દરવાજાવાળી નૉન-AC લોકલની ડિઝાઇન ફાઇનલ

10 June, 2025 08:16 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અસંખ્ય લોકોનાં મોત પછી રેલવેએ આખરે ‘કંઈક’ કરવાનું નક્કી કર્યું: નવા સુધારા સાથેની પહેલી ટ્રેન નવેમ્બર સુધીમાં તૈયાર કરી દેવાશે અને જાન્યુઆરી ૨૦૨૬થી સર્વિસમાં આવી જશે

ગઈ કાલે લોકલ ટ્રેનમાંથી પડીને જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોનું આક્રંદ. વર્ષોથી કેટલાય લોકો માટે મુંબઈની લાઇફલાઇન બની રહી છે ડેથલાઇન.

મુંબ્રામાં જેને કારણે ગઈ કાલની ઘટના બની એ સમસ્યા બાબતે પ્રવાસી સંગઠન દ્વારા અવારનવાર કરાયેલી રજૂઆત અને એ પૅચમાં ઍક્સિડન્ટની વારંવાર બનતી ઘટનાઓ પછી પણ એના પર કોઈ કાયમી ઉકેલ લાવે એવાં પગલાં ન લેનારી રેલવે ગઈ કાલની ઘટના બાદ સફાળી જાગી હતી અને એક જ દિવસમાં નિર્ણયો લેવા માંડી હતી. એમાં પણ અકસ્માત ન‌ થાય એ માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ઑટોમૅટિક બંધ થાય એવા દરવાજા બેસાડવા અને લોકોને ગભરામણ ન થાય એ માટે વે​ન્ટિલેશનની સુવિધા મૂકવી જેવા નિર્ણયો ફટાફટ લેવાઈ ગયા હતા. જોકે આને રાંડ્યા પછીનું ડહાપણ કહેવામાં કશું ખોટું નથી.  

મુંબ્રામાં બનેલી ગઈ કાલની ઘટનામાં ચાર પ્રવાસીઓનાં મોત અને ૯ પ્રવાસીઓ ઘાયલ થયા બાદ રેલવે સફાળી જાગી છે. રેલવેપ્રધાન અ​શ્વિની વૈષ્ણવે ગઈ કાલે રેલવે બોર્ડના અધિકારીઓ અને ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફૅક્ટરી (ICF)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્રણ મુખ્ય મુદ્દાઓને સાંકળી લઈને દરવાજાવાળી નૉન-AC લોકલ ટ્રેનની ​ડિઝાઇન ફાઇનલ કરી હતી.

જે ત્રણ મુદ્દાઓ નવી ડિઝાઇનમાં સાંકળી લેવામાં આવ્યા છે એમાં પહેલો મુદ્દો નૉન-AC ટ્રેનમાં પણ બંધ થાય એવા દરવાજા હશે અને એમાં હવા અને પ્રકાશ આવી શકે એ માટે લૂવર્સ (ખાંચાવાળી​ જાળી) મૂકવામાં આવશે. 

બીજું, દરેક ડબ્બાની છતમાં ફ્રેશ ઍર અંદર ધકેલે એવા વેન્ટિલેશન યુનિટ બેસાડવામાં આવશે અને ત્રીજું મેલ-એક્સપ્રેસ ટ્રેનની જેમ અથવા AC ટ્રેનની જેમ એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈ શકાય એવી ગોઠવણ કરવામાં આવશે જેથી એક ડબ્બામાં ગિરદી હોય તો લોકો બીજા ડબ્બામાં જઈ શકે.

આ પ્રકારની નવી ડિઝાઇનની ટ્રેન પર તુરંત કામ ચાલુ કરી દેવાશે અને પહેલી ટ્રેન નવેમ્બર સુધીમાં તૈયાર કરી દેવાશે એટલું જ નહીં, જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં એ લોકોની સેવામાં રજૂ કરવામાં આવે એવું હાલ નક્કી કરવામાં આવ્યું છે.

લોક ગુદમરુન મરેલ : રાજ ઠાકરે 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે પત્રકાર પરિષદ લીધી હતી અને કહ્યું હતું કે ‘આજે જે ઘટના બની એ દુખદ છે. મુંબઈ લોકલમાં રોજ જ રેલવે-અકસ્માતમાં લોકો મરે છે, ઘાયલ થાય છે પણ એની સાથે કોઈને કશીયે લેવા દેવા નથી. અહીં માણસની કોઈ કિંમત જ નથી. રેલવેપ્રધાનનું રાજીનામુ માગવાનો કંઈ અર્થ નથી. તેમણે અહીં આવીને લોકલ ટ્રેનમાં લોકો કઈ રીતે પ્રવાસ કરે છે એ જોવું જોઈએ. નૉન-AC ટ્રેનમાં તમે દરવાજા લગાડવાનું કહો છો, પણ લોકલના ડબ્બામાં એટલા બધા લોકો પ્રવાસ કરતા હોય છે કે લોકો ગૂંગણામણથી મરી જશે (ગુદમરુન મરેલ). અમે વર્ષો પહેલાં માગણી કરી હતી કે મુંબઈ માટે રેલવેનું સ્વતંત્ર બોર્ડ આપો, પણ એને કોઈ કાને ધરતું જ નથી. અહી રીડેવલપમેન્ટ હાથ ધરી ઊંચાં-ઊંચાં મકાનો બનાવી દેવાય છે. રોજ-રોજ બહારગામથી લોકો અહીં આવીને વસી જાય છે. એના પર કોઈ કન્ટ્રોલ નથી, ટ્રૅફિક પર કોઈ કન્ટ્રોલ નથી, પાર્કિંગ નથી.  મોટા રસ્તાઓ, મેટ્રો, મોનો; બધું જ બનાવો છો પણ એ પૂરું નહીં પડે. અમારા ટિટવાલાના એક કાર્યકરે રેલવેને પત્ર લખીને કહ્યું પણ હતું કે મુંબ્રામાં મોટો અકસ્માત થઈ શકે છે, પણ એ લોકોએ ધ્યાન પર જ ન લીધું, જો લીધું હોત તો આજની ઘટના ન બનત.’ 

mumbra western railway mumbai railways mumbai local train AC Local central railway indian railways train accident news muumbai news mumbai