ફરવા નીકળ્યા, પણ હાઇવે પર અટવાયા

15 May, 2022 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ દિવસની રજા હોવાથી લોનાવાલા-ખંડાલા જવા મોટી સંખ્યામાં નીકળેલા મુંબઈગરાઓએ કર્યો હાઇવે જૅમ

મુંબઈ-પુણે હાઇવે પર ગઈ કાલે સવારે જોવા મળેલો ટ્રાફિક જૅમ, એને કારણે વાહનોની લાઇન લાગી હતી

સોમવારે બુદ્ધપૂર્ણિમા હોવાથી ત્રણ દિવસ લાંબા વીક-એન્ડની રજા માણવા માટે ગઈ કાલે સવારે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ લોનાવાલા-ખંડાલા જવા નીકળ્યા હતા. એને લીધે મુંબઈ-પુણે એક્સપ્રેસવેની સાથે એ તરફના બધા હાઇવે જૅમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રાફિક જૅમને લીધે લોકો કલાકો સુધી હાઇવે પર અટકી ગયા હતા. જોકે બપોરના સમયે હાઇવે ટ્રાફિક પોલીસે મામલો સંભાળતાં ટ્રાફિક હળવો થયો હતો.

મુંબઈથી પુણે તરફના એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે જૂનો હાઇવે ગઈ કાલે સવારના જૅમ થઈ ગયા હતા. એકાદ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગતાં હાઇવે ટ્રાફિક પોલીસ રસ્તામાં ઊતરી હતી. મોટા ભાગના લોકો મુંબઈથી લોનાવાલા અને ખંડાલા તેમ જ આસપાસના વિસ્તારમાં ત્રણ દિવસની રજા માણવા માટે એકસાથે મોટી સંખ્યામાં નીકળતાં સવારના સમયે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ટ્રાફિકમાં ફસાયેલા કેટલાક લોકોએ ટ્વીટ કરીને લોકોને મુંબઈ-પુણે એક્સપ્રેસવે કે મુંબઈ-પુણે જૂના હાઇવે પર ન જવાની સૂચના આપી હતી. જોકે લોકો સુધી એ સૂચના પહોંચે એ પહેલાં જ અસંખ્ય વાહનો ખંડાલાના માથાઘાટ પરિસરમાં ફસાઈ ગયાં હતાં. ગૂગલ મૅપ જોઈને કેટલાક લોકો મુંબઈ-પુણે જૂના હાઇવે તરફ વળ્યા હતા. જોકે ત્યાં પહેલેથી જ વાહનોની લાંબી લાઇનો લાગી હોવાથી અહીં પણ ટ્રાફિક જૅમ થયો હતો.

કસારા ઘાટ હાઇવે પોલીસના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં વાહનો મુંબઈથી પુણે તરફ આવતાં ખાલાપુર ટોલનાકા અને બોરઘાટ તેમ જ ખંડાલા ઘાટ પર ટ્રાફિક જૅમ થયો હતો. બપોર બાદ જોકે ટ્રાફિક ક્લિયર થઈ ગયો હતો. 

mumbai mumbai news lonavala lonavla khandala