પૂરગ્રસ્તો માટે મંદીના માહોલમાં પણ મુંબઈગરાઓની દરિયાદિલી

17 August, 2019 12:21 PM IST  | 

પૂરગ્રસ્તો માટે મંદીના માહોલમાં પણ મુંબઈગરાઓની દરિયાદિલી

એક સમયે એકબીજાને નીચા દેખાડવાનો એકેય મોકો ન ચૂકતાં શિવસેના-બીજેપી રાજ્યમાં પૂરના સંકટ સમયે ખભેખભા મિલાવીને અસરગ્રસ્તોને મદદ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગપતિઓથી માંડીને નાના-મોટા વેપારીઓ અને સામાજિક સંગઠનો મંદીના માહોલ વચ્ચે પણ ઉદારતા દાખવી રહ્યાં છે. એક તરફ મુખ્ય પ્રધાનના રિલીફ ફન્ડમાં બે દિવસમાં ૨૦ કરોડ રૂપિયા મળ્યા છે તો બીજી બાજુ ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈની આગેવાનીમાં શિવસેનાના હજારો કાર્યકરો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાસરૂટ લેવલે મદદ પહોંચાડી રહ્યા છે.

સંકટના સમયે મુંબઈગરાઓ હંમેશાં સૌથી પહેલાં મદદ માટે આગળ આવે છે. અત્યારે દરેક ક્ષેત્રમાં ભયંકર મંદી ચાલી રહી હોવા છતાં મુંબઈગરાઓની દરિયાદિલી જોવા મળી રહી છે. લગભગ એક અઠવાડિયા સુધી કોલ્હાપુર, સાંગલી, સાતારા સહિતના વિસ્તાર પૂરગ્રસ્ત રહ્યા બાદ હવે પાણી ઓસરી રહ્યાં છે ત્યારે લાખો લોકોને રોજબરોજની ચીજવસ્તુઓની જરૂરિયાત પૂરી પાડવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા મદદની અપીલ કરાયા બાદ મદદનો ધોધ વહી રહ્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા સહાય કરવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાનને મળી રહેલી આર્થિક મદદથી ટોચના લેવલે કામ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે શિવસેનાના હજારો કાર્યકરો ગામેગામ પહોંચીને ત્યાંની પૂર પછીની પરિસ્થિતિમાં લોકોને જે ચીજવસ્તુની જરૂરિયાત છે એનું લિસ્ટ તૈયાર કરીને મુંબઈમાં દાદરના સેનાભવનમાં કાર્યરત ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ તથા શિવસેનાના ગોરેગામથી દહિસર સુધી વેપારી સંગઠનના અધ્યક્ષ બીરેન લિમ્બચિયાની ટીમને મોકલી રહ્યા છે.

હજારો લીટર પાણીની બૉટલ, ૧૫ હજાર બેડશીટ, ૧૫ હજાર સાડી, ૧૫ હજાર ટી-શર્ટ અને શર્ટ, ૫ હજાર લુંગી, ૫ હજાર ટૉવેલ સહિત દરેક પરિવારને પંદરેક દિવસ ચાલે એટલી ૧૦ કિલો અનાજની કિટ ટ્રક દ્વારા રવાના કરવામાં આવી રહી છે. અંદાજે બે કરોડ રૂપિયાનો સામાન મોકલી દેવામાં આવ્યો છે અને હજી એનાથી વધુ રકમની રાહતસામગ્રી જમા થઈ છે. હજી વધુ ને વધુ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.