રસ્તા પરથી જતાં સાસુ-વહુ પર બિલ્ડિંગનો કાટમાળ પડ્યો, સાસુએ જીવ ગુમાવ્યો અને વહુને ગંભીર ઈજા

10 September, 2025 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચીસ વર્ષ જૂના બિલ્ડિંગને તાત્કાલિક સમારકામની જરૂર હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુંબ્રાના દૌલતનગરમાં આવેલા લકી કમ્પાઉન્ડની D વિંગનો એક ભાગ સોમવારે મોડી રાતે તૂટી ગયો હતો. એ જ સમયે બિલ્ડિંગ નજીકના રસ્તા પરથી પસાર થતાં સાસુ-વહુ પર કાટમાળનો અમુક ભાગ પડ્યો હતો. એને કારણે સાસુએ જીવ ગુમાવ્યો હતો અને વહુને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘સોમવારે મધરાતે ૧૨.૩૬ વાગ્યે પચીસ વર્ષ જૂના ૪ માળના બિલ્ડિંગના સૌથી ઉપરના માળની પાળીનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. એ જ સમયે બિલ્ડિંગની નીચેના રસ્તા પરથી પસાર થઈ રહેલી બે મહિલાઓ પર પાળીનો તૂટેલો હિસ્સો પડતાં બનેને ગંભીર ઈજા થઈ હતી.

૬૨ વર્ષનાં એક ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક બિલાલ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ૨૬ વર્ષની બીજી મહિલાની કળસેકર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લકી કમ્પાઉન્ડમાં ૨૦૧૩માં બિલ્ડિંગ ધરાશાયી થવાથી ૭૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો

૨૦૧૩માં લકી કમ્પાઉન્ડનું બીજું એક બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. એ દુર્ઘટનામાં ૭૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૬૦ લોકોને ઈજા થઈ હતી. મહારાષ્ટ્રની ગોઝારી દુર્ઘટનાઓમાં આ ઘટનાનો સમાવેશ થાય છે. સોમવારે જે બિલ્ડિંગમાં દુર્ઘટના બની એ C2B કૅટેગરીમાં આવતું હતું એટલે એને તાત્કાલિક સમારકામની જરૂર હતી. જોકે બિલ્ડિંગ ખાલી કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નહોતો. દુર્ઘટના બાદ આ બિલ્ડિંગને ખાલી કરાવીને સીલ કરી દેવાયું છે.

mumbra road accident news mumbai mumbai news thane municipal corporation maharashtra maharashtra news