બાયોમેડિકલ કચરાના નિકાલ માટે CPCBના નિયમોનુ પાલન કરવું જરૂરી: હાઈ કોર્ટ

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Agencies

બાયોમેડિકલ કચરાના નિકાલ માટે CPCBના નિયમોનુ પાલન કરવું જરૂરી: હાઈ કોર્ટ

કચરાની ગાડી

બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અને મ્યુનિ. કૉર્પોરેશન્સ કોવિડ-19ના દરદીઓના નિદાન અને ક્વૉરન્ટીન દરમ્યાન ઉત્પન્ન થતા બાયોમેડિકલ કચરાની ટ્રીટમેન્ટ અને નિકાલ માટેની સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે બંધાયેલાં છે.

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મનપાઓને બાયોમેડિકલ કચરાના નિકાલ માટે માર્ગદર્શિકાને અનુસરવાનો આદેશ આપ્યો હતો.

‘પ્રત્યેક નાગરિકના જીવનનું રક્ષણ થાય અને કોવિડ-19 મહામારી વધુ વિનાશ ન વેરે તે સુનિશ્ચિત કરવાની સરકારની મુખ્ય ફરજ છે,’ તેમ અદાલતે જણાવ્યું હતું.

સીપીસીબીએ મહામારીને ધ્યાનમાં રાખીને તમામ લોકોના તંદુરસ્ત જીવન માટેની સ્થિતિ સુનિશ્ચિત કરવાના હેતુથી ૧૦ જૂનના રોજ માર્ગદર્શિકા જારી કરી હતી, તેમ અદાલતે જણાવ્યું હતું.

બેન્ચે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી) દ્વારા વપરાશમાં લેવાયેલી પીપીઈ કિટ્સ સહિતનો બાયોમેડિકલ કચરો માર્ગો પર ઠાલવતું હોવા અંગે ડોમ્બિવલીના રહેવાસી કિશોર સોહોનીએ તેમના વકીલ સાધના કુમાર થકી જાહેર હિતની અરજી દાખલ કરી તેની સુનાવણી હાથ ધરી હતી. એમપીસીબી વતી એડ્વોકેટ શર્મિલા દેશમુખે અદાલતને જણાવ્યુ હતું કે આ ઘટના અંગે કેડીએમસીને નોટિસ જારી કરવામાં આવી હતી.

maharashtra mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19 lockdown