બેસ્ટની હાલત વર્સ્ટ : રોજનો ખર્ચ પૂરો કરવા બસો ગીરવી મૂકાઈ

15 December, 2011 05:26 AM IST  | 

બેસ્ટની હાલત વર્સ્ટ : રોજનો ખર્ચ પૂરો કરવા બસો ગીરવી મૂકાઈ



(શશાંક રાવ)

મુંબઈ, તા. ૧૫

બેસ્ટ (બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) અન્ડરટેકિંગની નાણાકીય હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે હવે એને પોતાનો રોજનો ખર્ચ પૂરો કરવા માટે પણ લોન લેવાની જરૂર પડી છે. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે એને ૨૨૫ કરોડ રૂપિયાની લોન લેવા માટે ૨૦૦૦ કરતાં વધારે બસો ગીરવી મૂકવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં બેસ્ટના જનરલ મૅનેજરે કહ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે અંતે એના કારણે બેસ્ટનું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે અથવા તો એના પર પૂર્ણવિરામ મુકાઈ જશે. બેસ્ટના જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ કહ્યું હતું કે ‘બેસ્ટના વીજળીના બિલમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. આ સિવાય ફ્યુઅલની કિંમત અને અન્ય કિંમત વધવા છતાં બસનાં ભાડાંમા વધારો નથી થયો. જો આવું જ રહેશે તો અમારી પાસે  બેસ્ટને બંધ કરવાનો અથવા તો એનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખવાનો જ વિકલ્પ બાકી રહેશે.’

ગઈ કાલે ઓ. પી. ગુપ્તાએ પોતાની આ લાગણી મુંબઈ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ જાહેર કરી હતી. સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય સમીર દેસાઈ કહે છે કે જનરલ મૅનેજરે જણાવ્યું હતું કે જો ભાડાંમાં વધારો નહીં કરવામાં આવે તો પછી કોઈ આત્યંતિક પગલું ભરવું જ પડશે. બેસ્ટના ઇલેક્ટ્રિસિટી સપ્લાય અને ટ્રાન્સપોર્ટ ડિવિઝને મળીને અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાની કુલ ખોટ નોંધાવી છે જેના કારણે બેસ્ટ હવે આ મુદ્દે કોઈ પગલાં લેવા વિશે ગંભીરતાથી વિચારી રહ્યું છે.

બેસ્ટ દ્વારા એના રોજિંદા ખર્ચાને પૂરા કરવા માટે અનેક રાષ્ટ્રીયકૃત બૅન્કો પાસેથી લોન લેવામાં આવી છે. આ મુદ્દે વાત કરતાં બેસ્ટનું વહીવટીતંત્ર કહે છે કે તેમને આ પ્રમાણે લોન લેવાની ફરજ પડી છે કારણ કે ઇલેક્ટ્રિક ટૅરિફમાં કે પછી બસની ટિકિટનાં ભાડાંમાં વધારો નથી કરવામાં આવી રહ્યો. છેલ્લી કેટલીક મીટિંગોમાં ઓ. પી. ગુપ્તા ભાડાંમાં વધારો કરવામાં આવશે એવો ઇશારો કરી રહ્યા છે, કારણ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

ટૅરિફમાં વધારો નામંજૂર

બે વર્ષ પહેલાં બેસ્ટના ઇલેક્ટ્રિક સપ્લાય ડિવિઝને ટ્રાન્સપોર્ટ ડિવિઝનને સબસિડી આપીને એની ખોટ ભરપાઈ કરવામાં શક્ય મદદ કરી હતી. જોકે તાજેતરમાં ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી ર્બોડે વીજળીના ટૅરિફમાં પ્રસ્તાવિત ૧૫ ટકાનો વધારો નામંજૂર કરતાં બેસ્ટની કુલ આવકમાં ઘટાડો નોંધાયો છે.

બસો ગિરવી

બેસ્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ૪૭૦૦ બસોના કાફલામાંથી જૂની બસોને એક વર્ષ માટે ગીરવી મૂકવામાં આવે છે. ઘસારા પછી પણ આ બસોની કિંમત ૨૭૦ કરોડ રૂપિયાની આસપાસ નિર્ધારવામાં આવે છે. બેસ્ટ કમિટીના મેમ્બર રવિ રાજાએ કહ્યું હતું કે અત્યાર સુધી વહીવટીતંત્ર લીધેલી લોનને ભરપાઈ કરવા માટે પોસ્ટ-ડેટેડ ચેક આપી રહ્યું છે.

વર્લ્ડ બૅન્કની લોન હેઠળ બેસ્ટ દ્વારા વધારે બસો ખરીદવા માટે જૂની બસો ગીરવી મૂકવામાં આવી છે. બેસ્ટ કમિટીના મેમ્બર સુનીલ ગણાચાર્યે કહ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા ૨૦૦ જૂની બસો ગીરવી મૂકીને નવી બસોની ખરીદી કરવામાં આવી છે, જોકે આ બસ દૈનિક ખર્ચ પૂરો કરવા માટે લીધેલી લોનને કારણે ગીરવી નથી મૂકવામાં આવી.

બેસ્ટના વહીવટી તંત્રે રાષ્ટ્રીયકૃત બૅન્કનો ૧૦.૭૫ ટકાના દરે લોન મેળવવા માટે સંપર્ક કર્યો હતો. આ મુદ્દે એની દલીલ છે કે સંસ્થાને વારંવાર બ્રેકડાઉનનો ભોગ બનતી બસોના સમારકામ માટે નિયમિત રીતે નિશ્ચિત રકમની જરૂર પડે છે. બેસ્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે રિપેરિંગ ન થવાને કારણે કામ ન કરી શકતી હોય એવી બસોની સંખ્યા ડેપોમાં ૨૫૦થી વધીને ૪૫૦ થઈ ગઈ છે.