મુંબઈમાં રાત્રે મહિલાઓની સુરક્ષા રામભરોસે?

13 December, 2014 05:13 AM IST  | 

મુંબઈમાં રાત્રે મહિલાઓની સુરક્ષા રામભરોસે?


મુંબઈમાં રાત્રે મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિવિધ પગલાં લીધાની વાતો તો થાય છે, પરંતુ ખરેખર પોલીસ મહિલાઓની મદદ કરે છે ખરી? વર્સોવામાં રહેતી બાવીસ વર્ષની એક યુવતીએ આક્ષેપ કર્યો હતો કે ગુરુવારે રાત્રે કેટલાક ગુંડાઓએ તેના પર અને તેના ફિયાન્સે પર હુમલો કર્યો હતો, પરંતુ ઇમર્જન્સી માટે પોલીસને ૧૦૦ નંબર પર ફોન કર્યો તો કોઈ જ મદદ નહોતી મળી.

આવી ફરિયાદ કરનારી પિયા ગ્રેસ નામની ફૅશન ડિઝાઇનરે કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે પોતાનો ફૅશન સ્ટુડિયો બંધ કરીને તે ઘરે જવા માટે પોતાના ફિયાન્સે સાથે લગભગ મોડી રાત્રે ૧૧.૪૫ વાગ્યે આરામનગરમાં પહોંચી ત્યારે તેના બંગલોની સામે ડઝનેક જણ દારૂ પી રહ્યા હતા અને અભદ્ર કમેન્ટ્સ કરી હતી. ૨૯ વર્ષના મારા ફિયાન્સે રાહુલ બાવનકુલેએ આ ગુંડાઓને ગેરવર્તન ન કરવાનું અને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. લગભગ અડધા જણે રાહુલ પર હુમલો કર્યો હતો અને હું વચ્ચે પડી તો બાકીના લોકોએ મારા પર હુમલો કર્યો હતો.’

પોલીસની હેલ્પલાઇન પર ફોનની વાત કરતાં પિયાએ કહ્યું હતું કે ‘સામે છેડેથી પોલીસે કહ્યું હતું કે ઉન લોગોં કો પકડ કે રખો, મૈં પુલીસ ભેજતા હું. ડઝનેક ગુંડાઓને કેમ પકડવા એ લોકો તો નાસવા માંડ્યા છે એવું કહેતાં સામા છેડેથી જવાબ મળ્યો હતો કે તો પછી હવે તો પોલીસને મોકલવાની જરૂર જ નથી.’ કન્ટ્રોલ રૂમમાંથી આવા જવાબથી વ્યથિત આ કપલ તુરંત જ ગુંડાઓની ફરિયાદ નોંધાવવા વરસોવા પોલીસ-સ્ટેશને પહોંચ્યું હતું, ત્યાં પણ પોલીસનું વર્તન અકળાવનારું હતું. પિયાએ કહ્યું હતું કે ‘મેં પોલીસને કહ્યું કે ગુંડાઓએ મારા ફિયાન્સેને માર માર્યો અને મારી છેડતી કરી તો પોલીસ એમ જ માનતી રહી કે અમે બોગસ ફરિયાદ નોંધાવવા આવ્યાં છીએ. અમારાં ફાટી ગયેલાં કપડાં અને શરીર પરના ઉઝરડા જોઈને પણ પોલીસ જાણે કંઈ બન્યું ન હોય એમ માત્ર સાંભળતી જ રહી.

ત્રણેક કલાકની વિનવણી છતાં પોલીસે ન તો અમને શાંતિથી બેસવાનું કહ્યું કે ન તો પાણીનુંય પુછ્યું. આખરે ત્રણ કલાક બાદ પોલીસે નૉન-કૉãગ્નઝેબલ ફરિયાદ નોંધી હતી. આ ગુંડાઓ જતાં-જતાં ધમકી આપી ગયા હતા કે પોલીસમાં જશો તો મારી નાખીશું તેથી હવે અમને ડર પણ લાગે છે.’ વર્સોવા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરુંધતી રાણેએ કહ્યું હતું કે ‘આવી કોઈ ઘટના વિશે મને ખબર નથી. જો ડ્યુટી ઑફિસરે ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોટ ન નોંધ્યો હોય તો આવા સંજોગોમાં ફરિયાદીએ ઑન-ડ્યુટી પોલીસ-ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો જોઈએ.’