"મેં મારા પતિને મારી નાખ્યો છે ને તેની લાશ ઘરે પડી છે"

17 October, 2014 03:38 AM IST  | 

"મેં મારા પતિને મારી નાખ્યો છે ને તેની લાશ ઘરે પડી છે"




પતિ નંદકિશોર ટકસાલકરની હત્યા કરવા બદલ પાર્વતી ટકસાળકર નામની તેમની પત્નીને મુંબઈની સેશન્સ ર્કોટે ૬ વર્ષની કેદની સજા ફરમાવી છે. એક વર્ષથી ચાલતા કેસમાં જજ ડી. ડબ્લ્યુ. દેશપાંડેએ ૧૬ સાક્ષીઓ અને પુરાવાઓને તપાસ્યા બાદ પાર્વતીને ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ ૩૦૪ (૨) હેઠળ હત્યા નહીં એવા સદોષ મનુષ્ય વધ માટે દોષી ઠેરવતાં તેને ૬ વર્ષના જેલવાસની સજા ફરમાવી હતી. આ કેસ શરૂઆતમાં IPCની કલમ ૩૦૨ (હત્યા)નો નોંધાયો હતો, પરંતુ સુનાવણી દરમ્યાન પછીથી જજે કલમમાં ફેરફાર કર્યો હતો.

૨૦૧૩ની ૨૮ એપ્રિલે ૩૬ વર્ષની પાર્વતીએ અંધેરીના મરોલ પોલીસ-કૅમ્પ ખાતેના તેમના ઘરે દીકરા સતીશની નજર સામે જ તેના ૪૩ વર્ષના પતિ નંદકિશોર પર હથોડા અને ગ્રેનાઇટના પથ્થરના ઘા ઝીંક્યા હતા. એ પછી તે બારણે તાળું મારીને લોહીથી ખરડાયેલા કપડે પવઈ પોલીસ-સ્ટેશને દીકરા સતીશને સાથે લઈને ગઈ હતી. પવઈ પોલીસ-સ્ટેશનમાં જઈ તેણે સીધું જ જાહેર કરી દીધું હતું કે ‘મેં મારા પતિને ખતમ કર્યો છે.  તેનો મૃતદેહ ઘરમાં પડ્યો છે.’ ત્યાર બાદ પોલીસ-ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી ગઈ હતી.

મરનાર અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નંદકિશોર ખૂબ દારૂ પીતો હતો અને પત્ની પાર્વતીના ચારિત્ર્ય પર શંકા કરીને વારંવાર તેની મારઝૂડ કરતો હતો. પાર્વતી કોઈ પણ પુરુષ સાથે વાત કરે તો શંકા કરીને તેની સાથે ઝઘડો કરતો હતો.

પાર્વતી નંદકિશોરની બીજી પત્ની હોવાથી બન્ને લગ્ન કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. સામા પક્ષે નંદકિશોર પણ તેનો બીજો પતિ હતો. પાર્વતીના પહેલા પતિનાં બે બાળકોમાંનો સતીશ એક હતો.

હત્યાની રાતે એક વાગ્યે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયા પછી બન્ને ઝઘડો અને બૂમાબૂમ કરતાં પોલીસ-સ્ટેશન ગયાં હતાં. તેમના ઝઘડાનો અંત આવતો ન હોવાથી પોલીસે તેમને એક રાત ત્યાં જ રહેવા કહ્યું હતું, પરંતુ ત્યાં ઑફિસર્સ સામે નંદકિશોરે પાર્વતીની માફી માગ્યા બાદ સમાધાન થતાં બન્નેને પાછાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. ઘરે પહોંચ્યા પછી નંદકિશોરે તરત દારૂ પીવાનું શરૂ કર્યું અને રાતે ૩ વાગ્યે નશામાં ચકચૂર હાલતમાં સૂઈ ગયો હતો. એ વખતે પાર્વતીએ ગુસ્સામાં આવી જઈને કિચનનો ગ્રેનાઇટ પથ્થર ઉપાડીને નંદકિશોરના માથામાં ફટકાર્યો હતો. એ પછી તેણે હથોડો લઈને એના ઘા પણ તેના માથામાં માર્યા હતા. આ બધું દીકરા સતીશની હાજરીમાં બન્યું હતું.

નંદકિશોર ૧૯૯૬ના બૅચનો પોલીસ-અધિકારી હતો અને લોકલ આર્મ્સ-યુનિટ ૪ સાથે જોડાયેલો હતો. અગાઉ તે ચાર પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો હતો. તેને પ્રથમ પત્નીથી એક દીકરો હતો અને એ પત્ની તથા દીકરો ભાંડુપ રહે છે.