મુંબઈ : સિટી સેન્ટરમાંથી ગેરકાયદે માળિયા હટાવાઈ રહ્યાં છે

22 November, 2020 10:05 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈ : સિટી સેન્ટરમાંથી ગેરકાયદે માળિયા હટાવાઈ રહ્યાં છે

બૉમ્બે સેન્ટ્રલના સિટી સેન્ટરની આગમાં નુકસાન પામેલી દુકાનોનું સફાઈકામ પૂરું થયું.

મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલા સિટી સેન્ટરની દેશની સૌથી મોટી ગણાતી મોબાઇલ અને મોબાઇલ ઍક્સેસરીઝની માર્કેટ નવા વર્ષમાં ફરીથી ધમધમવા માટે તૈયાર થઈ રહી છે. આ માર્કેટની આગમાં બચી ગયેલી ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરની દુકાનો ૧૫ દિવસમાં ફરી શરૂ કરવા દુકાનદારો થનગની રહ્યા છે, જ્યારે આ સેન્ટરમાં આગ લાગ્યાના એક મહિના પછી મુંબઈ ફાયરબ્રિગેડે મોલના મૅનેજમેન્ટ અને રજિસ્ટર્ડ કન્સલ્ટન્ટને ખોટું ફાયર કૉમ્પ્લાયન્સ સર્ટિફિકેટ આપવા બદલ નોટિસ આપી છે.

ચીફ ફાયર ઑફિસર શશિકાંત કાળેએ આપેલી માહિતી મુજબ મુંબઈમાં સિટી સેન્ટર સહિતના ૨૯ મૉલને ફાયર કૉમ્પ્લાયન્સમાં રહેલી ક્ષતિઓને કારણે નોટિસ આપવામાં આવી છે. સિટી સેન્ટરમાં આગ લાગી ત્યારે આ મૉલની ફાયર ફાઇટિંગ સિસ્ટમ ખામીયુક્ત હતી. જો ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત હોત તો આગ જલદીથી બુઝાઈ શકી હોત. આ મૉલની આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને ૫૬ કલાક લાગ્યા હતા.

મહાનગરપાલિકાના રેકૉર્ડ પ્રમાણે આ મૉલમાં ૭૭૬ દુકાનો છે, પરંતુ ગેરકાયદે બાંધકામ કરીને ૭૭૬માંથી ૧૩૦૦થી વધારે દુકાનો આ મૉલમાં બની હતી.

મુંબઈ મોબાઇલ ઍન્ડ ઍક્સેસરીઝ અસોસિએશનના સક્રિય કારોબારી સભ્ય જવાહર દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આર્થિક અને માનસિક રીતે મૉલને ૧૫ જ દિવસમાં ફરી શરૂ કરવા માટે કટિબદ્ધ છીએ. અમને મહાનગરપાલિકાએ માલ મૂકવા માટે બનાવેલાં માળિયા હટાવવાનું જણાવ્યું છે. ચાર દિવસથી મહાનગરપાલિકાના આદેશ મુજબ માળિયા હટાવવાની શરૂઆત કરી દીધી છે. તહેવારો પછી તરત જ અમે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની દુકાનો અને ફ્લોરની સાફસફાઈ પૂરી કરી દીધી છે.’

mumbai mumbai news mumbai central