મુકેશ અંબાણીના બિલ્ડિંગના વિવાદનો પ્રશ્ન વિધાનસભામાં રજૂ ન થઈ શક્યો

14 December, 2011 06:52 AM IST  | 

મુકેશ અંબાણીના બિલ્ડિંગના વિવાદનો પ્રશ્ન વિધાનસભામાં રજૂ ન થઈ શક્યો



નાગપુરમાં શરૂ થયેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં ગઈ કાલે પ્રશ્નકાળ ભારે હંગામાને કારણે મોકૂફ રહ્યો હતો; પરંતુ આ યાદીમાં મુંબઈને અસર કરતા ૨૧ જેટલા વિવિધ પ્રશ્નો હતા જેમાં રિક્ષા તથા ટૅક્સી, સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમનાં કૌભાંડો અને રોડ તથા મિસમૅનેજમેન્ટને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રશ્નકાળની શરૂઆતમાં જ ભુજબળ ફાઉન્ડેશનના નામે ઇન્ડિયાબુલ્સ નામની કંપની પાસેથી ૨.૪૫ કરોડ રૂપિયાનું ડોનેશન લીધું હોવાનો આરોપ મૂકી પીડબ્લ્યુડી (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) મિનિસ્ટર છગન ભુજબળ સામે પગલાં લેવાની માગણી કરતું બૅનર એમએનએસ (મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના)ના વિધાનસભ્યોએ ફરકાવ્યું હતું. સભ્યોના આવા વ્યવહારથી ક્રોધિત થયેલા સ્પીકર દિલીપ વળસે-પાટીલે વિધાનસભાને એક કલાક મોકૂફ રાખી એમએનએસના ધારાસભ્યો પ્રકાશ ભોઈર તથા નીતિન ભોસલેને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. આવું સતત બીજી વખત બન્યું છે જેમાં પ્રશ્નકાળનો સમય પૂરો થઈ ગયો હોય.

પ્રશ્નકાળના ૧૧૩ પ્રશ્નોમાંથી મુંબઈ, થાણે, નવી મુંબઈ તથા અન્ય મેટ્રોપૉલિટન રીજનના મહત્વના પ્રશ્નો છે. વડાલાના એક સ્કૂલના પ્લૉટ પર ૨૨ માળના બિલ્ડિંગ વિશેનો એક પ્રશ્ન છે. દહિસરના ગણપત પાટીલ નગરમાં ગેરકાયદે દબાણ તથા સુધરાઈની નિષ્ક્રિયતા વિશેનો પ્રશ્ન છે. રિક્ષાચાલકો તથા ટેક્સી-ડ્રાઇવરોના આપખુદ વર્તન, સુધરાઈ માટે ખરાબ ક્વૉલિટીના રોડ બનાવતા કૉન્ટ્રૅક્ટરો, પ્રાઇમ મિનિસ્ટર પ્રોજેક્ટ હેઠળ બનેલા હલકી ગુણવત્તાનાં મકાનો, છેલ્લાં ૧૬ વર્ષથી પુનર્વસનથી વંચિત રહેલા હાજી અલી વિસ્તારના ઝૂંપડાંવાસીઓ તેમ જ પેડર રોડ પર મુકેશ અંબાણી દ્વારા બાંધવામાં આવેલા ઍન્ટિલિયા નામના બિલ્ડિંગના વિવાદ વિશેના પ્રશ્નો હતા. વકફ ર્બોડની આ પ્રૉપર્ટીને કઈ રીતે મુકેશ અંબાણીના નામે ટ્રાન્સફર કરવામાં આવી એ વિશેનો પ્રશ્ન છે. જોકે  સરકારે આ મામલે કોઈ પણ જાતની તપાસ કરવાની ના પાડી દીધી હતી.  સરકારના કહેવા મુજબ જમીનના મૂળ માલિક કરીમભોય ખોજા ટ્રસ્ટ તથા અંબાણી કંપની વચ્ચે થયેલા આ વેચાણકરારને ચૅરિટી કમિશનરે મંજૂરી આપતાં એમાં તપાસ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.