યુવકે ગર્લફ્રેન્ડના ભાઈ અને દાદીની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું

12 December, 2020 10:30 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

યુવકે ગર્લફ્રેન્ડના ભાઈ અને દાદીની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના નાગપુર શહેરમાં ૨૨ વર્ષના એક યુવકે કથિત રીતે  તેની ગર્લફ્રેન્ડના ૧૦ વર્ષના ભાઈ અને દાદીમાની હત્યા કરી દોડતી ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

મોમીનપુરાના રહેવાસી મોઈન ખાને કથિત રીતે તેની ગર્લ ફ્રેન્ડ ગુંજનની ૭૦ વર્ષની દાદી પ્રમિલા મારોતી ધુર્વે અને નાના ભાઈ યશની ગુરુવારે બપોરે તેમના હજારીપહાડ સ્થિત ઘરે ઘાતકી રીતે હત્યા કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.  

દાદી અને પૌત્રને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતાં.

હત્યાની ઘટના બન્યાના દિવસે રાત્રે મોઇન ખાનનો મૃતદેહ માનકાપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર મળી આવ્યો હોવાનું જણાવી પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે પોલીસે મોઇન ખાને ચાલુ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.

પોલીસે જણાવ્યા મુજબ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં  ઇન્સ્ટાગ્રામ ગુંજનની મુલાકાત મોઇન ખાન સાથે થઈ હતી, તેણે પોતાના ઘરમાં તેની ઓળખાણ એક મિત્ર તરીકે કરાવી હતી.

ગુંજનના પરિવારને જ્યારે તેમના સંબંધ વિશે જાણ થઈ તો તેમણે મોઇન ખાન સાથેના સંબંધ તોડી નાખવા કહ્યું અને તેને ઘરથી દુર સંબંધીના ઘરે મોકલતા પહેલાં તેની પાસેથી ફોન છીનવી લીધો હતો.  આ સંદર્ભે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ ગીટ્ટીખાદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

nagpur Crime News