જુહુના દરિયાકિનારે બનશે મુંબઈનું પહેલું ઑક્સિજન ગાર્ડન

11 November, 2020 07:56 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જુહુના દરિયાકિનારે બનશે મુંબઈનું પહેલું ઑક્સિજન ગાર્ડન

જુહુ બીચ- ફાઈલ તસવીર

જુહુના દરિયાકિનારે નોવોટેલ હોટેલને લાગીને આવેલા પહેલાંના ૪૦૦૦ સ્ક્વેર ફુટના સુનીલ દત્ત ગાર્ડનને હવે નવાં રૂપરંગ સાથે મુંબઈનો પહેલો ઑક્સિજન ગાર્ડન બનાવાશે.

અવાવરું બની ગયેલા એ સુનીલ દત્ત ગાર્ડનમાં ગર્દુલ્લાઓ, દારૂડિયાઓ અને ઍન્ટિ સોશ્યલ એલિમેન્ટ્સ અડ્ડો જમાવીને બેસી જતા હતા. એથી મુંબઈગરા ત્યાં પરિવાર સાથે જવાનું ટાળતા હતા. એ પછી ત્યાંના કૉર્પોરેટર અનિલ મખવાણીએ નાશિકમાં જોયેલા ઑક્સિજન ગાર્ડન જેવો ગાર્ડન ત્યાં બનાવવાનું વિચાર્યું. આમાં તેમને સાથ મળ્યો એ વિસ્તારના બીજેપીના વિધાનસભ્ય અમિત સાટમનો. તેમણે આ બાબતે પ્રયાસ કરીને એ ગાર્ડનની જમીન જે પહેલાં મ્હાડા પાસે હતી એ બીએમસીને ટ્રાન્સફર કરાવી. એ પછી અનિલ મખવાણીએ ત્યાં ઑક્સિજન ગાર્ડન બનાવવાનો પ્રસ્તાવ બીએમસીમાં મૂક્યો હતો, જે હવે મંજૂર થઈ ગયો છે. આ ઑક્સિજન ગાર્ડન બનાવવામાં પાલિકાને ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

બીએમસીના આર્કિટેક્ટ ઉલ્હાસ ભુસ્કટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ ગાર્ડન સમુદ્રકિનારે હોવાથી મુખ્ય ભૂમિકા હૉર્ટિકલ્ચરની રહેશે. દરિયાની ખારી હવા અને ત્યાંની રેતાળ જમીનમાં તેમણે વધુ પ્રાણવાયુ અને છાંયડો આપે એવાં તુલસી, પીપીળો જેવાં ઝાડ અને છોડ રોપવાનાં છે. એટલું જ નહીં, એ ઉછરે અને એનું જતન પણ થાય એ જરૂરી છે. અમે તેઓની જે જરૂરિયાત હશે એ પ્રમાણેના તેમને ફ્લાવર બેડ બનાવી આપીશું. વળી ત્યાં જૉગિંગ ટ્રૅક બનશે. સી વ્યુ ડેક બનાવવામાં આવશે. મુંબઈના કોળીનું મ્યુરલ પણ બનાવાશે સાથે જ સુરક્ષાની દૃષ્ટિએ ત્યાં અસામાજિક તત્વો અડ્ડો ન જમાવે એ માટે ગાર્ડનને ફૅન્સિંગ પણ કરાશે. હાલ આ બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ૨૦૨૨ સુધીમાં એ ગાર્ડન તૈયાર થઈ જાય એવી શક્યતા છે.’

mumbai mumbai news juhu juhu beach