મુંબઈમાં ટૂંક સમયમાં દોડશે એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ, આ છે BESTનો પ્લાન

20 June, 2022 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બસનો ઉદ્ઘાટન સમારોહ 7 ઑગસ્ટ 2022ના રોજ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) સ્થાપના દિવસે જ કરાશે

ફાઇલ તસવીર

મુંબઈગરાં માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં મુંબઈ શહેરના રોડ પર ઈલેક્ટ્રિક એસી ડબલ-ડેકર બસો દોડતી જોવા મળશે. ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુંબઈવાસીઓને તેમની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ મળશે. બસનો ઉદ્ઘાટન સમારોહ 7 ઑગસ્ટ 2022ના રોજ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) સ્થાપના દિવસે જ કરાશે.

આદિત્ય ઠાકરેએ કરી હતી જાહેરાત

ગયા વર્ષે ઑક્ટોબરમાં, મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે બેસ્ટના કાફલામાં સામેલ થનારી દરેક બસ ઇલેક્ટ્રિક બસ હશે, અને 2028 સુધીમાં સમગ્ર કાફલાને ઇલેક્ટ્રિક બસમાં રૂપાંતરિત કરવામાં આવશે.

દરેક ડબલ ડેકર બસમાં 78 થી 90 મુસાફરો મુસાફરી કરી શકશે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ગ્રીન બસોની શરૂઆત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટની શહેરના પ્રતિષ્ઠિત ડબલ-ડેકરને બચાવવાની પહેલને અનુરૂપ છે, જે છેલ્લા બે વર્ષમાં 60 ટકા ઘટી ગઈ છે.

ડબલ ડેકરની સંખ્યા ઘણી ઘટી ગઈ

ઠાકરેએ કહ્યું કે વર્ષ 2019માં ડબલ ડેકરની સંખ્યા 120 હતી, જે 2021માં ઘટીને માત્ર 48 થઈ ગઈ છે. ઈલેક્ટ્રિક ડબલ ડેકર્સ વીજળી પર અથવા હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલશે.

મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે “સરકારે વર્ષ 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનો પર આધારિત 15 ટકા જાહેર પરિવહનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સિવાય કોર્પોરેશન વર્ષ 2023 સુધીમાં 50 ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિક વાહનો પર આધારિત બનાવવા માગે છે.”

વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે મહાનગરમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે લગભગ 55 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા આગામી 3 થી 4 મહિનામાં વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. આ સાથે સામાન્ય લોકોને પણ તેમના વાહનોને ચાર્જ કરવાનો લાભ મળશે.

mumbai mumbai news