મલાડ : રહસ્યમય સંતની ભેદી આત્મહત્યા

27 October, 2012 04:55 AM IST  | 

મલાડ : રહસ્યમય સંતની ભેદી આત્મહત્યા



પોતાને જ્યોતિષી, હસ્તરેખાશાસ્ત્રી અને ફેસ-રીડર ગણાવતા નિત્યસ્વરૂપદાસ સ્વામી સુસાઇડ-નોટમાં લખી ગયા છે કે ‘હું મારી લાઇફથી કંટાળી ગયો છું. ભગવાન મને બોલાવી રહ્યા છે. હું ભગવાનની પાસે જઈ રહ્યો છું. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારા અંતિમ સંસ્કાર મલાડમાં કરજો.’




ઍસ્ટ્રોલૉજર, ફેસ-રીડર અને પામિસ્ટ હોવાનો દાવો કરતા અને મલાડ (વેસ્ટ)માં અમરસિંહ રોડ પર સાધના આરાધના સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી એવા ૩૫ વર્ષના સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ ગઈ કાલે વહેલી સવારે ભેદી રીતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આ મંદિર વડતાલ ગાદીનું કહેવામાં આવી રહ્યું છે, પણ વડતાલ ગાદીનાં સૂત્રોએ આ સાધુ તેમના સંપ્રદાયના હોવાની ના પાડી દીધી હતી. આ મંદિરમાં હરિભક્તો તેમને અહીં લાવ્યા હોવાનું ‘મિડ-ડે’ને જાણવા મળ્યું હતું. જો તેઓ સારા ઍસ્ટ્રોલૉજર હતા તો તેમણે શા માટે આત્મહત્યા કરવી પડી એવો સવાલ તેમને પોતાની કુંડળી બતાવનારા હરિભક્તોને થઈ રહ્યો છે. આમ એક ભેદી સાધુની ભેદી આત્મહત્યાથી હરિભક્તોમાં ખળભળાટ મચી ગયો છે.

આ સ્વામી આઉડી, ફૉચ્યુર્નર અને મર્સિડીઝ જેવી લક્ઝરી કાર અને લેટેસ્ટ મૉડલના ચાર મોબાઇલ ફોન વાપરતા હતા. એમ કહેવાય છે કે તેઓ મુંબઈ, પુણે અને ગુજરાતમાં ડાયમન્ડ અને જ્વેલરી શૉપ તેમ જ પ્રૉપર્ટી ધરાવતા હતા. આ કાર અને મોબાઇલ તેમનાં પોતાનાં જ હતાં કે નહીં એની માહિતી હાલમાં પ્રાપ્ત નથી થઈ. તેઓ જૂના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના ગ્રુપના હોવાનું જાણવા મળ્યું છે.

તેમના ભક્તોમાં એવી છાપ હતી કે સ્વામીનાં માતા-પિતા એનઆરઆઇ છે અને વર્ષોથી અમેરિકા રહે છે. જોકે ‘મિડ-ડે’ને મળેલી માહિતી મુજબ આ સ્વામી આણંદ પાસેના વાસ્કેલિયા ગામના એક હરિભક્ત દિનેશ દેસાઈ-પટેલના પુત્ર હતા. હાલમાં તેઓ આણંદ રહે છે અને ગઈ કાલે સુસાઇડ બાદ તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને આ સુસાઇડ સંદર્ભે મલાડ પોલીસે ગઈ કાલે રાતે તેમની અને તેમનાં પત્ની ધર્મિષ્ઠાની પૂછપરછ પણ કરી હતી.

મલાડ (વેસ્ટ)માં અમરસિંહ રોડ પર આવેલી સાધના આરાધના સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લાં આઠથી નવ વર્ષથી સ્વામી નિત્યસ્વરૂપદાસ પૂજારી તરીકે સેવા આપી રહ્યા હતા. ગઈ કાલે સવારે મંદિરમાં જ પીળા રંગની દોરીથી પંખા પર લટકીને તેમણે જીવન ટંૂકાવ્યું હતું. સ્વામીએ મંદિરમાં પોતાના હાથે લખેલી સુસાઇડ-નોટ પણ છોડી હતી. અંતિમ સંસ્કાર માટે તેમના ગુરુ વકીલ સ્વામી વડતાલથી મુંબઈ આવી જતાં તેમની સુસાઇડ-નોટમાં તેમની અંતિમ ઇચ્છા મુજબ ગઈ કાલે સાંજે મલાડ (વેસ્ટ)ના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગઈ કાલે વહેલી સવારે સાડાપાંચ વાગ્યે ભક્તો મંદિરે આવ્યા, પણ મંદિરનો દરવાજો ખૂલ્યો ન હોવાથી હરિભક્તોએ દરવાજો ખખડાવ્યો હતો એમ છતાં દરવાજો ન ખૂલતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મંદિરનો દરવાજો ખોલવાના પ્રયત્ન કર્યા હતા. મંદિરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે પોલીસે દરવાજો તોડવો પડ્યો હતો. દરવાજો તોડતાં પોલીસને સ્વામીજીનો પંખા પર લટકતો મૃતદેહ જોવા મળતાં એને નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસને તેમના હાથે લખેલી સુસાઇડ-નોટ મળી હતી. પોલીસે આ મૃતદેહને ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો.

સ્વામીજીને ઓળખતા અમુક હરિભક્તોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વામીજીની સફેદ રંગની ફૉચ્યુર્નર ગાડી પર ભારત સરકાર લખેલું હતું. તેમને લાલ લાઇટની કારમાં બેસવાનો શોખ હતો. એમ કહેવાય છે કે તેમનું જમીન લે-વેચનું કામકાજ પણ હતું. મુંબઈના જાણીતા બિલ્ડરો અને રાજકારણીઓ સાથે તેમના સારા સંબંધ હતા અને તેઓ સ્વામીજી સાથે કામ પણ કરતા હોવાનું મનાય છે. આ બધી વ્યક્તિઓ તેમને મંદિરે મળવા આવતી હતી. એ ઉપરાંત મલાડમાં અને કાંદિવલીમાં સ્વામીજીન્ાા જમીન સંંબંધિત કામકાજની બે ઑફિસો પણ હતી. અમે તેમની પાસે જતા ત્યારે સ્વામીજી અમને કહેતા કે તેઓ ગુજરાતના એક મોટા રાજકીય નેતાના પુત્ર છે. એ ઉપરાંત તેમણે અમને તેમની પાસે રહેલી બે રિવૉલ્વર પણ બતાવી હતી. તેમના ભાઈ અને માતા-પિતા અમેરિકા હોવાનું તેમણે અમને જણાવ્યું હતું. સ્વામીજી એક નહીં, પણ કેટલાય મોબાઇલ ધરાવતા હતા. સ્વામીજી થોડા વખત પહેલાં ૧૫થી વધારે દિવસો માટે મલાડની એક હૉસ્પિટલમાં તબિયત સારી ન હોવાથી ભરતી પણ થયા હતા. આ આત્મહત્યા જીવનથી કંટાળીને નહીં પણ બીજી કોઈક બાબતને કારણે કરી હોવાનું અમને લાગી રહ્યું છે.’

એનઆરઆઇ = નૉન રેસિડન્ટ ઇન્ડિયન