ઓલા-ઉબરની હડતાળનો આજે પાંચમો દિવસ

26 October, 2018 04:34 AM IST  | 

ઓલા-ઉબરની હડતાળનો આજે પાંચમો દિવસ

ઓલા-ઉબરની હડતાળના ચોથા દિવસે પણ ઍપ-બેઝ્ડ કૅબનાં યુનિયનો અને મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતે વચ્ચેની મીટિંગમાં કોઈ ઉકેલ ન આવતાં મુંબઈગરાઓની હાલાકી યથાવત્ રહી હતી. હડતાળ આજે પણ ચાલુ રહેવાની શક્યતા છે.

NCPના મુંબઈ ચીફ સચિન અહિરના વડપણ હેઠળના ઍપ-બેઝ્ડ કૅબ-ડ્રાઇવર્સના યુનિયન મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘના સેક્રેટરી સુનીલ બોરકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેની હાજરીમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર દિવાકર રાવતે સાથે મીટિંગ કરી હતી અને અમને

ઓલા-ઉબરના મૅનેજમેન્ટ સાથે મીટિંગ કરાવી આપવાની ખાતરી આપવામાં આવી છે. જોકે અમારી ફરિયાદોનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે.’

મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઍપ-બેઝ્ડ કંપનીઓ ડ્રાઇવરોનું શોષણ કરી રહી છે અને સરકારે મધ્યસ્થી કરીને તેમની યોગ્ય માગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. હડતાળ બાવીસ ઑક્ટોબરે શરૂ થઈ હતી જેને કારણે મુંબઈગરાઓએ ઘણી અગવડ વેઠવી પડે છે.’

કેટલાક પૅસેન્જરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રસ્તા પર ઘણી ઓછી કૅબ દેખાતી હતી અને ભાડું પણ બમણા કરતાં વધુ વસૂલ કરવામાં આવતું હતું. વળી વેઇટિંગ ટાઇમ પણ વધુ હતો. અનેક વેળા તો ઍપ બરાબર કામ ન કરતાં બ્લૅન્ક જતી હતી.’

કામગાર યુનિયનના નેતાઓએ કહ્યું હતું કે જો સરકાર તરફથી કોઈ ઉત્તર નહીં  મળે તો તેઓ મંત્રાલય પર મોરચો લઈ જવા અને ભૂખહડતાળ કરવા પણ વિચારી રહ્યા છે.

દરમ્યાન ચેમ્બુરમાં એક ઍપ-બેઝ્ડ કૅબના ડ્રાઇવરે ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ડ્રાઇવરોમાં ચર્ચા હતી. જોકે આ બાબતનું સત્તાવાર રીતે સમર્થન નથી મળ્યું અને યુનિયનનાં સૂત્રોએ એને અફવા ગણાવી છે.

ઓલા અને ઉબરના મૅનેજમેન્ટે આ બાબતે સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર નથી પાડ્યું.