હાય હાય! કોઇકની કારનું ઇ-ચલાન રતન તાતાને? જાણો શું છે હકીકત

06 January, 2021 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હાય હાય! કોઇકની કારનું ઇ-ચલાન રતન તાતાને? જાણો શું છે હકીકત

તસવીર સૌજન્ય મિડ-ડે

કોઇકની કારનું ઇ-ચલાન જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાને જઇ રહ્યું હતું, અને આ બધું મુંબઇમાં થયું. મુંબઇની ટ્રાફિક પોલીસને ફરિયાદ મળી હતી કે કોઇક વ્યક્તિ ડુપ્લિકેટ નંબર પ્લેટની કાર ચલાવે છે. પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી કે જે કાર નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે તે જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાની છે. પોલીસે જ્યારે કેસની ઊંડાઇથી તપાસ કરી તો આ મામલો અંકશાસ્ત્ર સાથેની ધારણા સાથે જોડાયેલો મળ્યો.

પોલીસે સીસીટીવી અને જૂના રૅકૉર્ડ દ્વારા જ્યારે શોધ કરી તો કાર મેસર્સ નરેન્દ્ર ફૉરવડ્રેસ પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર્ડ હતી પણ રિયલ નંબરને બદલે રતન તાતાનો નંબર લગાવ્યો હતો. જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તે બધાં દંગ રહી ગયા. ખબર પડી કે અંકશાસ્ત્ર દ્વારા થતાં લાભ માટે ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી.

પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા પોતાની કાર પર રતન તાતાની કારની નંબર પ્લેટ વાપરી રહી હતી. પોલીસ પ્રમાણે, મહિલાનું કહેવું છે કે તેને આ વાતની માહિતી નહોતી કે તેની કાર પર લાગેલી નંબર પ્લેટ રતન તાતાની ગાડીનો જ નંબર છે.

મહિલાએ પોલીસને જણાવ્યું કે કોઇક જ્યોતિષે તેને પોતાની કાર માટે વિશેષ નંબર પ્લેટના ઉપયોગની સલાહ આપી હતી, તેથી મહિલાએ તે નંબર પ્લેટનો ઉપયોગ કર્યો. પોલીસે જણાવ્યું કે આ મામલો રાતે સામે આવ્યો અને આરોપી મહિલા હતી એટલે તેને તરત થાણે બોલાવવામાં આવી નહીં.

મહિલાને બુધવારે પૂછપરછ માટે બોલાવવામાં આવી અને મહિલાની ધરપકડની આશા છે. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ આઇપીસી ધારો 420 અને 465 દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે રતન તાતા પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનું દંડ હતું પણ તેમણે કોઇ ટ્રાફિક નિયમો તોડ્યા નથી.

તાતા સમૂહના અધિકારીઓએ જણાવ્યું કે રતન તાતા તરફથી એવા કોઇ નિયમ તોડવામાં નથી આવ્યા, જેના પછી આ મામલે માહિતી મળી. પોલીસે માટુંગા પોલીસ સ્ટેશનમાં કાર જપ્ત કરી લીધી છે અને મહિલા અને તેની કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આરોપીએ જ્યોતિષીય અંકનો લાભ લેવા માટે મૂળ નંબર પ્લેટમાં ફેરફાર કરી પોતાની કાર પર નકલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. રતન તાતાની કારને મોકલવામાં આવેલા બધા ઇ-ચલાન હવે આરોપીને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

mumbai mumbai news ratan tata Crime News mumbai crime news