મૃત્યુનો મહોત્સવ

08 September, 2020 07:13 AM IST  |  Mumbai | Alpa Nirmal

મૃત્યુનો મહોત્સવ

ઝવેરબહેન ગાલાનો પારણાં બાદ દેહત્યાગ

૨૦૧૯ના મે મહિનામાં કચ્છના કોડાય ગામથી પાલિતાણા જઈને શત્રુંજયના આદેશ્વર ભગવાન પાસે પોતાને ૧૬ મહિનાનું ગુણરત્ન સંવત્સર તપ હેમખેમ કરાવવાનું વચન લઈને આવનાર દહિસરનાં ઝવેરબહેન ગાલાનું ગઈ કાલે પારણાંના થોડા કલાક બાદ અવસાન થયું હતું.

૪૮૦ દિવસના તપના અંતિમ બે દિવસ પહેલાં સુધી ૬૮ વર્ષનાં ઝવેરબહેન એકદમ સ્વસ્થ હતાં. તેમના દીકરા સચિન ગાલા ‘મિડ-ડે’ને કહે છે, ‘સોમવારે તેમનું પારણું હતું. એના બે દિવસ પહેલાં એટલે કે શનિવારે તેમને થોડી અશક્તિ જેવું લાગી રહ્યું હતું એટલે અમે ડૉક્ટરને બોલાવ્યા હતા. ડૉક્ટરે ચેક કરીને શુગર ઘટી ગયું હોવાનું કહ્યું એટલે અમે તેમને બોરીવલીના મંડપેશ્વર નર્સિંગ હોમમાં દાખલ કર્યાં. રવિવાર રાત સુધી તેઓ સંપૂર્ણ ભાનમાં હતાં. મમ્મી રવિવારે રાતે પપ્પાને પણ મળ્યાં હતા. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યા સુધી પણ તેઓ ઓકે હતાં. અમે બે ભાઈઓ, એક વહુ અને એક પૌત્ર મળી ચાર જણે હૉસ્પિટલમાં મગના પાણીથી તેમને પારણું પણ કરાવ્યું. ૧૨ વાગ્યા પછી તેમની તબિયત કથળતી ગઈ અને બપોરે ૩.૫૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો.’  

સચિન ગાલા આગળ ઉમેરે છે કે ‘મમ્મીએ અનેક દીર્ઘ તપસ્યાઓ કરી છે. તેમને તપ કરવાનો મહાવરો હતો. હા, ગુણરત્ન સંવત્સર તપ અઘરું છે, પરંતુ મમ્મીનું મનોબળ  ખૂબ મજબૂત હતું. તેઓ પોતાનાં દરેક કાર્યો જાતે કરતાં હતાં અને આ તપસ્યા નિર્વિઘ્ને થવાથી ખૂબ ખુશ હતાં. અમે માની નથી શકતા કે આમ કઈ રીતે થયું.’

ઝવેરબહેનના પતિ હરખચંદભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આદેશ્વર ભગવાને વચન પાળ્યું. તેને સુંદર રીતે તપ સંપૂર્ણ કરાવ્યું. દરેક વ્યક્તિએ એક દિવસ તો જવાનું છે જ. મારી ઝવેર મૃત્યુને મહોત્સવ બનાવીને ગઈ. અમને દુઃખ બહુ છે, પણ ગુણરત્ન સંવત્સર તપ કરવાની તેની લાંબા સમયની ઇચ્છા પૂર્ણ થઈ એનો આનંદ પણ છે.’

જૈન ધર્મના અચલગચ્છ ફિરકામાં ગુણરત્ન સંવત્સર તપ કરનારાં ઝવેરબહેન પ્રથમ શ્રાવિકા હતાં. સમસ્ત ગચ્છને એનું ગૌરવ હતું એમ જણાવતાં દહિસર અચલગચ્છ સંઘના ટ્રસ્ટી વસંતભાઈ હરિયા કહે છે કે ‘આમ તો આ તપના સમાપન નિમિત્તે ખૂબ મોટો મહોત્સવ કરાય, પરંતુ હાલની પેન્ડેમિક પરિસ્થિતિ જોતાં સરકારી કાયદા મુજબ આ સંઘમાં ઝવેરબહેનનાં પારણાંની નાનકડી ઉજવણી કરવાના હતા, પણ નિયતિએ કંઈક બીજું જ ધાર્યું હશે.’

તપની અનુમોદનારૂપે ઝવેરબહેનને પાલખીમાં બેસાડીને સાંજે ૭ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. તેમનાં દર્શન માટે લોકો ભેગા ન થાય એ માટે યુટ્યુબ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આદેશ્વર ભગવાને વચન પાળ્યું. તેને સુંદર રીતે તપ સંપૂર્ણ કરાવ્યું. દરેકે એક દિવસ તો જવાનું છે જ. ઝવેર મૃત્યુને મહોત્સવ બનાવીને ગઈ.- હરખચંદભાઈ ગાલા, ઝવેરબહેનના પતિ

dahisar mumbai mumbai news alpa nirmal