વધુ પાણીનો વપરાશ કરનારા પર બમણા બિલનો પ્રસ્તાવ

30 October, 2020 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધુ પાણીનો વપરાશ કરનારા પર બમણા બિલનો પ્રસ્તાવ

પ્રતીકાત્મક તસવીર

બીએમસી માથાદીઠ ૧૫૦ લિટર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરનારા પરિવારના પાણીના દરમાં વધારો કરવા વિચારી રહી છે. જોકે બીએમસીની સ્ટૅન્ડિંગ કમિટીએ મહામારીને ધ્યાનમાં રાખતાં ગઈ કાલે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી એને ફરી વિચારણા માટે પાછો મોકલ્યો છે.

જો દરખાસ્તને મંજૂરી આપવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો માથાદીઠ ૧૫૦-૨૦૦ લિટર વપરાશ કરનારા લોકો માટે પાણીનો ભાવ બમણો થઈ જાય છે, જ્યારે એનાથી વધુ વપરાશ કરનારાઓ માટે ચાર્જમાં આશરે ૫૦ ટકાનો વધારો જોવા મળશે.

બીએમસી દરરોજ ૭૫૦ લિટર પાણી સપ્લાય કરે છે, જે હિસાબે એક પરિવારના પાંચ જણને પ્રતિ વ્યક્તિ રોજનું ૧૩૫ લિટર પૂરું પાડવામાં આવે છે.

પાણીના ઉત્પાદનનો ખર્ચ પ્રતિ ૧૦૦૦ લિટર ૧૯.૪૪ રૂપિયા થાય છે, જ્યારે કે બીએમસી પાણીના વપરાશકર્તાઓ પાસેથી પ્રતિ ૧૦૦૦ લિટર ૫.૨૨ રૂપિયા વસૂલે છે. પાણીના વધુ પડતા વપરાશને કાબૂમાં લેવા તેમ જ ઉત્પાદન અને વપરાશ વચ્ચેનું અંતર ઓછું કરવા ૨૦૦૮માં ટેલિસ્કોપિક રેટ સ્ટ્રક્ચરની નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ ગ્રાહક ૫.૨૨ રૂપિયા પ્રતિ ૧૦૦૦ લિટરના હિસાબે પ્રતિદિન ૭૫૦ લિટર પ્રતિ પરિવાર પાણીના ૧૦.૪૪ રૂપિયા ચૂકવે છે.

આ ભાવવધારો ઑક્યુપેશન સર્ટિફિકેટ ન ધરાવતા બિલ્ડિંગ પર પણ લાગુ પડશે. આ ઇમારતો હાલમાં ૧૫૦ લિટર પાણીના વપરાશ માટે પ્રતિ ૧૦૦૦ લિટર ૧૦.૪૫ રૂપિયા અને એનાથી વધુ વપરાશ માટે પ્રતિ ૧૦૦૦ લિટરના ૨૦.૯૦ રૂપિયાના દરે ચૂકવે છે.

જો પાણીના દરમાં વધારો અમલી બનશે તો દર બમણો થઈને ૪૧.૮૦ રૂપિયા થશે. બીએમસીના કુલ ૬૬૦૦ કનેક્શનમાંથી ૨૫૫૦ કનેક્શન નિર્દિષ્ટ મર્યાદા કરતાં વધુ પાણીનો વપરાશ કરે છે. 

માથાદીઠ ૧૫૦ લિટરથી વધુ વપરાશ કરનારા લોકો દ્વારા પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે, પરિણામે ઉત્પાદનખર્ચ અને શુલ્ક વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. એક રેકૉર્ડ મુજબ આશરે ૪૦,૦૦૦ પાણીનાં જોડાણો ૧૫૦ લિટરથી ઓછું, જ્યારે કે ૫૩,૦૦૦ કરતાં વધુ જોડાણો પાણીનો વધારે ઉપયોગ કરે છે.

- બીએમસીના અધિકારી

mumbai mumbai news brihanmumbai municipal corporation