં મોટા ભાગના ગુજરાતીઓ છે. છેલ્લા ત્રણ દિવસથી ઘણા લોકો ઊલટી-ઝાડા અને તાવથી પીડાઈ રહ્યા છે. આ એક જ અપાર્ટમેન્ટમાં રહેતા ૩૪ લોકોને એકસાથે આવી તકલીફ શરૂ થઈ હતી.

રહેવાસીઓ શું કહે છે?

અપાર્ટમેન્ટના ચૅરમૅન પ્રભાકર કુડાળકરે ‘મિડ-ડે’ને આ વિશે કહ્યું હતું કે ‘બુધવારે અપાર્ટમેન્ટની ટાંકીમાંથી જે પાણી આવ્યું એ બધા રહેવાસીઓના ઘરે ગયું હતું.

થોડી વાર બાદ રહેવાસીઓ

ઊલટી-ઝાડાની ફરિયાદ કરવા લાગ્યા હતા. એક પછી એક ફૅમિલી આ ફરિયાદ કરવા લાગી એટલે અમે પાણીની તપાસ કરી ત્યારે પાણી ખરાબ હોવાની ખબર પડી હતી. અમે તરત જ ટાંકી સાફ કરાવી નાખી હતી; પણ રહેવાસીઓને ઝાડા-ઊલટી શરૂ થઈ જતાં તેમની હાલત છેલ્લા ત્રણ દિવસથી ખરાબ છે. મારી ફૅમિલીમાંના પાંચ જણ બીમાર છે. છેલ્લા ત્રણ દિવસથી નાનાં બાળકોથી લઈને મોટા બધાની જ હાલત ખરાબ છે. અમે વસઈ-વિરાર મહાનગરપાલિકામાં આ વિશે ફરિયાદ કરી હતી, પણ તેમના તરફથી દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાને વારંવાર ફરિયાદ કર્યા બાદ તેઓ આવીને તપાસ કરી ગયા હતા. તપાસ બાદ અધિકારીઓએ અમને કહ્યું કે પાણીની ટાંકીમાં કંઈ થયું નથી.’

અપાર્ટમેન્ટમાં રહેતાં જયશ્રી વૈષ્ણવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બે દીકરી અને પતિ ઊલટી-ઝાડા અને તાવથી છેલ્લા ત્રણ દિવસથી પીડાઈ રહ્યાં છે. અમારા ફૅમિલી ડૉક્ટરે આવું દૂષિત પાણીથી થયું હોવાનું કહ્યું હતું. તેમણે ફક્ત મિનરલ વૉટર જ પીવાની અમને સલાહ આપી છે.’

સુધરાઈ શું કહે છે?

વસઈ-વિરાર મહાનગરપાલિકાના સાઇટ સુપરવાસઝર દીપક નાઈકે કહ્યું હતું કે ‘અમે જગ્યાની તપાસ કરી હતી, પણ અમને પાઇપલાઇનમાં કોઈ પણ પ્રકારનું લીકેજ કે બીજું કંઈ જોવા નથી મળ્યું. બિલ્ડિંગની પાણીની ટાંકીની પણ તપાસ કરી, પરંતુ  પાણીને કારણે આ સમસ્યા થઈ હોય એવું અમને નથી લાગતું. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’