મુંબઈની કોવિડનો રિકવરી રેટ દેશના રેટ કરતાં ૭ ટકા વધારે છે

19 July, 2020 09:55 AM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈની કોવિડનો રિકવરી રેટ દેશના રેટ કરતાં ૭ ટકા વધારે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોવિડ-19ના કેસ એક લાખના આંકની નજીક પહોંચી ગયા છે ત્યારે દેશની આર્થિક રાજધાનીમાં રીકવરી રેટ ૭૦ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સાત ટકા વધારે હોવાનું સત્તાવાર ડેટાના આધારે જાણવા મળ્યું હતું.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) દ્વારા શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી અનુસાર દેશમાં કોરોનાના ૧૦ લાખની ઉપર કેસ હતા અને સાજા થઈ ગયેલા દરદીઓની સંખ્યા આશરે ૬.૩૫ લાખ છે. ઍક્ટિવ કેસ ૩,૪૨,૭૫૬ છે આમ રિકવરી રેટ ૬૩ ટકા છે. મુંબઈનો રિકવરી રેટ મહારાષ્ટ્રના ૫૫.૬૨ કરતાં આશરે ૧૫ ટકા જેટલો વધારે છે.મહારાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન અૅન્ડ ડ્રગ્ઝ ડિપાર્ટમેન્ટ (એમઇડીડી) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા પ્રમાણે મુંબઈમાં એક્ટિવ કેસ ૨૪,૩૦૭ છે, જ્યારે અત્યાર સુધીમાં ૬૭,૮૩૦ દરદીઓ ઇન્ફેક્શનમાંથી સાજા થઈ ચૂક્યા છે. કોરોના વાઇરસના પ્રસારને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન પ્લાન હેઠળ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા ‘મિશન ઝીરો’ લૉન્ચ કરવામાં આવ્યું, તે દરમ્યાન મુંબઈમાં કોરોનાનો રિકવરી રેટ જૂનના મધ્ય ભાગની આસપાસ ૫૦ ટકા રહ્યો હતો.
પહેલી જુલાઈના રોજ રેટ સુધારા સાથે ૫૭ ટકા થયો હતો અને જુલાઈ ૧૫ સુધીમાં તે આશરે ૭૦ ટકા થયો હતો. બીએમસીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે શહેરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને ૯૮,૯૭૯ થઈ હતી, જ્યારે મહામારીને કારણે નીપજેલાં મોતની સંખ્યા ૫૫૮૨ નોંધાઈ હતી.

mumbai mumbai news coronavirus covid19