મુંબઈ: પોતાની નવી બસનો કોવિડ ઍમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતી મહિલા-ડ્રાઇવર

23 September, 2020 11:08 AM IST  |  Mumbai | Samiullah Khan

મુંબઈ: પોતાની નવી બસનો કોવિડ ઍમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતી મહિલા-ડ્રાઇવર

બસને ઍમ્બ્યુલન્સ તરીકે ચલાવતી નીલમ સિંહ

પંચાવન વર્ષની મહિલા સ્કૂલ બસ-ડ્રાઇવર છેલ્લા ચાર મહિનાથી તેની નવી બસનો ઉપયોગ કોરોનાના દરદીઓને હૉસ્પિટલમાં અને ક્વૉરન્ટીન સેન્ટરમાં પહોંચાડવા માટે કરી રહી છે. અંધેરીની રહેવાસી નીલમ સિંહ તેમના પતિ અને ૯૫ વર્ષનાં માતા સાથે રહે છે. તેમની પુત્રીનાં લગ્ન થઈ ગયાં છે અને એ જ બિલ્ડિંગમાં રહે છે, જ્યારે તેમનો પુત્ર અમેરિકામાં છે. સિંહના પતિ ઑટો વર્કશૉપ ધરાવે છે, પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોવાથી નીલમ સિંહે પોતાની રીતે કામ કરવાનું નક્કી કર્યું. આશરે ૧૮ વર્ષ અગાઉ નીલમે તેમની પોતાની બસમાં શાળાનાં બાળકોને લાવવા-લઈ જવાનું કામ શરૂ કર્યું.

લૉકડાઉન પહેલાં નીલમ સિંહ ૧૮ વર્ષ સુધી સ્કૂલ બસ-ડ્રાઇવર તરીકે કાર્યરત હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં નીલમ સિંહે જણાવ્યું હતું કે ‘ફેબ્રુઆરીમાં તેમણે લોન પર નવી બસ બુક કરાવી હતી. બસ મેમાં મળી હતી અને નીલમ સિંહ દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા ઈએમઆઇ ચૂકવતાં હતાં. ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરોની અછતને પગલે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે સ્કૂલ બસ અસોસિએશનના ચૅરમૅન સાથે વાત કરીને મદદની માગણી કરી હતી.’

દરેક વૉર્ડની કેટલીક બસોને ઍમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવા માટે પસંદ કરાઈ હતી અને મારી બસને પણ ‘કે-ઈસ્ટ’ વૉર્ડમાંથી કોરોનાના સામાન્ય દરદીઓના પરિવહન માટે લેવાઈ હતી, તેમ સિંહે જણાવ્યું હતું. સિંહે ડ્રાઇવર રોક્યો હતો, પરંતુ કોરોનાના ભયથી તેણે કામ છોડી દીધું ત્યારે નીલમ સિંહે સ્વયં બસ હંકારવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ચાર મહિનામાં મેં ૨૦૦૦ કરતાં વધુ દરદીઓનું પરિવહન કર્યું છે. શરૂઆતમાં મારા પરિવારે વિરોધ કર્યો અને મારાં બાળકો નહોતાં ઇચ્છતાં કે હું ડ્રાઇવિંગ કરું, પણ મેં મારું કામ ચાલુ રાખ્યું, એમ સિંહે જણાવ્યું હતું.

lockdown coronavirus covid19 andheri samiullah khan