મુંબઈ: લૉકડાઉનમાં મુંબઈગરાનો શરાબપ્રેમ અધધધ છલકાયો

01 January, 2021 06:43 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ: લૉકડાઉનમાં મુંબઈગરાનો શરાબપ્રેમ અધધધ છલકાયો

પ્રતીકાત્મક તસવીર. તસવીર સૌજન્ય - મિડ-ડે

કોરોના વાઇરસના રોગચાળાના લૉકડાઉનના માહોલમાં મુંબઈગરાનો શરાબપ્રેમ અધધધ છલકાયો હતો. ગયા એપ્રિલ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં સરકારે સર્વસામાન્ય કરતાં ૧૪૦ ગણી વધારે પરમિટ મંજૂર કરી હતી. ગયા વર્ષે ૧૦,૬૦૩ જણે આલ્કોહૉલ પીવાની પરમિટો મેળવી હતી, પરંતુ આ વર્ષે ૧,૫૯,૨૬૨ લિકર પરમિટ સરકારે મંજૂર કરી હતી. ૨૪ માર્ચે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી દારૂનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. બાર અને હોટેલો બંધ કરવામાં આવ્યાં હતાં, પરંતુ મે મહિનાની ૧૫મીએ આલ્કોહૉલ ડ્રિન્કિંગ પરમિટ ધરાવતા ગ્રાહકોને દારૂની હોમ-ડિલિવરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી એથી લોકોએ ઑનલાઇન અરજી કરીને પરમિટ મેળવવા માંડી હતી.

એપ્રિલથી ડિસેમ્બરના અંત સુધીમાં ૧,૬૪, ૨૧૬ અરજીઓ સરકારના એક્સાઇઝ વિભાગને પ્રાપ્ત થઈ હતી, એમાંથી ૧,૫૩,૨૦૬ અરજદારોને પરમિટ આપવામાં આવી હતી. ૨૦૧૯માં ૧ એપ્રિલથી ૩૧ ડિસેમ્બર સુધીમાં લિકર-પરમિટ માટે ૧૧,૦૧૦ અરજી મળી હતી એમાંથી ૧૦,૬૦૩ અરજી મંજૂર કરવામાં આવી હતી. આ રીતે ગયા વર્ષના આંકડાની સરખામણીમાં આ વર્ષનો આંકડો ૧૪૦ ગણો વધારે છે. એક દિવસની પરમિટની ફી ૧૦ રૂપિયા, એક વર્ષની પરમિટ માટે ૧૦૦ રૂપિયા અને લાઇફટાઇમ પરમિટ માટે ૧૦૦૦ રૂપિયા ફી લેવામાં આવે છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના કમિશનર કાંતિલાલ ઉમપે જણાવ્યું હતું કે અરજી કર્યા પછી એકાદ-બે દિવસમાં પરમિટ ઇશ્યુ કરવામાં આવે છે એથી શરાબ ઘરમાં રાખવા માટે કે બહાર પીવા માટે પરમિટ મેળવવી જોઈએ.

mumbai mumbai news coronavirus covid19 lockdown vishal singh