04 October, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
કોઈ અજાણ્યા માણસ સાથે મોબાઇલ પર ગેમ રમતી વખતે બનેલી આ ઘટના પછી ડૉટરે જોકે તરત ગેમ બંધ કરીને મમ્મીને આખી વાત જણાવવાનું શાણપણ કર્યું એ વાત પર ભાર મૂક્યો અક્ષયે, નહીંતર કેટલીયે નાદાન બાળકીઓ અને યુવતીઓ આવા વમળમાં ફસાઈ જતી હોય છે
સ્ટેટ પોલીસ હેડક્વૉર્ટરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં સાઇબર અવેરનેસ મન્થના ઉદ્ઘાટન પ્રસંગે પેરન્ટ્સને સાવચેત અને સજાગ રહેવાનો મેસેજ આપ્યો
ઑનલાઇન ગેમ્સ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવવા માટે ટીનેજર્સ સૉફ્ટ ટાર્ગેટ ગણાય છે. બનાવની ગંભીરતા ન સમજવાને કારણે અનેક વાર ટીનેજર્સ મોટી મુસીબતમાં ફસાઈ જાય છે જે ક્યારેક તેમને આત્મહત્યાનો માર્ગ અપનાવવા મજબૂર કરે છે અને તેઓ કોઈની મદદ માગતાં પણ અચકાય છે. આ પરિસ્થિતિમાં ટીનેજર્સ અને તેમનાં મમ્મી-પપ્પાની ભૂમિકા કેવી હોવી જોઈએ એ બૉલીવુડ-ઍક્ટર અક્ષય કુમારે પોતાની દીકરીનો અનુભવ શૅર કરતાં સમજાવ્યું હતું.
મારી દીકરી નિતારા એક ઑનલાઇન ગેમ રમી રહી હતી, જેમાં અજાણ્યા પ્લેયર્સ એકબીજાની સાથે ચૅટ પણ કરી શકે છે એમ જણાવીને અક્ષય કુમારે કહ્યું હતું કે ‘ગેમ રમતી વખતે સામેના પ્લેયરે નિતારાની ગેમ માટે ‘વેલ પ્લેય્ડ’, ‘ફૅન્ટૅસ્ટિક’ અને ‘થૅન્ક યુ’ જેવા સામાન્ય મેસેજ કર્યા હતા. ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. થોડી વાર પછી સામેના પ્લેયરે તેને મેલ છે કે ફીમેલ એવું પૂછ્યું અને જેવું નિતારાએ ફીમેલ હોવાનું કહ્યું કે સામેના પ્લેયરનો વાત કરવાનો ટોન બદલાઈ ગયો. તેણે અચાનક જ નિતારાને તેના ન્યુડ ફોટો મોકલવા કહ્યું.’
અક્ષય કુમારે આ કિસ્સો શૅર કરતાં બહુ મહત્ત્વની વાત કહી હતી કે ‘આવી માગણીનો મેસેજ જોતાં જ મારી દીકરીએ ગેમ બંધ કરી દીધી અને તેણે મારી પત્નીને આખી વાત કરી. નિતારાની સાથે જે બન્યું એ શૅર કરતાં તે ખચકાઈ નહીં અને તેની મમ્મીને બધું કહ્યું. આ બહુ મહત્ત્વનું છે.’
‘સાઇબર અવેરનેસ મન્થ ઑક્ટોબર 2025’ના ઉદ્ઘાટનપ્રસંગે અક્ષય કુમારે પોતાની નૈતિક જવાબદારી સમજીને દીકરી સાથે બનેલો કિસ્સો જાહેરમાં શૅર કર્યો હતો. સ્કૂલોમાં સાઇબર સિક્યૉરિટી વિશે ભણાવવું જ જોઈએ એ વાત પર પણ તેણે ભાર મૂક્યો હતો.
સાઇબર ક્રાઇમ સામે મુંબઈ પોલીસ દ્વારા ‘સાઇબર અવેરનેસ મન્થ’નું આયોજન
સાઇબર ક્રાઇમના વધતા બનાવો સામે જાગૃતિ લાવવા માટે મુંબઈમાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DG)ની કચેરીમાં ‘સાઇબર અવેરનેસ મન્થ ઑક્ટોબર 2025’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અક્ષય કુમાર અને રાની મુખરજીએ હાજરી આપી હતી. આ મહિનામાં બાળકો, પેરન્ટ્સ, સિનિયર સિટિઝન અને સ્કૂલોમાં ઑનલાઇન સેફ્ટી, ડિજિટલ રિસ્પૉન્સિબિલિટી અને સાઇબર ક્રાઇમ વિશે તથા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના દુરુપયોગથી કેવી રીતે બચી શકાય એ માટે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે. જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરીને ડિજિટલ એજમાં સુરક્ષાનું મહત્ત્વ સમજાવવામાં આવશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસને કેવો અનુભવ થયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો?
દેવેન્દ્ર ફડણવીસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના તેમને થયેલા કડવા અનુભવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘યુટ્યુબ પર મેં મારા પોતાના વિડિયો અને પોતાના જ અવાજમાં કોઈ દવા વેચનારાની જાહેરખબર જોઈ હતી. એમાં મારા જ અવાજમાં આ કોઈ કંપનીની દવા સારી હોવાનું અને મેં પોતે એ દવા લીધી હોવાનું કહીને વેચવામાં આવતી હતી.’