મુંબઈ : ઈ-ચલાન ન ચૂકવનારનું કરાશે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ

05 November, 2020 07:22 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : ઈ-ચલાન ન ચૂકવનારનું કરાશે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ

ફાઈલ તસવીર

ટ્રાફિક નિયમનનો ભંગ કરીને મુંબઈ ટ્રાફિક પોલીસને ઈ-ચલાન ન ચૂકવનારા લોકોએ આગામી દિવસોમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કુલ ૨૮૦ કરોડ રૂપિયાનાં ઈ-ચલાન પેન્ડિંગ છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા લોકો જે મુખ્યત્ત્વે ખાનગી વાહનમાલિકો હોય છે, તેઓ કાયદાની ઉપેક્ષા કરી રહ્યા છે. આખરે મુંબઈ ટ્રાફિક પોલીસના તમામ ડિવિઝનોને વાહનોનાં રેન્ડમ ચેકિંગ હાથ ધરીને પેન્ડિંગ ઈ-ચલાન વસૂલવા જણાવાયું છે, તેમ જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) યશસ્વી યાદવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

બાંદરા ટ્રાફિક ડિવિઝનના એક અધિકારીએ જણાવ્યા મુજબ અમને ઈ-ચલાનનો થયેલો ભરાવો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે. અત્યારે અમે વૈભવી કારો પર ધ્યાન આપી રહ્યા છીએ, કારણ કે તેમના ડ્રાઇવરો સૌથી વધુ બેદરકારી દાખવતા હોય છે અને તેમનાં ઈ-ચલાન વર્ષોથી ચૂકવાયાં નથી.

ટ્રાફિક અધિકારીઓ અનિશ્ચિત રીતે વાહનો થોભાવે છે અને તેમના ઈ-ચલાનની સ્થિતિ તપાસે છે. જો ઈ-ચલાન પેન્ડિંગ હોય તો કેશલેસ વ્યવહારને ઉત્તેજન આપવા તથા ભ્રષ્ટાચાર નિવારવાના હેતુથી ડ્રાઇવરને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા તે ચૂકવવા જણાવવામાં આવે છે. એક વખત ઈ-ચલાન ચૂકવાઈ જાય ત્યાર પછી ટ્રાફિક પોલીસ ઉલ્લંઘન કરનારને તત્ક્ષણ રસીદ આપે છે.

તાજેતરમાં જ અમે જેગુઆરના ચાલકને પકડ્યો હતો, જેનું ઈ-ચલાન પેન્ડિંગ હતું, પણ જ્યારે અમે તેને તે ચૂકવવા જણાવ્યું તો કારચાલકે દલીલ કરી કે તેની પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નથી, પણ તે રોકડમાં ચૂકવવા તૈયાર હતો. હવે વૈભવી કાર ચલાવનારી વ્યક્તિ પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ન હોય તે માન્યામાં આવે તેવું નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai traffic diwakar sharma