૧૪૦૮ લોકોની ક્વૉરન્ટીન કેન્દ્રમાં ગેરકાયદે અટકાયત સામે પિટિશન

05 May, 2020 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪૦૮ લોકોની ક્વૉરન્ટીન કેન્દ્રમાં ગેરકાયદે અટકાયત સામે પિટિશન

પ્રતિકાત્મક તસવીર

મહાનગરપાલિકાઓએ ૧૪૦૮ લોકોની ‘ગેરકાયદે અટકાયત’ કરીને તેમને ક્વૉરન્ટીન સુવિધાઓમાં મૂક્યા હોવાનો આક્ષેપ કરતી અરજી પર બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનનો પ્રતિભાવ માગ્યો છે.

નાગપુર બેન્ચના જસ્ટિસ એ. એસ. કિલોરે સ્થાનિક રહેવાસી મોહમ્મદ નિશાત દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની રવિવારે તાકીદે સુનાવણી હાથ ધરી હતી. પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે શહેરના મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાતંત્રએ કોવિડ-19 પૉઝિટિવ ટેસ્ટ ધરાવતા લોકો સાથે અત્યંત જોખમી સંપર્ક ધરાવતા હોવાનું કારણ દર્શાવીને સતરંજપુરા અને મોમિનપુરા વિસ્તારોના ૧૪૦૮ લોકોની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી.

પિટિશનરના ઍડ્વોકેટ તુષાર માંડલેકરના જણાવ્યા પ્રમાણે સત્તાતંત્રોએ અનિશ્ચિત રીતે ૧૪૦૮ લોકોની અટકાયત કરી હતી અને આ રીતે કેન્દ્ર સરકાર તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ તથા નિર્દિષ્ટ પ્રોટોકૉલનો ભંગ કર્યો હતો.

માંડલેકરે દલીલ કરી હતી કે ‘કોરોના પૉઝિટિવ જણાય, ફક્ત તેવી વ્યક્તિઓ અથવા તો તેમના અત્યંત જોખમી સંપર્કમાં આવેલી વ્યક્તિઓની જ ૧૪ દિવસ માટે અટકાયત કરી શકાય અને તેમને ક્વૉરન્ટીન કરી શકાય.

કોરોનાને કારણે પુણેના પોલીસ-કર્મચારીનું મોત

સોમવારે પુણે પોલીસના ૫૭ વર્ષના સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું ખાનગી હૉસ્પિટલમાં કોરોના વાઇરસથી મૃત્યુ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં તેમની કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી તથા લગભગ એક વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હોવાનું પુણેના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ રવીન્દ્ર શિસાવેએ જણાવ્યું હતું. જ્યાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા એ પુણેની ભગવતી હૉસ્પિટલે એના નિવેદનમાં જણાવ્યું હતું કે એએસઆઇ સ્થૂળતા અને હાઇપરટેન્શનથી પીડાતા હતા તથા છેલ્લા ૧૨ દિવસથી વેન્ટિલેટર પર હતા. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પુણેના ૧૨ પોલીસનું કોરોના વાઇરસ ટેસ્ટિંગ પૉઝિટિવ આવ્યું છે.

દરમ્યાન, મુંબઈમાં ગઈ કાલે કોરોના વાઇરસના વધુ ૫૧૦ કેસ નોંધાતાં રાજ્યમાં કોવિડ-19ના પેશન્ટનો આંકડો ૯૦૦૦ને વટાવીને ૯૧૨૩ ઉપર પહોંચ્યો હોવાનું જણાવતાં પાલિકાએ વધુમાં ઉમેર્યું હતું કે ગઈ કાલે એક દિવસમાં વધુ ૧૮ લોકો મૃત્યુ પામ્યા છે.

નવા કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા હતા એમ જણાવતાં બીએમસીએ એક યાદી દ્વારા જણાવ્યું હતું કે સંબંધિત સમયગાળામાં વધુ ૧૮ દરદીઓ  મૃત્યુ પામતાં કુલ મૃત્યુઆંક ૩૬૧ પર પહોંચી ગયો હતો તેમ જ  કોરોના વાઇરસના ૪૩૬ નવા શંકાસ્પદ પેશન્ટને શહેરની વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ સમયગાળા દરમ્યાન ૧૦૪ લોકો આ રોગમાંથી સ્વસ્થ થતાં તેમને  હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મુંબઈમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ૧૯૦૮ લોકો સારા થયા છે.

coronavirus covid19 nagpur mumbai pune