ઠંડી હોય કે ગરમી મુંબઈગરાઓ દોડવા તૈયાર

15 February, 2021 11:00 AM IST  |  Mumbai | Rohit Parikh

ઠંડી હોય કે ગરમી મુંબઈગરાઓ દોડવા તૈયાર

સામાન્ય સંજોગોમાં જાન્યુઆરીમાં યોજાતી તાતા મૅરથૉન આ વખતે ૩૦ મેએ યોજવામાં આવશે એવી જાહેરાત મૅરથૉનના પ્રમોટર્સ પ્રોકૅમ ઇન્ટરનૅશનલ દ્વારા કરવામાં આવી છે. મે મહિનાના ગરમીના દિવસોમાં યોજાનારી મુંબઈ મૅરથૉન બાબતે રેગ્યુલર રનર્સને

‘મિડ-ડે’એ પૂછ્યું તો મોટા ભાગનાઓએ કહ્યું હતું કે ‘આમ તો આ મૅરથૉન ખૂબ જ હાર્ડ છે જેની આડઅસર થવાની પૂરી સંભાવના પણ છે. આમ છતાં અમે આ મૅરથૉનમાં દોડવા માટે ફુલ તૈયારીમાં છીએ. અમને ‌‌‌વિશ્વાસ છે કે આયોજકો સમયનું ધ્યાન રાખીને રમતવીરોને ઓછામાં ઓછી હેલ્થની સમસ્યા નડે એ પ્રમાણે મૅરથૉનનું આયોજન કરશે.’

શું રહેશે આ વખતના મૅરથૉનના નિયમો?

પ્રવર્તમાન સરકારી પ્રોટોકૉલના માર્ગદર્શન હેઠળ પ્રોકૅમ ઇન્ટરનૅશનલ ફુલ મૅરથૉન, હાફ મૅરથૉન અને ૧૦ કિલોમીટર દોડનું આયોજન કરશે. પ્રોકૅમ ઇન્ટરનૅશનલ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમણે સાવચેતીભર્યા આશાવાદ અને આશા સાથે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઍથ્લેટિક સંસ્થાઓ સહિત રાજ્ય અને નાગરિક અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ અને સહયોગી પ્રયાસો બાદ આ નિર્ણય લીધો છે. આ મૅરથૉનમાં મર્યાદિત સંખ્યામાં રનરો દોડશે. મુંબઈની બહારથી અને વિશ્વના અન્ય ભાગોમાંથી મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા આવનારા રમતવીરો જેમણે ટીએમએમ ૨૦૨૧ની ઍપ પર તેમનાં નામ નોંધાવ્યાં હશે તેઓ સાથે દોડી શકશે. આખી ઇવેન્ટમાં પ્રમોટરો, બધા સહભાગીઓ, અધિકારીઓ અને સ્વયંસેવકો સલામતીને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.

આયોજકો તરફથી વધુમાં જણાવવામાં આવ્યું છે કે રેસનું ફૉર્મેટ, નોંધણીની વિગતો, સલામતીનાં પગલાં, પ્રોટોકૉલ્સ અને સહભાગીઓની આવશ્યકતાઓ સહિતની વિગતો ટૂંક સમયમાં શૅર કરવામાં આવશે.

ગરમીમાં પણ પ્રૅક્ટિસ ચાલે છે

ગરમીમાં પણ અમારી પ્રૅક્ટિસ ચાલી જ રહી છે એટલે અમને મે મહિનાની ગરમીનો કોઈ ભય લાગતો નથી એવા આત્મવિશ્વાસ સાથે માહિતી આપતાં સિક્કાનગરના ૪૪ વર્ષના દીપક ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈ હાફ મૅરથૉનમાં દોડી રહ્યો છું. અત્યાર સુધીમાં વાગડ સમાજની ૧૦ કિલોમીટરની મૅરથૉન સહિત ૩૦થી વધુ મૅરથૉનમાં ભાગ લીધો છે. અમારી રોજની દોડવાની પ્રૅક્ટિસ ચાલુ હોય છે. આથી અમને ગરમીમાં પણ કોઈ સમસ્યા આવે એવું લાગતું નથી. અમે તો પૂરો વિશ્વાસ સાથે દોડીશું એમાં કોઈ શંકા નથી.

ગર્વની અનુભૂતિ થાય છે

અમે રન ઇન્ડિયા રનમાં પ્રોફેશનલ જૂથ હેઠળ પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ એવી જાણકારી આપતાં છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ મૅરથૉનમાં દોડી રહેલા લાલબાગના ૪૪ વર્ષના ધર્મેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ૧૧ જણનું ગ્રુપ છે. અમે બધા મૅરથૉન ક્યારે જાહેર થાય એની રાહ જોઈ રહ્યા હતા. જૂન ૨૦૨૦થી અમે સખત તાલીમ લઈ રહ્યા છીએ. ૨૮ માર્ચે અમે ૩૫ કિલોમીટરની લોનાવલાની ટેકરીઓ પર તાતા અલ્ટ્રા મૅરથૉન દોડવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં બે તાતા હાફ મૅરથૉન, અમદાવાદમાં એક અદાણી મૅરથૉન અને સાતારા હિલની બે મૅરથૉન આજ સુધી દોડી ચૂક્યો છું. મારું લક્ષ્ય મુંબઈ મૅરથૉન છે. ઠંડી હોય, ગરમી હોય કે પછી વરસાદની સીઝન હોય, મુંબઈ મૅરથૉનમાં દોડવાથી અમને ગર્વની અનુભૂતિ થાય છે.

ટ્રેઇનિંગ છોડી નથી

કોરોનાને લીધે છેલ્લા ઘણા વખતથી કોઈ પણ રનિંગ ઇવેન્ટ યોજાઈ નથી છતાં મેં ટ્રેઇનિંગ છોડી નથી, એક જ આશા સાથે કે આજે નહીં તો કાલે મુંબઈ મૅરથૉન ચોક્કસ યોજાશે એમ જણાવતાં માટુંગાના ૪૪ વર્ષના રાજીવ કેનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ચાર વર્ષથી મૅરથૉનમાં ભાગ લઉં છું. અત્યારે મારા ગ્રુપ સાથે માટુંગામાં રન ઇન્ડિયા રનમાં અમે પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ. છેલ્લા ચાર મહિનામાં ૧૦૦૦ કિલોમીટર કરતાં વધારે રનિંગની પ્રૅક્ટિસ થઈ ગઈ છે. મુંબઈ મૅરથૉનની જાહેરાત થઈ ત્યારથી ખૂબ ઉત્સુકતા વધી ગઈ છે. સાથે ચિંતા પણ છે કે આવી ગરમીમાં ૪૨ કિલોમીટરનું અંતર કેવી રીતે કાપીશું. જોકે કોઈ પણ ભોગે આ ઇવેન્ટ મિસ કરવા જેવી નથી, પણ ઑર્ગેનાઇઝર મૅરથૉનના સમયમાં કંઈક ચેન્જિસ કરે અને થોડી વહેલી શરૂ કરે જેથી તડકો નીકળે એ પહેલાં રેસ પૂરી થઈ જાય અથવા હજી બે મહિના એને પાછળ ઠેલી શકાય જેથી ગરમીમાં રાહત મળે.’

મારી હેલ્થ માટે પ્રેરણાદાયી

મુંબઈ મૅરથૉનની ઇવેન્ટ મારી હેલ્થ માટે ખૂબ જ પ્રેરણાદાયી નીવડી છે એમ જણાવતાં ઘાટકોપરના ૭૪ વર્ષના મધુસૂદન નેગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં છ વર્ષથી સિનિયર સિટિઝનની કૅટેગરીમાં મુંબઈ મૅરથૉનમાં ભાગ લઉં છું. શિયાળો હોય કે ઉનાળો, હું દર વર્ષે મુંબઈ મૅરથૉનની કાગડોળે રાહ જોતો હોઉં છું. આ વર્ષે મે મહિનામાં થનારી મુંબઈ મૅરથૉનમાં અચૂક ભાગ લઈશ.’

સીઝનનાં બહાનાં કેમ?

દોડવું એટલે દોડવું, એમાં ઠંડી, ગરમી અને વરસાદનાં બહાનાં કેમ એવા સવાલ સાથે દિવાની ૨૫ વર્ષની વૈશાલી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર વર્ષમાં હું નવ હાફ મૅરથૉનમાં ભાગ લઈ ચૂકી છું. મને હંમેશાં યુનિક કરવું ગમે છે. હું હંમેશાં બધી જ વાતોમાં કંઈક અવનવું શોધતી હોઉં છું. આ ચૉઇસ મારી મૅરથૉનમાં પણ રહે છે. મૅરથૉનનો મેઇન ઉદ્દેશ હેલ્થ છે. ઉનાળામાં લોકો બહાર નીકળવાનું પણ અવૉઇડ કરતા હોય છે ત્યારે દોડવાની વાત તો દૂરની થઈ જાય છે. જોકે મારી માન્યતા જુદી છે. ઉનાળામાં તડકામાં  વિટામિન ‘ડી’ મળે છે. ઉનાળાની મૅરથૉન આજના યુવાવર્ગ માટે પ્રેરણારૂપ પણ બનશે. મારી સાથે મારી બધી જ ફ્રેન્ડ્સ પણ ભાગ લેશે.

હેલ્થની દૃષ્ટિએ નુકસાનકારક

૭૦થી વધુ મેડલ જીતનાર ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં રહેતાં અને અત્યાર સુધીમાં દસ વખત મુંબઈ મૅરેથોનમાં ભાગ લઈ ચૂકેલા ૬૨ વર્ષનાં શ્વેતા ગડાએ મે મહિનામાં યોજાનારી મૅરથૉનમાં ભાગ લેવા વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મે મહિનો એટલે ખૂબ જ ગરમી અને ઉકળાટનો મહિનો. આ મહિનામાં રનિંગ કરવી શારીરિક દૃષ્ટિએ નુકસાનકારક કહી શકાય. ત્યારે ડીહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધારે રહે છે. શ્રમ વધારે પડે અને પરસેવાને કારણે દોડવામાં ખૂબ જ તકલીફ પડે. આ સિવાય કોરોનાના સમયમાં રનિંગની પ્રૅક્ટિસ પણ ઓછી થઈ ગઈ છે. શિયાળો મૅરથૉન માટે બેસ્ટ ગણાય, પણ ઉનાળામાં દોડવા માટે એનાં સારાં-નરસાં પાસાંને વિચારવાં પડે. ડૉક્ટરોની પણ સલાહ લેવી પડે. ત્યાર પછી જ આ બાબતનો નિર્ણય લઈ શકાય. અત્યારે તો હું લગોરીની કૉમ્પિટિશનમાં ખૂબ જ બિઝી છું એટલે મેની મૅરથૉન બાબતમાં કંઈ વિચાર્યું નથી.’

mumbai mumbai news mumbai maratho