નાલાસોપારામાં પ્રવાસીઓને ત્રાસ બૂટપૉલિશવાળાઓનો

18 October, 2012 06:51 AM IST  | 

નાલાસોપારામાં પ્રવાસીઓને ત્રાસ બૂટપૉલિશવાળાઓનો



નાલાસોપારાના પ્લૅટફૉર્મ પર એક તો હંમેશાં ભીડ જોવા મળે છે. આવા ભીડવાળા પ્લૅટફૉર્મ પર ક્યારેક ભાજીવાળા બેઠેલા જોવા મળે તો ક્યારેક ફળ વેચવાવાળા, પણ પ્લૅટફૉર્મ નંબર-૧ પર બેસતા પૉલિશવાળાઓ તો છેલ્લા ઘણા વખતથી આખા પ્લૅટફૉર્મ પર કબજો જમાવીને બેઠા હોય એવું લાગે છે. આખા પ્લૅટફૉર્મ નંબર-૧ પર પૉલિશવાળાઓ બેસતા હોવાથી મહિલાઓને ભીડમાંથી ચાલવું અઘરું બની જાય છે.

આ હેરાનગતિથી કંટાળેલાં મહિલા પ્રવાસી અને નાલાસોપારાના તુલીંજ રોડ પર રહેતાં ગીતા ચૌહાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું સર્વિસ માટે અંધેરી જાઉં છું. નાલાસોપારા સ્ટેશન એ એક એવું સ્ટેશન છે, જ્યાં વિરારની ટ્રેનો અર્ધાથી વધારે ખાલી થઈ જાય છે, જેથી કોઈ પણ સમયે જઈએ તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. આવી ભીડમાં પ્લૅટફૉર્મ પર આ પૉલિશવાળાઓએ તો ભારે હેરાન કર્યા છે. આ પૉલિશવાળા પ્લૅટફૉર્મ પર ટ્રેન ઊભી રહે એનાથી થોડે જ દૂર બેઠા હોય છે. લોકો તેમની પાસે ઊભા રહીને બૂટને પૉલિશ કરાવતા હોવાથી મહિલાઓને પ્લૅટફૉર્મ પરથી ચાલવું પણ ભારે પડી જાય છે. એમાં કોઈ પુરુષ પ્રવાસીઓ સારો ન હોય તો તે જ્યાં-ત્યાં હાથ મારતા ચાલતા હોય છે, તેથી પ્લૅટફૉર્મ પર ખૂબ સંભાળીને ચાલવું પડે છે. રેલવેએ આ પૉલિશવાળાઓ સામે કંઈ કરવું જ જોઈએ. આ ત્રાસના કારણે મહિલાઓ અને સિનિયર સિટિઝનને ભારે પ્રૉબ્લમ થઈ રહ્યા છે.’