તળાવ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો પાણીકાપ માટે રહેવું પડશે તૈયાર

23 June, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં માત્ર ૯.૮ ટકા જ પાણી બચ્યું છે

ફાઇલ તસવીર

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર ૯.૮૯ ટકા પાણી બચ્યું છે, જે માત્ર એક મહિનો ચાલે એટલું જ છે. આ જળાશયોના કૅચમેન્ટ વિસ્તારોમાં આ વર્ષે પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ પડ્યો હોવાથી એમાં ગયાં બે વર્ષોની તુલનાએ ઘણું ઓછું પાણી બચ્યું છે. સુધરાઈના જણાવ્યાનુસાર અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયોમાં મળીને ગઈ કાલે ૧.૪૩ લાખ મિલ્યન ટન પાણી બચ્યું છે.

વરસાદમાં વિલંબ થયો છે અને પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, છતાં હજી સુધી પાણીકાપનો નિર્ણય લેવાયો નથી, એમ જણાવતાં બીએમસીના હાઇડ્રોલિક વિભાગના ચીફ એન્જિનિયર સંજય આર્થેએ ઉમેર્યું હતું કે જો વરસાદ નહીં આવે તો કૉર્પોરેશન પાણીકાપ કરતાં પહેલાં એક અઠવાડિયું રાહ જોશે.  

નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અપર વૈતરણા ડૅમમાં કોઈ ઉપયોગી પાણીનો સ્ટૉક નથી જે ખેંચીને સપ્લાય કરી શકાય. તાનસા ડૅમમાં પણ માત્ર ૩.૮૩ ટકા સ્ટૉક બાકી છે.

બાવીસમી જૂને સાત જળાશયોમાં ૨.૧૯ લાખ મિલ્યન લિટર એટલે કે ૧૫.૧૫ ટકા પાણી હતું, જ્યારે કે એક વર્ષ પહેલાં ૧.૫૧ લાખ મિલ્યન લિટર એટલે કે ૧૦.૪૪ ટકા હતું. તમામ જળાશયોની મળીને એકંદર ક્ષમતા ૧૪.૪૭ મિલ્યન લિટર છે, જે મુંબઈને વર્ષભર પાણીપુરવઠો સુનિશ્ચિત કરી શકે છે.  

mumbai mumbai rains mumbai monsoon