નાલાસોપારાના કપોળ યુવાનની આત્મહત્યા

24 December, 2011 04:59 AM IST  | 

નાલાસોપારાના કપોળ યુવાનની આત્મહત્યા

 

એક એજ્યુકેશનલ કૉમ્પ્લેક્સ ખોલવાનાં અને ટુટોરિયલ ક્લાસિસ શરૂ કરવાનાં તેનાં અરમાન હતાં, પણ એ પૂરાં થઈ શક્યાં નથી. તેની બૅગમાંથી સુસાઇટ-નોટ મળી આવી છે.

નાલાસોપારા (ઈસ્ટ)માં આચોલે રોડ પર આવેલા છ વિંગવાળા નેમિનાથનગર કૉમ્પ્લેક્સની ક્યુ વિંગમાં બીજે માળે રહેતો અને એન્જિનયરિંગ કૉલેજમાં ભણતો મિહિર તેની માતાનો ખૂબ જ લાડકો હતો. દીવ પાસેના દેલવાડા ગામનો અને કપોળ સમાજનો મિહિર સ્વભાવે ખૂબ જ શાંત અને સરળ હતો. કોઈ સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની મગજમારી નહીં કરતો મિહિર બાંદરાની કૉલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. મિહિર અંધેરીના એક ક્લાસિસમાં લેક્ચર પણ આપતો હતો. છેલ્લા એક મહિનાથી તેને કરોડરજ્જુમાં દુખાવો રહેતો હતો એટલે ડૉક્ટરે તેને આરામ કરવાની અને ટ્રેનમાં વધુ ટ્રાવેલ ન કરવાની સલાહ આપી હતી. સવારે પાંચ વાગ્યે તે ઘરેથી નીકળી જતો હતો. મિહિરના પિતા હિતેશભાઈ પહેલાં સોનીકામ કરતા હતા અને અત્યારે વસઈમાં સળિયાનું વેલ્ડિંગનું કામ કરે છે.

સોમવારે સાંજે લગભગ ૭.૩૦ વાગ્યાની આસપાસ મિહિરના ઘરવાળાને પોલીસ તરફથી ફોન આવ્યો ત્યારે એ વાતની જાણ થઈ કે મિહિર આ દુનિયામાં નથી રહ્યો. મિહિર ટ્રેન નીચે આવી ગયો હોવાની જાણ સ્ટેશન-મૅનેજરે જીઆરપી (ગવïર્નમેન્ટ રેલવે પોલીસ)ને કરી હતી. ચર્ચગેટથી અંધેરી જતી લોકલ ટ્રેન બાંદરા સ્ટેશને પહોંચે એ પહેલાં થાંભલા ક્રમાંક ૧૪/૫ એ પાસે આ ઘટના બની હતી. મિહિર બાંદરા કૉલેજમાંથી તેની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને સાંજે ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે આ પગલું લીધું હતું.

મિહિરને પહેલાં ભાભા હૉસ્પિટલમાં અને ત્યાર બાદ પોસ્ટમૉર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મંગળવારે સવારે સાડાચાર વાગ્યાની આસપાસ મૃતદેહનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ૬.૩૦ની આસપાસ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે નાલાસોપારામાં મિહિરની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.

સુસાઇડ-નોટમાં શું લખ્યું છે?

મિહિરની બૅગમાંથી મળેલી દોઢ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ-નોટમાં તેણે પોતાના નાના ભાઈથી લઈને દોસ્તો અને સંબંધિતો બધા માટે મેસેજ મૂક્યો હતો. ‘ડિયર મૉમ, ડૅડ’થી શરૂ થતી નોટના અંતે ‘થેન્ક યુ’ લખ્યું હતું. મિહિરે લખ્યું હતું કે ‘મને માફ કરજો, હું તમારી સેવા કરી શક્યો નથી. મેં મારી લાઇફ એન્જૉય કરી છે. મારા મૃત્યુથી રડતા નહીં, મારી જિંદગીની ક્ષણોને યાદ કરીને એને સેલિબ્રેટ કરજો. હું મારા નાના ભાઈને ખૂબ પ્રેમ કરું છું. તેને કહેજો કે તે જિંદગીમાં મહેનત કરીને ખૂબ આગળ વધે અને લાઇફમાં સક્સેસ મેળવે. હું મા-બાપની કોઈ પણ ઇચ્છા પૂરી કરી શક્યો નથી.’


સુસાઇડ-નોટમાં મિહિરે તેના ત્રણ-ચાર મિત્રોનાં નામ લખ્યાં હતાં અને સંદેશ પણ આપ્યો હતો કે તેઓ ખૂબ મન દઈને ભણે અને ર્બોડમાં ટૉપ કરે.

મિહિરે નોટમાં એમ પણ લખ્યું હતું કે મારું એક સપનું હતું કે હું એક એજ્યુકેશનલ કૉમ્પ્લેક્સ ખોલું. તે એક કોચિંગ ક્લાસિસ પણ ખોલવાનો હતો, પણ તેનું આ સપનું અધૂરું રહી ગયું.સુસાઇડ-નોટમાં તેણે તેનાં માતા-પિતાને વિનંતી કરી હતી કે તેઓ તેનું ફેસબુક અકાઉન્ટ બંધ કરી દે અને એના યુઝરનેમ અને પાસવર્ડની જાણકારી તેની એક ક્લોઝ ફ્રેન્ડ (જેનું નામ તેણે સુસાઇડ-નોટમાં લખ્યું છે) પાસેથી લઈ લે. આ ઉપરાંત તેણે માતા-પિતાને કૉલેજના લૉકરમાંથી તેની બુક્સ પણ લેવાનું જણાવ્યું હતું. છેલ્લે તેણે માફી માગીને તેના પરિવારને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.