રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને લીધે વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં અડચણ

18 April, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ નિયમ પ્રમાણે વૃક્ષો ​​ટ્રિમ કરવા માટે ખાનગી સોસાયટીઓ, કૉમ્પ્લેક્સ અને સરકારી સંસ્થાઓને ૩૬૯૦ નોટિસો આપી હતી.

બીએમસી (ફાઈલ તસવીર)

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ગાર્ડન વિભાગે ચોમાસા પહેલાં મેઇન્ટેનન્સ માટે વૃક્ષો ટ્રિમ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે રસ્તાઓ પર પાર્ક કરેલાં વાહનો એમાં અડચણરૂપ બની રહ્યાં છે. BMCના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું કે ‘કેટલાક વિસ્તારોમાં વેહિકલ પાર્ક કરેલાં હોવાથી સમસ્યા થાય છે. અમુક કિસ્સાઓમાં એવું બને છે કે અમારો સ્ટાફ અને કૉન્ટ્રૅક્ટ વર્કરો ટ્રિમિંગ માટે જાય ત્યારે સ્થાનિક લોકો વિરોધ કરે છે. અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ BMCના સ્ટાફને સહકાર આપે, કારણ કે આ પ્રી-મૉન્સૂન વર્ક કરવું જરૂરી છે.’

BMCના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પ્રકારની સમસ્યા સામાન્ય રીતે એવા રહેણાક વિસ્તારોમાં થાય છે જ્યાં વધુ વાહનો હોય છે. અમે અમારું કામ નથી કરી શકતા, કારણ કે રહેવાસીઓ તેમનાં વાહનો હટાવવા તૈયાર નથી. અમે આ માટે ટ્રાફિક પોલીસને પણ બોલાવી હતી.’

ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા શૅર કરવામાં આવેલા ડેટા મુજબ લગભગ ૪૧૪ વૃક્ષો એવાં છે જેમને સંપૂર્ણપણે કાપવાની જરૂર છે. એમાંથી BMCએ અત્યાર સુધીમાં ૩૩૮ વૃક્ષો કાપ્યાં છે. BMCના સર્વે મુજબ રોડસાઇડ પર ૧,૧૨,૭૨૮ વૃક્ષોને ટ્રિમિંગની જરૂર છે જેમાંથી ૧૫,૮૨૧ વૃક્ષો ટ્રિમ થઈ ચૂક્યાં છે. નોંધનીય છે કે મુંબઈમાં લગભગ ૧,૮૬,૨૪૬ રોડસાઇડ વૃક્ષો છે. દર વર્ષે BMC ચોમાસા પહેલાં જોખમને ટાળવા માટે વૃક્ષોને ટ્રિમ કરે છે અથવા સાવ કાપી નાખે છે.

BMCએ નિયમ પ્રમાણે વૃક્ષો ​​ટ્રિમ કરવા માટે ખાનગી સોસાયટીઓ, કૉમ્પ્લેક્સ અને સરકારી સંસ્થાઓને ૩૬૯૦ નોટિસો આપી હતી.

mumbai news brihanmumbai municipal corporation