04 June, 2026 02:36 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
AI ઇમેજ
નાગપુરમાંથી એક હેરાન કરી મૂકે એવો મામલો (Nagpur Crime) સામે આવ્યો છે. આમ તો આ વાત ચોરીની છે. પણ આ ચોરી પાછળનું કારણ કંઇક એવું છે કે જાણીને પોલીસ પણ હેરાન થઈ ગઈ! નાગપુરના કલમના વિસ્તારમાં એક મોટું વેરહાઉસ આવેલું છે. જ્યાં કૃષિ ઉપયોગમાં આવતા એમબી મોડેલના ટબ, ઘરેલું કામકાજમાં વપરાતા સીજી અને એમબી મોડેલના ટબ રાખવામાં આવતા હતા. આ જ ગોડાઉનમાં ચોરી થઈ હતી. ચોરો બીજા ફ્લોર પરના પતરાંને તોડીને અંદર ઘૂસ્યા હતા અને અલગ અલગ નળ અને બીજી ઘરગથ્થું વસ્તુઓ ચોરી હતી. સવારે જ્યારે ગોડાઉનના માલિક પહોંચ્યા, ત્યારે ગોડાઉનની સ્થિતિ જોઈને હેબતાઈ ગયા હતા. તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ચોર સુધી પહોંચવા માટે એરિયાના ૨૫થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક (Nagpur Crime) કર્યા હતા. કલાકો સુધી તપાસ કર્યા બાદ પોલીસને કેટલીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરીને ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારે ઇરફાન અલી ઉર્ફે ઈમુ રમઝાન અલી અને અન્ય બે સગીરોના નામ સામે આવ્યા હતા. વાતનો ટ્વીસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે આ ચોરોએ ચોરી પાછળનું કારણ જણાવ્યું.
વાત એમ હતી કે આરોપી (Nagpur Crime)ની ગર્લફ્રેન્ડે આઇફોનની ડિમાન્ડ કરી હતી. પણ બોયફ્રેન્ડ પાસે આઇફોન ખરીદી શકે તેટલા પૈસા નહોતા. પણ, જો તે ગર્લફ્રેન્ડને આઇફોન ન આપે તો પ્રેમી શેનો? એટલે આ આશિકભાઈએ ચોરીનો પ્લાન કર્યો. ગોડાઉનમાંથી માલ ચોરીને વેચવાનું નક્કી કર્યું. ત્યારબાદ ત્રણેય જણે મળીને ગોડાઉનના પરિસરની રેકી કરી અને લાગ મળતાં જ ચોરીને અંજામ આપ્યો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે.
ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. બે માઇનર હોવાથી તેઓ વિરુદ્ધ જુવેનાઇલ પ્રોસિડિંગ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ આખું પ્રકરણ (Nagpur Crime) કલમના વિસ્તારના ગોડાઉનમાંથી તબ્બલ 11.39 લાખ રૂપિયાનો સામાન ચોરી થયો પછી સામે આવ્યો છે. ખરેખર ચોરી પાછળનું કારણ આજના ડિજિટલ યુગનું વિચિત્ર અને વરવું ચિત્ર રજૂ કરે છે. ગર્લફ્રેન્ડની એક ડિમાન્ડને પૂરી કરવા એક આશિક ગુનેગાર બની ગયો. જે કહો તે પણ ગર્લફ્રેન્ડની મોંઘી ડિમાન્ડ પૂરી કરવા માટે શોર્ટકટ અપનાવવો આ યુવાનને ભારે પડી ગયો છે. ૧૧.૩૯ લાખ રૂપિયાની ચોરી કરીને પ્રેમ સાબિત કરવા નીકળેલો આશિક આજે પોલીસના તાબામાં આવી ગયો છે.