My Kandivali : દરેક દૃષ્ટિએ બેસ્ટ સબર્બ કહેવું હોય તો કાંદિવલી

26 October, 2012 08:16 AM IST  | 

My Kandivali : દરેક દૃષ્ટિએ બેસ્ટ સબર્બ કહેવું હોય તો કાંદિવલી



મહેશ ગાંધી


‘કાંદિવલી એક વ્યવસ્થિત વિકસિત સબર્બ કહી શકાય. અન્ય સબર્બની તુલનાએ કાંદિવલી મને કાયમ ગમે છે, કારણ કે કાંદિવલીમાં બધું જ સારું છે. લોકાલિટીથી લઈ અહીંની તમામ સુવિધાઓ અને ખાસ કરીને અહીંની શાંતિપ્રિય-સાહિત્ય અને કલાપ્રેમી પ્રજા મારી દૃષ્ટિએ કાંદિવલીને એક આગવી ઓળખ આપે છે.’ આ શબ્દો છે છેલ્લાં ૪૦ વર્ષથી કાંદિવલીમાં રહેતા મહેશ ગાંધીના. જ્ઞાતિએ વૈષ્ણવ વાણિયા ૫૪ વર્ષના મહેશભાઈ ૧૯૭૨માં કાંદિવલી રહેવા આવ્યા. શરૂમાં તેઓ કાંદિવલીની શંકર ગલીમાં કૈલાસનગર સોસાયટીમાં રહ્યા. ત્યાર પછી ભાવના સોસાયટીમાં રહેવા ગયા અને અત્યારે મથુરાદાસ રોડ પર રહે છે.

‘આમ અમે મહેસાણાના કહેવાઈએ, કેમ કે જન્મ ત્યાં થયો, પરંતુ અત્યારે કોઈ પૂછે તો કાંદિવલી જ વતન જેવું લાગે. એવું વતન કે જેને છોડીને ક્યાંય જવાનું મન થાય નહીં. રહેવા આવ્યા ત્યારથી આ પરું મનને ભાવી ગયું હતું’ એમ જણાવતાં મહેશભાઈ કહે છે કે ‘૪૦ વર્ષ પહેલાં રહેવા આવ્યા ત્યારે કોઈ વસ્તુ લેવી હોય તો દૂર-દૂર સુધી જવું પડતું. શંકર ગલી વિસ્તાર જ પોતે બહુ દૂર ગણાતો. નાની-નાની ગલીઓ, જંગલ જેવા રસ્તા, બંગલા વધુ, મકાનો ઓછાં હતાં. દવા લેવી હોય તો પણ આઘે સુધી જવું પડતું હતું. કાંદિવલી એ સમયે મુખ્યત્વે હવાફેર-આરામનું પરું ગણાતું. લોકો આજે કેમ દેવલાલી જેવા સ્થળે આરામ માટે જાય છે એમ કાંદિવલી આવતા અને અહીંના સૅનિટોરિયમમાં મહિનાઓ રહેતા હતા.’

‘મારો આરંભિક અભ્યાસ ગામડામાં થયો હતો, એથી મેં જ્યારે મલાડની એન. એલ. હાઈ સ્કૂલમાં ઍડ્મિશન લીધું ત્યારે શરૂમાં મને તકલીફ પડતી હતી, પણ પછી ધીરે-ધીરે ફાવી ગયું. કૉલેજનો અભ્યાસ પાર્લાની મીઠીબાઈમાં થયો, જ્યાં મેં બીએસસી (બૅચલર ઑફ સાયન્સ) કર્યું,’ એમ જણાવતાં બિઝનેસમૅન મહેશભાઈએ સાયન્સ ભણ્યા હોવાથી આગળ જતાં તેમણે કેમિકલ બિઝનેસમાં રસ લીધો અને શરૂમાં ભાગીદારીમાં વેપાર કર્યા પછી હવે પ્રૉપરાઇટર તરીકે પોતાનો કેમિકલનો ટ્રેડિંગ બિઝનેસ કરે છે.

આજના કાંદિવલીને મૉડર્ન સબર્બ ગણાવતાં મહેશભાઈ જણાવે છે કે ‘અહીંની વસ્તી, કલ્ચર, સુવિધા, આધુનિકતા, લોકોની ઉદાર-સહકારભરી માનસિકતાને કારણે કાંદિવલી બધાં પરાંઓથી અલગ તરી આવે છે. અહીં આજે પણ ગુજરાતી વસ્તી વધુ છે, જેઓ નવી વિચારધારા ધરાવે છે. કાંદિવલી સંસ્કારી નગરી છે, એથી સાહિત્ય કહો કે કલા કે પછી મનોરંજન, કાંદિવલીમાં નિયમિત ધોરણે એ બધાના જ કાર્યક્રમો થતા રહે છે. શિક્ષણની દૃષ્ટિએ પણ કાંદિવલી-મલાડ-બોરીવલી એક એજ્યુકેશન હબ જેવાં બની ગયાં છે. મૉલ કલ્ચર હજી વધુ વિકસ્યું નથી. જોકે અહીંના મહાવીરનગરે કાંદિવલીની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ વિસ્તાર અત્યારે સૌથી પૉશ એરિયા ગણાય છે અને અપર મિડલ-ક્લાસ કલ્ચરને લીધે અહીં ડિમાર્ટ, ક્રોમા જેવા બિગ સ્ર્ટોસ આવી ગયા છે. એવી જ રીતે કાંદિવલી-ઈસ્ટમાં પણ હવે તો બિગ બજાર આવી ગયું છે. કદાચ સૌથી વધુ બૅન્ક શાખાઓ પણ કાંદિવલીમાં હશે,’ એવું અનુમાન વ્યક્ત કરતાં મહેશભાઈ ઉમેરે છે કે ‘કાંદિવલીમાં મંદિરો, હવેલીઓ, દેરાસરો, ચર્ચ, મસ્જિદ પણ છે, જે અહીંના સર્વધર્મ સમભાવના પ્રતીકસમાન છે. સ્વાધ્યાય પરિવાર કહો કે આર્ટ ઑફ લિવિંગ કહો, કાંદિવલમાં એને માનનારો મોટો વર્ગ હોવાનું કહેવાય છે. આ કાંદિવલી શાંતિ અને ભાઈચારો ધરાવતું એક બેસ્ટ સબર્બ છે.’

મહેશભાઈના મતે કાંદિવલીમાં કોઈ ખામી હોય તો એક સારા નાટ્યગૃહની છે. કાંદિવલીની પ્રજાના કલાપ્રેમને ધ્યાનમાં રાખતાં અહીં કોઈ નાટ્યગૃહ હજી સુધી કેમ ખૂલ્યું નથી એ સવાલ છે. જોકે કાંદિવલી અને બોરીવલીમાં યોગેશ સાગર તેમ જ ગોપાલ શેટ્ટી જેવા નેતાઓએ આ સબર્બને સુંદર બનાવવામાં અને એના વિકાસમાં સારો ફાળો આપ્યો છે. કાંદિવલીનું પોઇસર જિમખાના કાંદિવલીની જનતા માટે એક આર્શીવાદસમાન છે. જોકે હજી અહીં દાદા-દાદી પાર્ક કરવાની જરૂર જણાય છે. એક સમયે કાંદિવલી (ઈસ્ટ) એકદમ પછાત ગણાતું હતું, જે પણ હવે ઘણે અંશે વિકાસશીલ બની ગયું છે. ખાસ કરીને હાઈરાઇઝ મકાનોમાં એ આગળ છે. ઠાકુર કૉમ્પ્લેક્સ જેવા વિસ્તાર સરસ ડેવલપ થઈ ગયા છે,’ એમ જણાવતાં મહેશભાઈ કહે છે કે ‘કાંદિવલી ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફ્લાયઓવર પછી પૂર્વ-પશ્ચિમમાં આવવા-જવાની સરળતા થઈ છે, પરંતુ હજી ઈસ્ટનો સ્ટેશન પાસેનો રસ્તો ખૂબ જ નાનો અને ગિરદી-ગૂંચવાડાવાળો છે, જેને સુધારવાની તાતી જરૂર છે.’

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- તસવીર : ઓમકાર ગાવકર