મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

18 April, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોની વધતી ભીડ વિશે ઉપાય કરવાની જરૂર છે , પાર્કિંગની વ્યવસ્થા કર્યા પછી દંડ વસૂલ કરવામાં આવે એવી મારી ઇચ્છા છે

ઘનશ્યામ ઠક્કર , પાયલ શાહ

મીરા રોડના ઘનશ્યામ ઠક્કર કહે છે : મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોની વધતી ભીડ વિશે ઉપાય કરવાની જરૂર છે

આવનારી ચૂંટણીમાં મતદાન કરીને હું ઇચ્છુ છું કે સરકાર સ્કૂલોની વધતી જતી ફી પર કામ કરે જેથી સામાન્ય પરિવારો પણ તેમનાં બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકે એમ જણાવીને મીરા રોડના ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ ઘનશ્યામ ઠક્કર કહે છે, ‘મારા મત સામે ચૂંટાઈ આવેલો લીડર મુંબઈની લાઇફલાઇન જેવી લોકલ ટ્રેનમાં વધી રહેલી ભીડને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય પગલાં લે એવું હું ઇચ્છું છું. દરરોજ કામ પર કે ઑ​ફિસમાં જતા લોકો દૂર રહેતા હોવાથી તેઓ સુવિધાજનક પ્રવાસ કરી શકે એવી વ્યવસ્થા સરકાર કરે એવી તેઓ આશા રાખે છે. લોકલ ટ્રેનોમાં પીકઅવર્સમાં તો પ્રવાસ કરવો શક્ય જ હોતો નથી, પરંતુ હવે તો નૉન પીકઅવર્સમાં પણ પ્રવાસ કરવો અઘરો થઈ જતો હોય છે. પીકઅવર્સમાં ટ્રેનમાં ચડવા માટે અનેક વખત પ્રવાસીઓએ ઝઘડો કરવો પડતો હોય છે અને ઘણી વાર જોખમી રીતે પ્રવાસ કરવા માટે તેઓ મજબૂર થતા હોય છે. એમાં પણ સિનિયર સિટિઝનો, બાળકો, મહિલા વર્ગ અને ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલા તો ભૂલથી પણ આ સમયે પ્રવાસ કરી શકતાં નથી. રાજ્ય સરકારે આ માટે વિચાર કરવો જોઈએ કે દરરોજ ઑફિસ જતા લોકોને કામ પ્રમાણે ઑલ્ટરનેટિવ બોલાવવામાં આવે. આ વિકલ્પ સરકારી ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં લાગુ કરવો જોઈએ જેથી લોકો ટ્રેનમાં આરામથી ઊભા રહીને પણ પ્રવાસ કરી શકે.’

માટુંગાનાં પાયલ શાહ કહે છે : પાર્કિંગની વ્યવસ્થા કર્યા પછી દંડ વસૂલ કરવામાં આવે એવી મારી ઇચ્છા છે

માટુંગા સેન્ટ્રલમાં રહેતાં પાયલ શાહ કહે છે કે ઉમેદવાર શિક્ષિત છે કે કેટલો ઉપયોગી રહેશે એ જાણવું બહુ જ જરૂરી છે. એ માટે ઘણા સમયથી નો યૉર કૅન્ડિડેટ (કેવાયસી) ઝુંબેશ ચલાવી રહેલાં સોશ્યલ વર્કર પાયલ શાહ વોટના બદલામાં શું અપેક્ષા છે એ વિશે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહે છે, ‘વાહનો વધવાની સાથે મુંબઈમાં પાર્કિંગની પણ બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. દરેક જગ્યાએ બેસ્ટની બસ કે લોકલ ટ્રેનથી જઈ નથી શકાતું એટલે નાછૂટકે આપણે ટૂ કે ફોર-વ્હીલરમાં નીકળવું પડે છે. બધે પાર્કિંગની વ્યવસ્થા નથી એટલે કોઈક જગ્યાએ વાહન ઊભું રાખીએ ત્યારે પોલીસ દંડ કરે છે. મને લાગે છે કે આ યોગ્ય નથી. પાર્કિંગની વ્યવસ્થા હોય તો પણ ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓ સામે જરૂર કાર્યવાહી થવી જોઈએ, પણ બધાને એક લાકડીએ હાંકવા ન જોઈએ. બીજું, હૉન્ગકૉન્ગ કે સિંગાપોર જેવા ગીચ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે એવી મુંબઈમાં હોય તો આપણને વાહનોની જરૂર જ ન પડે. વસતિ અને વાહનોની સંખ્યા વધવાની સાથે સુવિધામાં વધારો કરવા પર ધ્યાન આપે એવા લોકોને મત આપવો જોઈએ એવું મારું માનવું છે. આથી જ શિક્ષિત અને દીર્ઘદૃષ્ટિ ધરાવવાની સાથે સામાન્ય લોકોની પહોંચમાં હોય એવા લોકોને જ મત આપવાની ઝુંબેશ શરૂ કરી છે. આપણા વિસ્તારમાં મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન નહીં પણ સ્થાનિક નેતા જ કામ કરી કે કરાવી શકશે.’

અહેવાલ : પ્રીતિ ખુમાણ ઠાકુર , પ્રકાશ બાંભરોલિયા

mumbai news Lok Sabha Election 2024 matunga mira road