મુંબઈગરાઓ ફરવા નીકળી પડ્યા, હાઇવે પર ટ્રાફિક જૅમ

04 October, 2020 09:50 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈગરાઓ ફરવા નીકળી પડ્યા, હાઇવે પર ટ્રાફિક જૅમ

મુંબઈગરાઓ ફરવા નીકળી પડ્યા, હાઇવે પર ટ્રાફિક જૅમ

કોરોનાને કારણે છેલ્લા છ મહિનાથી ઘરમાં બેસીની કંટાળેલા મુંબઈગરાઓએ શુક્રવારે ગાંધી જયંતીની જાહેર રજા અને ત્યાર બાદ શનિવાર અને રવિવાર જોડાઈને આવેલી ત્રણ દિવસની રજાનો લાભ ઉઠાવ્યો હતો અને મુંબઈ નજીકના ફરવાના સ્થળે ઊપડી ગયા હતા, જેને કારણે ગુરુવારે અને શુક્રવારે સાયન પનવેલ રોડ, થાણે-બેલાપુર, શિલફાટા, મુંબઈ-ગોવા રોડ પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
અનલૉક-ફાઇવમાં હવે હોટેલ, રેસ્ટારાંને પણ ખોલવાની પરવાનગી અપાઈ હોવાથી લાંબા વખત પછી મુંબઈગરાને લૉકડાઉનની બહાર નીકળવા મળ્યું હતું. એથી લોકો નજીકના હિલ સ્ટેશન જેવા કે લોનાવલા, માથેરાન, મહાબળેશ્વર અને અલિબાગ જવા પરિવાર સાથે નીકળી પડ્યા હતા.
જોકે હવે આ સહેલાણીઓ રવિવારે સાંજે એકસાથે મુંબઈ પાછા ફરશે ત્યારે પણ મુંબઈના એન્ટ્રી પૉઇન્ટ પર અને ખાસ કરીને ટોલનાકા પર જબરદસ્ત ટ્રાફિક જૅમ થવાની શક્યતા છે. એથી એની ગણતરી રાખીને પાછા ફરવાનો પ્રવાસ કરવો પડશે.
નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) સુનીલ લોખંડેએ કહ્યું હતું કે ‘એકસાથે ત્રણ દિવસની રજા આવતી હોવાથી લોકો હિલ સ્ટેશન જવા નીકળ્યા હતા, જેના કારણે ટ્રાફિક જૅમની પરિસ્થિતિ સર્જાઈ હતી.

પહેલી વાર હૉટેલોમાં ૫૦ ટકા ઑકયુપન્સી

માથેરાનના ગુજરાત ભવન હોટેલના માલિક ઉમેશભાઈ દુબલે કહ્યું હતું કે ‘છ મહિનાથી હોટેલો બંધ જ હતી. હાલમાં જ એ માટે પરવાનગી મળતાં અમે ૧૨ સપ્ટેમ્બરથી હોટેલ ગ્રાહકો માટે ખોલી છે. એ પછી પહેલી વાર આ શનિ-રવિમાં ૫૦ ટકા ઑકયુપન્સીનું બુકિંગ થયું છે. લોકો પરિવાર સાથે આવી રહ્યા છે, જે સારી વાત છે. અમે લોકોએ પણ ઘણો ખર્ચો કર્યો છે. સૅનિટાઇઝેશન કરાવી રહ્યા છીએ. ફૉગિંગ મશીન વગેરે લીધું છે. એમ છતાં, હાલમાં અમારા જે ઑફ સીઝનના રેટ હોય એ જ લાગુ કર્યા છે, રેટમાં કોઈ વધારો કે ઘટાડો કર્યો નથી. લોકો ફરી પાછા ફરવા બહાર નીકળી રહ્યા છે એ સારી જ વાત છે. અમારે ત્યાં પણ હાલ ૫૦ ટકા જ સ્ટાફ સાથે કામ ચલાવી રહ્યા છીએ. સહેલાણીઓ આવતાં હોટેલિયરોમાં આનંદ છવાઈ ગયો છે.’ 

mumbai mumbai news