My Malad : ભુલેશ્વરનું સ્થાન મલાડે લઈ લીધું છે

12 October, 2012 07:23 AM IST  | 

My Malad : ભુલેશ્વરનું સ્થાન મલાડે લઈ લીધું છે



નીતિન માસ્ટર


૫૦ વર્ષના ભાવસાર વૈષ્ણવ નીતિન માસ્ટર જન્મથી મલાડમાં રહે છે. તેમને મન અહીંના લોકોમાં જોવા મળતો સંપ સૌથી મોટી બાબત છે. પોતાના અંગત અનુભવોની વાત કરતાં તેઓ કહે છે, ‘થોડા સમય પહેલાં અહીંની મારવાડી ચાલમાં રહેતો મારો ભાઈ શિર્ડી દર્શન કરવા ગયો હતો. ત્યાં એકાએક જ તેને હાર્ટઅટૅક આવી ગયો. આ ઘટનાની જાણ થતાં હું સીધો તેના ઘરે પહોંચ્યો. મને આવેલો જોઈ તેની આજુબાજુ રહેતા લોકોએ મને ઘરે પૈસા પણ લેવા ન જવા દીધો. પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી ગાડીમાં બેસાડી મને સીધો શિર્ડી રવાના કર્યો. હવે તમે જ કહો, આજના દબાણભર્યા સમયમાં જ્યાં બધાને જ પૈસાની ખેંચ હોય ત્યાં બીજા કોઈ માટે આટલું બધું કરી છૂટનારા પાડોશીઓ બીજે ક્યાં મળવાના?’

નડિયાદની બાજુમાં આવેલા કપડવંજ ગામના નીતિનભાઈ મલાડની દવે સ્કૂલમાંથી પ્રાથમિક અભ્યાસ પૂરો કરી બોરીવલીની ગોખલે કૉલેજમાંથી કૉમર્સ ગ્રૅજ્યુએટ થયા છે. પોતાના બાળપણના મલાડની વાતો કરતાં તેઓ કહે છે, ‘પહેલાંનું મલાડ અત્યાર જેટલું ગીચ અને વસ્તીવાળું નહોતું. હવે જોવા મળે છે તેટલાં મકાનો તો ક્યારેય નહોતાં. મોટા ભાગના લોકો ચાલીમાં જ રહેતા. અમારી જ વાત કરું તો મારા એક્સપોર્ટ કન્સલ્ટન્ટ પિતાએ પહેલાં મલાડ-ઈસ્ટમાં સુભાષ લેનમાં ઘર લીધું હતું. ત્યાં એકાદ વર્ષ કાઢ્યા પછી તરત જ અમે વેસ્ટની મારવાડી ચાલમાં રહેવા આવી ગયા હતા. અમે તો ત્યાં નવા બનેલા ચાર માળના બિલ્ડિંગમાં ઘર લીધું હતું, પરંતુ આજુબાજુ બધી ચાલીઓ જ હતી. એ ચાલીના છોકરાઓ ઘણી વાર અમારી સાથે ક્રિકેટ રમવા આવતા હતા, પરંતુ ત્યારે અમારા કે અમારા વાલીઓમાંથી કોઈના મનમાં ચાલીના છોકરાઓ સાથે ન રમાય જેવા ભેદભાવ નહોતા. શરૂઆતમાં અમારે ત્યાં લાઇટ, પાણી વગેરેની હજી જોઈએ એટલી સુવિધાઓ નહોતી. અમારે પણ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા મારવાડી ચાલમાં આવેલા કૂવા પર જ આધાર રાખવો પડતો હતો, છતાં ત્યાં રહેવાવાળાઓમાંથી કોઈએ ક્યારેય અમને પોતાના કૂવામાંથી પાણી લેતાં રોક્યા નહોતા.’

પોતાના બાળપણ અને યુવાનીનો સુવર્ણકાળ એ મારવાડી ચાલમાં વિતાવી ચૂકેલા નીતિનભાઈ વધુમાં જણાવે છે કે ‘મારી દવે સ્કૂલ નજીક જ હોવાથી અમે રિસેસમાં જમવા ઘરે આવતા. હવે કૉલેજના છોકરાઓ લેક્ચર્સ બન્ક કરે તો મા-બાપ અને શિક્ષકોનાં ભવાં ઊંચાં થઈ જાય છે, અમે તો એ દિવસોમાં સ્કૂલના કોઈ શિક્ષક ન ગમતા હોય તો તેમના પિરિયડમાંથી ગુટલી મારી રખડપટ્ટી કરવા નીકળી પડતા. એ માટે મલાડમાં આક્સા બીચ અને બોરીવલીનું ગોરાઈ અમારાં ફેવરિટ સ્થળો હતાં. અલબત્ત, ત્યારે લોકોને આક્સા બીચ પર જતાં આટલો ખચકાટ નહોતો થતો. હવે ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવાથી સારા ઘરના લોકો ત્યાં જવાનું ટાળે છે. એ બીચ પર તો અમે ફિલ્મોનાં શૂટિંગ પણ ખૂબ જોયાં છે. ડિમ્પલ અને ઋષિકપૂરની ફિલ્મ ‘સાગર’નું મોટા ભાગનું શૂટિંગ ત્યાં જ થયું છે. મને બરાબર યાદ છે, એક વાર અમે ત્યાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘યારાના’નું શૂટિંગ જોવા ગયા હતા, જ્યાં મારા એક મિત્રને પાછળથી ધક્કો વાગતાં તે સીધો અમિતાભ બચ્ચન પર જ જઈને પડ્યો હતો અને અમિતજી ત્યારે તેના પર ખૂબ ગુસ્સે ભરાઈ ગયા હતા.’

બોરીવલી અને કાંદિવલીની સરખામણીમાં આજે પણ મલાડમાં કૉસ્મોપોલિટન ક્રાઉડ ઘણું વધારે છે. એમાંય કોળી, મહારાષ્ટ્રિયન અને કૅથલિક લોકોનું પ્રમાણ તો ઘણું વધારે, છતાં આટલાં વરસો અહીં ક્યારેય કોઈ છમકલાં થતાં સંભળાયાં નથી. એનું કારણ સમજાવતાં નીતિનભાઈ કહે છે, ‘જ્યારે પણ એવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે અહીંના લોકો હંમેશાં એક થઈ એની સામે લડ્યા છે. ૧૯૯૩માં થયેલાં કોમી રમખાણો વખતે આખું મલાડ એક થઈ ગયું હતું અને બધા એક પછી એક પોતપોતાનાં મકાનોની રખેવાળી કરવા રાતપાળી કરતા. એવી જ રીતે હું નાનો હતો ત્યારે મલાડ-ઈસ્ટના અમારા વિસ્તારમાં એક ખૂનીની ખૂબ ચર્ચા હતી. સાંભળવા મળ્યું હતું કે રામનરાઘવન નામનો માનસિક રીતે અસ્વસ્થ એક માણસ લોકોને પથ્થરથી બહુ બેરહેમીથી મારે છે. ઇસ્ટમાં રહેતા હતા ત્યારે અમારા ઘરની બરાબર પાછળ જ મોટું જંગલ હતું. કેટલાક લોકો કહેતા કે તે જાદુગર છે, જે લોકોને મારી કૂતરો કે બિલાડી બની જંગલમાં ભાગી જાય છે. આ બધી વાતોની અમારા બાળમાનસ પર એટલી ખરાબ અસર થતી કે પોતાના જ ઘરમાં રાતના સૂતાં અમને ડર લાગતો અને મનમાં સતત ફફડાટ રહેતો કે ક્યાંક તે બારીમાંથી કૂદીને ઘરમાં તો નહીં આવી જાયને. રામનરાઘવનના ડરથી પણ ઘણા લોકો પોતાનાં મકાનોમાંં રાતપાળી કરી જાગતા બેસી રહેતા. જોકે પાછળથી પોલીસે તેને પકડીને જેલભેગો કરી દીધો હોવાની ખબર પડતાં આખા મલાડે હાશકારો અનુભવ્યો હતો.’

હવે નડિયાદવાલા લેનમાં રહેતા અને ચાંદલાઓનો હોલસેલનો ધંધો કરતા નીતિનભાઈની અહીંના ભવાની શોપિંગ સેન્ટરમાં પોતાની દુકાન છે. અત્યારના મલાડ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘મેં મારા બાળપણમાં જવાબદારી વગરના આઝાદ દિવસોમાં મલાડમાં ખૂબ એન્જૉય કર્યું હોવાથી મને તો ત્યારનું મલાડ જ વધુ ગમતું હતું. જોકે, એનો અર્થ એવો નથી કે હવેનું મલાડ ખરાબ થઈ ગયું છે. બલ્કે મને તો લાગે છે કે રહેવાની સાથે-સાથે બિઝનેસના દૃષ્ટિકોણથી પણ હવેનું મલાડ દરેક રીતે શ્રેષ્ઠ છે. અહીં સાડીઓથી માંડી, બંગડીઓ, ચાંદલાઓ અને ઇમિટેશન જ્વેલરી સુધીની દરેક વસ્તુઓનાં હોલસેલ માર્કેટ ખૂલી ગયાં છે. બહારગામથી પણ વેપારીઓ ખરીદી કરવા મલાડ આવે છે. એક સમયે મુંબઇમાં ભુલેશ્વરની જે બોલબાલા હતી એ સ્થાન હવે મલાડે લઈ લીધું છે. મારું કામ, મારું જીવન અને મારા અનુભવોને જોતાં મને તો ક્યારેય આ પરું છોડવાનો વિચાર આવ્યો નથી, છતાં એટલી ઇચ્છા ખરી કે અન્ય ડેવલપમેન્ટની સાથે યોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે તો આજનું મલાડ સાચા અર્થમાં એક હાઇક્લાસ સબર્બ બની શકે છે.’

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ