ટ્રાન્સફર પછી ઢોબળે અસલી મિજાજમાં

22 September, 2012 06:28 AM IST  | 

ટ્રાન્સફર પછી ઢોબળે અસલી મિજાજમાં



રેઇડ પાડતા આ માણસને કોઈ નહીં રોકી શકે. વાકોલા ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી)નો ચાર્જ સંભાળ્યાંના ૪૮ કલાક બાદ વિવાદાસ્પદ વસંત ઢોબળેએ વિલે પાર્લે તથા વાકોલા વિસ્તારમાં પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. સોશ્યલ સર્વિસ બ્રાન્ચમાંથી તેમની ટ્રાન્સફર બાદ ઘણા લોકોને એમ હતું કે નવી પોસ્ટમાં તેઓ પોલીસનાં રોજિંદાં કામોમાં વ્યસ્ત થઈ જશે, પરંતુ એમ નથી થયું.

બુધવારે તેમણે વિલે પાર્લે

પોલીસ-સ્ટેશનમાં આવેલી પોતાની નવી ઑફિસનો કારભાર સંભાળ્યો. નવી જગ્યાએ નવા માહોલમાં પોતાને ઢાળવાનો સમય લેવાને બદલે તેઓ તેમના સ્વભાવ મુજબ બહાર નીકળી પડ્યા. તેમની જૂની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી થયો. સૌથી પહેલો છાપો વિલે પાર્લેમાં આવેલી ખાણી-પીણીની દુકાનો પર પાડ્યો. વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશિકાન્ત તળેગાવકરે કહ્યું હતું કે બે કલાકની અંદર જ અમે દંડ તરીકે ૭૦,૦૦૦ રૂપિયા એકઠા કર્યા હતા.

વસંત ઢોબળેની નજરમાંથી કોઈ બચી શક્યું નહીં. કમર્શિયલને બદલે ઘરવપરાશ માટે વપરાતા સિલિન્ડરનો ઉપયોગ કરનારા હોટેલમાલિકોને તેમણે પકડ્યા તેમ જ ૧૧ વાગ્યાની ડેડલાઇન છતાં ખુલ્લી રહેલી દુકાનના માલિકોને પણ દંડ કરવામાં આવ્યો. કેટલાક માલિકોને દંડ ફટકારી ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા.

ગુરુવારે વાકોલામાં તેમણે વિવિધ સ્થળોએ બંદોબસ્ત પર નજર નાખી. રાતના મોડે સુધી તેઓ પોતાના આ કામમાં વ્યસ્ત રહ્યા. તેમને કામ કરતા જોઈને સ્થાનિક રહેવાસીઓ ફોટા પાડવાની પોતાની ઇચ્છાને નહોતા રોકી શક્યા. રસ્તા પર પૅટ્રોલિંગ કરતા આ પોલીસ-ઑફિસરને જોવા માટે લોકો એકઠા થઈ જતા હતા તેમ જ પોતાની સેલિબ્રિટી તરીકેની ઇમેજને યથાવત્ રાખતાં વસંત ઢોબળે ચહેરા પર સ્મિત સાથે હાથ ઊંચો કરીને લોકોને સકારાત્મક પ્રતિસાદ પણ આપતા હતા.

આમ છતાં તેમની કામગીરીમાં કોઈ ફરક નહોતો પડ્યો. ૧૧ વાગ્યાની ડેડલાઇન છતાં ખુલ્લા રહેલા વાકોલાના પાંચ જેટલા ખાણી-પીણીના સ્ટૉલ પાસેથી તેમણે દંડ પણ વસૂલ કર્યો હતો. આ વખતે તેમની પાસે હૉકી-સ્ટિકની જગ્યાએ બૅટરી હતી. તેમણે પાનના સ્ટૉલ, જૂસ સેન્ટર, ચાની દુકાનો કોઈને પણ છોડ્યાં નહોતાં. પાનની દુકાન ચલાવતા એક દુકાનદારે કહ્યું હતું કે એકમાત્ર ઢોબળે જ આમ કરી શકે. જ્યારે તેઓ મારી દુકાનમાં આવ્યા તો હું બહુ ડરી ગયો હતો. તરત જ હું પોલીસ-સ્ટેશનમાં જઈને દંડ ભરી આવ્યો. તેમને જોવા માટે રસ્તા પર ભારે ભીડ ભેગી થઈ હતી.’

૧૨૦૦ રૂપિયા દંડ લઈને તમામને જવા દેવામાં આવ્યા હતા.


સઈદ અબ્દુલ કાદિર નામના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ઢોબળે આવવાથી અમે બહુ ખુશ છીએ. તેઓ દરેક નાગરિકની રજૂઆતને સાંભળે છે એથી અમને કોઈ ડર નથી.’

કૉલેજમાં ભણતા કાલિનામાં રહેતા એક સ્ટુડન્ટે કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ચાલતી ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર હવે તેઓ અંકુશ લાવશે. વસંત ઢોબળે એટલા જાણીતા થઈ ગયા છે કે તેઓ હવે એક સેલિબ્રિટી છે.’

શિસ્તના બહુ આગ્રહી

આ વિસ્તારમાં ભારે ત્રાસ ફેલાવતા ગેરકાયદે સ્ટૉલને વસંત ઢોબળે બંધ કરાવી દેશે એવી લોકોને ખાતરી છે. વળી પોલીસ-ડિપાર્ટમેન્ટમાં પણ તેઓ શિસ્તના ભારે આગ્રહી છે. નિયમિત ન આવનાર તેમ જ વ્યવસ્થિત રીતે તૈયાર ન થનારા કર્મચારી પર તેઓ ખૂબ ગુસ્સે ભરાય છે. વાકોલા પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે જો કોઈના શર્ટનું ઉપરનું બટન ખુલ્લું હોય અથવા તો ટોપી સરખી રીતે ન પહેરી હોય તો તેમના પર તેઓ તાડૂકે છે તેમ જ અનિયમિત રહેનાર ઑફિસરો પર પણ તેમને નથી ગમતા.